ગંધાર : ભારતનો પુરાણ-પ્રસિદ્ધ પ્રદેશ. ઐતરેય આરણ્યક(7.34)માં ‘ગંધાર’ પ્રદેશના રાજા નગ્નજિત્નો ઉલ્લેખ થયેલો છે. શતપથ બ્રાહ્મણ(8.1.4.10)માં એ અથવા તો એનો કોઈ વંશજ સ્વર્જિત્ નાગ્નજિત કે નગ્નજિત્ ઉલ્લિખિત થયેલો છે. ઋગ્વેદ(1.126.7)માં ભારતીય ઉપખંડના નૈર્ઋત્યકોણની પ્રજાને માટે ‘ગંધારી’ શબ્દ જોવા મળે છે. ગંધારીઓનાં ઘેટાંઓનું ઊન ત્યાં પ્રશંસિત થયેલું છે. ગંધારીઓનો ઉલ્લેખ અથર્વવેદ(5.22.14)માં ‘મૂજવત્’, ‘અંગ’, ‘મગધ’ પ્રજા સાથે પણ થયેલો છે. હિરણ્યકેશી શ્રૌતસૂત્ર (17.6) અને આપસ્તંબ શ્રૌતસૂત્ર(22.6.18)માં ‘ગંધારી’ તરીકે અને બૌધાયન શ્રૌતસૂત્ર(21.13)માં ‘ગાંધારી’ તરીકે જાણવામાં આવેલ છે. આ પ્રજા વૈદિક સમયમાં અફઘાનિસ્તાનમાંની કુભા નદી સિંધુને મળે છે ત્યાં સુધીના પ્રદેશમાં પથરાયેલી તો હતી જ, ઉપરાંત આગળ દક્ષિણ તરફ સિંધુ નદીના પ્રદેશમાં પણ હતી. પછીના સમયમાં ફારસ (પર્શિયન) સામ્રાજ્યમાં આ પ્રજા ભળેલી હતી અને જ્યારે ગ્રીસની સામે ગ્ઝર્ગ્ઝેસે ચડાઈ કરેલી ત્યારે જે ‘ગન્દારિયનો’એ સાથ આપ્યો હતો તે આ ગંધારીઓ હતા. વાલ્મીકિ રામાયણ(7.100)માં જણાવ્યા પ્રમાણે શૈલૂષ ગંધર્વના વંશજોનું ત્યાં રાજ્ય હતું. પહેલાં ‘ગંધર્વ’ પ્રદેશની રાજધાની તક્ષશિલામાં હતી.

મહાભારત પ્રમાણે કૌરવ-પાંડવોના સમયમાં ધૃતરાષ્ટ્રની રાણી ગાંધારીનો અને સાળા શકુનિનો પિતા સુબલ ગંધાર પ્રદેશનો શાસક હતો. શકુનિ આ કારણે ‘ગાંધાર’ કહેવાતો હતો. સામાન્ય રીતે સિંધુ નદીના નીચેના બેઉ કાંઠાનો પ્રદેશ તે આ ગંધાર. ‘કંદહાર’ નામસામ્યે એ નગરને આવરી લેતો પ્રદેશ ‘ગંધાર’ હોય તો ત્યાંથી કાબુલ નદી ઘણી દૂર છે અને રાવલપિંડી નજીકની તક્ષશિલાનગરી પણ એટલી જ દૂર છે. સંભવ છે કે ક્વેટા દક્ષિણ સીમાએ હોય એટલો પેશાવર અને ખૈબરઘાટ સહિતનો વિશાળ પ્રદેશ ‘ગંધાર’ હોય. આજે આ નામ રહ્યું નથી. આજના પશ્ચિમ પાકિસ્તાનના ઉત્તર વિભાગનો અડધો પ્રદેશ ‘ગંધાર’ હોવાની શક્યતાને નકારી ન શકાય. સિંધુ નદીની ઉપરના પહાડો અને નદીઓની ફળદ્રૂપ જમીન ધરાવતો પ્રદેશ તે આ.

કે. કા. શાસ્ત્રી