ગંધર્વ : ગાનકુશલ, રૂપસુંદર અને વિલાસી દેવયોનિ. તે દેવોના અંશમાંથી જન્મેલા અર્ધદેવ છે. गन्धं अर्वीत प्राप्नोति अयम् गन्ध + अर्व् + (कर्मणि) अण् — ગંધને અનુસરનાર, ગંધને પકડી પાડનાર, તે गंधर्व. રશ્મિધારી સૂર્ય, જલધારી સૂર્ય, સૂર્યપ્રકાશથી થતો દિવસ. (રાત્રિને गन्धर्वी કહી છે.) સોમવલ્લી કે તેની અધિષ્ઠાત્રી દેવતા, સંગીતના ગન્ધ(સ્વર)ને અનુસરનાર ગાનપ્રિય એમ અનેક અર્થોમાં ગંધર્વ શબ્દ વપરાયો છે. પુરાણોમાં ગંધર્વોને કશ્યપ પ્રજાપતિ અને અરિષ્ટાની સંતતિ ગણાવ્યા છે. બ્રહ્માની છીંકમાંથી તેમની ઉત્પત્તિ થયાનું પણ કહેવાયું છે. ઇન્દ્ર સર્વ ગંધર્વોનો અધિપતિ છે. ગંધર્વો પૂર્ણદેવો નથી પણ દેવો જેવી અનેક માનવોત્તર શક્તિઓ ધરાવે છે. તે અંતરિક્ષમાં સંચાર કરે છે. સૂર્યરશ્મિઓથી બાષ્પીભૂત જળને અંતરિક્ષમાં ધારણ કરે છે. તે જીવ-અજીવની ગંધ પારખી લે છે અને તેને પકડે છે. ભૂતપ્રેતની જેમ ગંધર્વોનો પણ આવેશ થાય છે. સોમ ગંધર્વોનો રાજા છે.

વેદોમાં ગંધર્વોને વિલાસી કહ્યા છે. વિવાહ પહેલાં કુમારી કન્યા પર અધિકાર કરનાર દેવ સોમ અને અગ્નિ સાથે ગંધર્વની ગણના એક મંત્રમાં જોવા મળે છે. વિશ્વાવસુ વેદમાં જાણીતો ગંધર્વ છે. ચિત્રરથ, હાહા, હૂહૂ વગેરે ગંધર્વો પુરાણપ્રસિદ્ધ છે. ગંધર્વોનો લોક મનુષ્યલોકની ઉપરના ગુહ્યલોકની ઉપર અને વિદ્યાધરલોકની નીચે બતાવાયો છે. ગંધર્વોના હાહા, હૂહૂ, ચિત્રરથ, હંસ, વિશ્વાવસુ, ગોમાયુ, તુમ્બુરુ અને નંદિ એમ આઠ ભેદ છે. વસ્તુત: એ આઠ કુળ હશે. કવિ બાણે ‘કાદમ્બરી’માં મહાશ્વેતાના પરિચય પ્રસંગમાં ગંધર્વાપ્સરોનાં કુળોનો નિર્દેશ કર્યો છે તેમાં હંસ કુળનો ઉલ્લેખ છે. બાર માસના બાર ગંધર્વો સૂર્યનો માર્ગ પ્રશસ્ત કરતા તેની આગળ જતા વર્ણવાયા છે.

ઇન્દ્રસભામાં ગંધર્વો ગાયનવાદન કરે છે અને અપ્સરાઓ નૃત્ય કરે છે. કૈલાસમાં શિવ પાસે પણ ગંધર્વો હોય છે. શિવમહિમ્ન: સ્તોત્રનો રચયિતા પુષ્પદંત ગંધર્વ હતો. ગંધર્વો બલવાન અને યુદ્ધકુશલ કહેવાયા છે. તેમનાં આયુધો વિદ્યુતસમાં તેજસ્વી અને તેમના અશ્વો વાતરંહસ્ – વાયુવેગી છે. તેઓ ચાક્ષુષી વિદ્યા એટલે કે ર્દષ્ટિથી સંમોહન કરવાની શક્તિવાળા ગણાય છે. પહેલાં સોમવલ્લી ગંધર્વો પાસે હતી, પણ દેવોએ તેમની સ્ત્રીલોલુપતાનો લાભ લઈ સોમ તેમની પાસેથી લઈ લીધો. પુષ્પો તેમને ઘણાં પ્રિય છે. કુંદ પુષ્પ તેમનું પ્રિય પુષ્પ છે. તે પાણીમાં ગૂંગળાયા વિના રહી શકે છે અને શેવાળ ખાય છે.

ગંધર્વોની મૂર્તિમાં તે વરમુદ્રાવાળા, વીણાધારી, બાજુબંધ અને કિરીટ તથા કુંડલ ધારણ કરનારા બતાવાયા છે.

મહાભારતમાં ઘોષયાત્રા પ્રસંગમાં ચિત્રરથ ગંધર્વે કર્ણ વગેરે યોદ્ધાઓને પરાજિત કરી દુર્યોધનને બંદી બનાવેલો અને પાંડવોના કહેવાથી તેને મુક્ત કરેલો એવો ઉલ્લેખ છે.

ઉત્તરપ્રદેશમાં હાલ પણ ગંધર્વોની એક જાતિ છે. નૃત્ય-ગીત આ જાતિનો વ્યવસાય છે. સારી ગાયિકા અને સુરૂપ સ્ત્રીને તેઓ વારવધૂ તરીકે રાખે છે; પણ પ્રથમ સમાગમ કરનાર પુરુષ સાથે તેનું લગ્ન થાય છે. ગંધર્વો વિષ્ણુપૂજક છે પણ વિવાહિત સ્ત્રીઓ શિવપૂજક હોય છે. વારવધૂઓ ગણપતિની પૂજા કરે છે.

નટવરલાલ યાજ્ઞિક