ગંધક જીવાણુઓ (sulphur bacteria) : ગંધક અને ગંધકયુક્ત સંયોજનો પર પ્રતિક્રિયા કરવાની ક્ષમતા ધરાવતા જીવાણુઓના વિવિધ પ્રકારોનો સમૂહ. કુદરતમાં ગંધક ચક્ર (sulphur cycle) માટે તે અગત્યના છે. પ્રોટીન તેમજ કોષમાંના વિવિધ એમીનો ઍસિડ જેવા કે સિસ્ટીન, સિસ્ટેઇન, મેથિઓનિન અને વિટામિન ‘બી’માં ગંધક રહેલો હોય છે. જીવાણુઓ દ્વારા તેમનું વિઘટન થતાં ગંધક તત્વ, હાઇડ્રોજન સલ્ફાઇડ (H2S) તેમજ અન્ય સંયોજનો રૂપે મુક્ત થાય છે. આ જીવાણુઓ બે પ્રકારના હોય છે :

(अ) ઉપચયક (oxidative) જીવાણુઓ : આ જીવાણુઓ હાઇડ્રોજન સલ્ફાઇડનું ગંધકમાં અને ગંધકનું સલ્ફેટમાં ઉપચયન કરે છે :

2H2S + O2 → 2S + 2H2O + ઊર્જા

2S + 3O2 + 2H2O → 2H2SO4 + ઊર્જા

પ્રક્રિયા દરમિયાન મુક્ત થયેલી ઊર્જા જૈવિક ક્રિયાઓમાં અગત્યની છે.

બેગ્ગિઆટોઆ (beggiatoa), થાયોટ્રિક્સ (thiotrix), થાયોવલમ (thiovalum) જેવા જીવાણુઓ પોતાના કોષમાં ગંધકયુક્ત કણોને અપવર્તક સૂક્ષ્મબિંદુ (refractive droplets) રૂપે સંઘરે છે. H2Sનો પુરવઠો ઓછો હોય ત્યારે કોષ ઊર્જા મેળવવા તેને ઉપયોગમાં લે છે. આવા જીવાણુઓ રસાયણસંશ્લેષક સ્વોપજીવી (chemo-synthetic autotrophs) તરીકે ઓળખાય છે. થાયોટ્રિક્સ ગંધકના ઝરણામાં તથા ગટરના (sewage) પાણીમાં હોય છે, જ્યારે સલ્ફોલોબસ ગંધક-સમૃદ્ધ ગરમ પાણીના ઝરામાં હોય છે. તે H2Sનું તત્વરૂપ ગંધકમાં રૂપાંતર કરે છે. જાંબુડિયા (purple) ગંધક જીવાણુઓ (chromatiaceae) અને હરિત (green) ગંધક જીવાણુઓ (chlorobiaceae) પ્રકાશ-સંશ્લેષક સ્વોપજીવી પ્રકારના હોય છે અને ઑક્સિજનની ગેરહાજરીમાં પ્રકાશમાંથી શક્તિ મેળવી ગંધક અને તેનાં સંયોજનોનું સલ્ફેટમાં રૂપાંતર કરે છે. અન્ય રસાયણ-સંશ્લેષણ સ્વોપજીવી જીવાણુઓમાં દરિયાઈ અને ખુશ્કી (terrestrial) વસવાટ ધરાવતા દંડાકાર થાયોબેસિલસ ઑક્સિડન્સ અને થાયોબેસિલસ ડિનાઇટ્રિફિકન્સ છે, જે સલ્ફરનું વનસ્પતિને ઉપયોગી સલ્ફેટમાં ઉપચયન કરે છે પણ ઊંડાણવાળા ભાગમાં તે સલ્ફ્યુરિક ઍસિડ ઉત્પન્ન કરે છે. આથી જમીનનું pH મૂલ્ય 2.0 જેટલું નીચું જતાં ખાણમાંની ધાતુઓ ઓગળે છે અને લોખંડ તેમજ કૉંક્રીટનું ક્ષારણ (corrosion) થાય છે.

(ब) અપચયક (reductive) જીવાણુઓ (SO42- H2S ) : આ જીવાણુઓ, દા. ત., ડિસલ્ફોવિબ્રીઓ ડિસલ્ફ્યુરિકન્સ (ગ્રામઋણી અવાતજીવી), ડિસલ્ફેટોમેક્યુલમ (ગ્રામઋણી બીજાણુધારક) વ. જલાક્રાન્ત ભૂમિ (waterlogged soil) અને ગટરના પાણીમાંના સલ્ફેટનું H2Sમાં રૂપાંતર કરે છે.

T થાયોપરસ જેવા ગંધક જીવાણુઓને તટસ્થ માધ્યમ, જ્યારે T થાયોઑક્સિડન્સ જેવાને આમ્લિક (acidic) માધ્યમ વધુ અનુકૂળ હોય છે અને 5 % સલ્ફ્યુરિક ઍસિડના દ્રાવણમાં પણ તે રહી શકે છે.

પ્રમોદ રતિલાલ શાહ