ગંગો (પશ્ચિમના)
January, 2010
ગંગો (પશ્ચિમના) : દક્ષિણ ભારતના ગંગ વંશના મૈસૂરના શાસકો. આ વંશના રાજવીઓ પોતાને ઇક્ષ્વાકુ વંશના ગણાવતા હતા. જાણવા જેવું છે કે આ વંશનો સ્થાપક કોંગુણિવર્મા ઉર્ફે માધવ પહેલો ગુપ્ત સમ્રાટ સમુદ્રગુપ્ત(ઈ. સ. 350–400)ના સમયમાં હયાત હતો. માધવ બીજો (ઈ. સ. 400–435) નીતિશાસ્ત્ર અને ઉપનિષદોનો જ્ઞાતા હતો અને એણે દત્તકના ‘કામસૂત્ર’ ઉપર સંસ્કૃતવૃત્તિ લખેલી. સંભવત: એના પૌત્ર હરિવર્મા(ઈ. સ. 450–460)નો રાજ્યાભિષેક પલ્લવનરેશ સિંહવર્મા પહેલાએ કરાવ્યો હતો.
ઘણા ગંગ રાજાઓ જૈન હતા, પણ એ વંશનો એક વિષ્ણુગુપ્ત શિવભક્ત હતો અને બ્રાહ્મણો, જૈનો અને બૌદ્ધોને પણ છૂટે હાથે દાન આપતો. આ રાજવીઓ પલ્લવોના ખંડિયા હતા. અવિનીત (ઈ. સ. 500–540) જૈન હતો અને જૈનો તેમજ બ્રાહ્મણોને પણ દાન આપતો હતો. એના વારસ દુર્વિનીત(ઈ. સ. 540–600)ને ઉત્તરાધિકાર મેળવતાં મુશ્કેલી ઊભી થઈ હતી. આ દુર્વિનીતે પુન્નાડ (દક્ષિણ મૈસૂર) અને એની દક્ષિણનો કોગુ દેશ હસ્તગત કરેલ. એણે દક્ષિણના ચાલુક્ય વંશના રાજવીઓ સાથે મૈત્રી સંબંધ જાળવી રાખ્યો હતો, જ્યારે પલ્લવો સાથે એને સારો સંબંધ નહોતો. એ વૈષ્ણવ હતો અને જૈનોને પણ દાન આપતો. એ કન્નડ તેમજ સંસ્કૃત સાહિત્યનો પણ જ્ઞાતા હતો. એણે ‘શબ્દાવતાર’ સંજ્ઞક વ્યાકરણગ્રંથ પણ રચેલો. એના ગુરુ જૈન આચાર્ય પૂજ્યપાદ હતા. તેણે ‘કિરાતાર્જુનીય’ મહાકાવ્યના કવિ ભારવિને આશ્રય આપ્યો હતો. એણે આ કાવ્યના પંદરમા સર્ગની ટીકા લખી હોવાનું કહેવાય છે. હકીકતે પશ્ચિમના ગંગ વંશનો એ પ્રતાપી અને પરાક્રમી રાજવી હતો.
આ દુર્વિનીત પછી શ્રીવિક્રમ ભૂવિક્રમ અને શિવકુમાર પહેલો (ઈ. સ. 670–713) એક પછી એક સત્તા પર આવ્યા હતા. આ ત્રણે રાજવી જૈન હતા. આ શિવકુમારનો પુત્ર શ્રીપુરુષ ઘણો પરાક્રમી હતો. એના સમયમાં કોગુ દેશ માટે પલ્લવો અને પાંડ્યોને વિગ્રહ થયેલો. ગંગ વંશની કુંવરી સાથે લગ્ન કરેલ હતાં તે પાંડ્ય નરેશ રાજસિંહ પહેલાને કોગુ પ્રદેશના વિજયમાં શ્રીપુરુષનો સાથ હોવાનું જાણવામાં આવ્યું છે. શ્રીપુરુષે પલ્લવનરેશ નંદિવર્મા પલ્લવમલ્લને હરાવ્યો હતો. શ્રીપુરુષના રાજ્યકાલ (ઈ. સ. 725–788) દરમિયાન ‘ગંગવાડી’ તરીકે જાણીતા આ પ્રદેશ ઉપર રાષ્ટ્રકૂટ વંશના રાજવીઓનાં આક્રમણ થયાં કર્યાં હતાં, આમ છતાં ‘રાજાધિરાજ’ અને ‘પરમેશ્વર’ જેવાં એનાં બિરુદ એની શક્તિનો ખ્યાલ આપે છે. એણે પોતાની રાજધાની માન્મપુર(મણ્ણે)માં સલામતી ખાતર ખસેડી લીધી હતી. આ રાજવીએ ‘ગજશાસ્ત્ર’ નામનો ગ્રંથ લખ્યો છે. એ ગજયુદ્ધમાં નિષ્ણાત હતો. નોંધવા જેવું છે કે શ્રીપુરુષના સમયમાં ગંગ રાજ્યની જાહોજલાલી પરાકાષ્ઠાએ પહોંચી હતી : આ શ્રીપુરુષનું રાજ્ય ‘શ્રીરાજ્ય’ તરીકે એના યુગમાં વિખ્યાત થયેલું હતું.
કે. કા. શાસ્ત્રી