ગંગેશ્વરાનંદજી ઉદાસીન, સ્વામી (જ. 27 ડિસેમ્બર 1881; અ. 14 ફેબ્રુઆરી 1992, મુંબઈ) : વીસમી સદીના વેદભાષ્યકારોમાં આગવું સ્થાન ધરાવતા વિદ્વાન સંન્યાસી. ‘ભગવાન વેદ’ નામના ગ્રંથરત્નનું તેમનું સંપાદન અને વિશ્વનાં જુદાં જુદાં લગભગ 800 સ્થાનોમાં તેનું સ્થાપન, વિતરણ વગેરેનું કાર્ય અત્યંત નોંધપાત્ર છે. ‘ભગવાન વેદ’ એ 3935.48 ચોસેમી.ની સાઇઝમાં બે રંગમાં ઉત્તમ કોટિના કાગળ પર છાપેલી ચાર વેદોની સંકલિત અને ભવ્યાતિભવ્ય આવૃત્તિ છે. તેનું વજન જ 21 કિલો થાય છે. સ્વામી ગંગેશ્વરાનંદજી મહારાજ, ઉદાસીનનો જન્મ વિક્રમ સંવત 1938(ઈ. સ. 1882)માં પોષ સુદ સાતમના દિવસે થયો હતો. તેમની માતાનું નામ સરલાદેવી અને પિતાનું નામ રામદત્તજી હતું. તેમનું પૂર્વાવસ્થાનું નામ ચંદ્રશેખર હતું. બાળક ચંદ્રશેખરે 6 વર્ષની કુમળી વયે બળિયાના પ્રકોપમાં આંખો ગુમાવી હતી. સ્વામી રામાનંદજીના શિષ્ય બની સનત્કુમાર દ્વારા સ્થપાયેલા મનાતા ઉદાસીન સંપ્રદાયની ગુરુપરંપરામાં તેમણે 165મું સ્થાન પ્રાપ્ત કર્યું. દૈવદત્તે અદભુત પ્રતિભાને પરિણામે ઘણી નાની વયમાં છ દર્શનો અને વેદો તેમજ વેદાંગોનું અધ્યયન સંપન્ન કરી લેતાં વિદ્વાનોએ તેમને વેદદર્શનાચાર્યની પદવીથી નવાજ્યા હતા.

ગુજરાત, પંજાબ, ઉત્તરપ્રદેશથી માંડી છેક બંગાળ અને ચેન્નાઈ સુધીના પ્રદેશમાં ઘૂમીને વેદ અને ભારતીય સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર કર્યો. લગભગ 90 વર્ષની પાકટ વયે ‘ભગવાન વેદ’ના પ્રકાશનનો સંકલ્પ કર્યો અને 92મા વર્ષે તેને પ્રકાશિત કર્યો. એ પછી તે વિશ્વના અનેક દેશોમાં ઘૂમી વળ્યા; જેમાં નેપાળ, સિલોન, ઇન્ડોનેશિયા, જાવા, સુમાત્રા, આફ્રિકાના અનેક દેશો, યુ.કે., યુ.એસ.ના અનેક પ્રદેશો, વેસ્ટ ઇન્ડીઝ, કૅનેડા વગેરે મુખ્ય છે.

સ્વામી ગંગેશ્વરાનંદજી

તેમણે ચારે વેદોના મંત્રો લઈને નવી ભાત પાડતું ભાષ્ય રચ્યું. તેથી ચતુર્વેદભાષ્યકાર કહેવાયા. વામન સામવેદ, કુન્તાપ સૂક્ત, શુક્લ યજુર્વેદ, સમન્વય ભાષ્ય અધ્યાય 1-2-3, અથર્વવેદના જે કાંડો ઉપર સાયણાચાર્યનું ભાષ્ય ઉપલબ્ધ ન હતું તેની ઉપર અભિનવ સાયણ ભાષ્યની રચના કરી વિદ્વજ્જગતમાં વર્ષોથી ખૂટતી કડીને જોડી આપી. આમ સમગ્ર અથર્વવેદ અભ્યાસીઓ માટે ઉપયોગી બનાવ્યો. તેમણે સામવેદ ઉપર બે ભાગમાં હિન્દીમાં ભાષ્ય આપ્યું છે. તેની વિશેષતા એ છે કે પ્રત્યેક મંત્રના આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક એમ ત્રણ ત્રણ અર્થો કરી બતાવ્યા છે. આ તેમની આગવી વિશેષતા કહેવાય. વળી તેમણે પોતાનાં અન્ય વેદભાષ્યોમાં દેવયાજી, આત્મયાજી અને સાત્વત એમ ત્રણ ત્રણ પક્ષો તથા આધુનિકો વગેરેના મતો નોંધીને સંસ્કૃત ભાષ્ય આપ્યું છે. તેમણે વિષ્ણુ એ વેદપ્રતિપાદ્ય છે એવી એક પ્રાચીન વેદભાષ્યકારોની પરંપરાને આગળ વધારીને વેદમંત્રોના સાત્વત ભાષ્યમાં કૃષ્ણચરિત્રને દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. પોતાના સમન્વય ભાષ્યના અંતે ‘આ સમન્વય ભાષ્યમાં અનેક પક્ષો પ્રદર્શિત કરવામાં આવ્યા છે. તેમાંથી વિદ્વાનને જે પક્ષ ગમે તેનાથી તે આનંદ પામે.’ એમ કહી પોતાના પક્ષનો સ્વીકાર વાચક પાસે કરાવવાનો દુરાગ્રહ ત્યજી દીધો છે. તે સ્વયં પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં લગભગ દસ હજારથી વધુ મુદ્રિત પાનાં જેટલું તેમનું લખાણ ખાસ કરીને વેદવિષયક વિદ્વાનો માટે પીએચ.ડી.નો વિષય બને તેટલું અર્થસભર અને વિદ્વત્તાપૂર્ણ છે. તેમના ગ્રંથો ‘શ્રૌતમુનિચરિતામૃત’, ‘વેદોપદેશચંદ્રિકા’, ‘સદગુરુ સ્વામી ગંગેશ્વરાનંદજી કે લેખ ઔર ઉપદેશ’ (ભાગ 1), ‘ભગવાન વેદ’, ‘શુક્લ યજુર્વેદ સંહિતા – સમન્વય ભાષ્ય અધ્યાય એક, અધ્યાય બે અને અધ્યાય ત્રણ, ‘કુન્તાપ સૂક્ત’, ‘અથર્વવેદસંહિતા’ – અભિનવ સાયણભાષ્ય, ‘વામનસામવેદ’, ‘સામવેદ સમન્વય ભાષ્ય ભાગ 1’, ‘સામવેદ સમન્વય ભાષ્ય ભાગ 2’, ‘ઋગ્વેદ સમન્વય ભાષ્ય’, ‘ભગવદ્ગીતા અને વેદગીતાની ભૂમિકા – ગીતામંદાકિની’, ‘ગોપીગીત લોચનાહલાદિની ટીકા’, ‘શાંતિ કી ખોજ’, ‘સુખ કી ખોજ’ અને ‘સ્વામી ગંગેશ્વરાનંદજી કે લેખ ઔર ઉપદેશ’ (ભાગ 2). વળી તેમની પ્રેરણાથી અનેક ગ્રંથો લખાયેલા છે.

વીસમી સદીના ઉત્તરાર્ધમાં વેદના સિદ્ધાન્તો અને સાહિત્યને દેશવિદેશમાં લોકો સુધી પહોંચાડનાર વિદ્વાનોમાં સ્વામી ગંગેશ્વરાનંદજીનું સ્થાન અને પ્રદાન અદ્વિતીય છે.

ગૌતમ પટેલ