ખ્વાજા નઝિમુદ્દીન (જ. 19 જુલાઈ 1894, ઢાકા; અ. 22 ઑક્ટોબર 1964, ઢાકા) : અગ્રણી રાજનીતિજ્ઞ તથા પાકિસ્તાનના ભૂતપૂર્વ ગવર્નર જનરલ. અમીર કુટુંબમાં જન્મ. પિતા ખ્વાજા નિઝામુદ્દીન ધનિક જમીનદાર હતા. શરૂઆતનું શિક્ષણ ઢાકા ખાતે લીધા પછી ઉચ્ચ શિક્ષણ અલીગઢ તથા ઇંગ્લૅન્ડ ખાતે લીધું. મુસ્લિમ સમાજના પ્રશ્નોમાં શરૂઆતથી જ રુચિ ધરાવતા. મહમદઅલી ઝીણાના સંપર્કમાં આવ્યા પછી મુસ્લિમ લીગના રાજકારણમાં સક્રિય બન્યા. તેઓ 1929-34 દરમિયાન બંગાળમાં શિક્ષણમંત્રી રહ્યા હતા. 1942-43 દરમિયાન બંગાળની વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અને ફઝલુલ હક્ક દ્વારા બંગાળમાં રચવામાં આવેલા મિશ્ર પ્રધાનમંડળમાં ગૃહમંત્રી નિમાયા હતા (1937-41). બે વર્ષ (1943-45) બંગાળના મુખ્ય પ્રધાનપદે કામ કર્યું. 1946-47 દરમિયાન બ્રિટિશ સરકાર સાથેની રાજકીય વાટાઘાટોમાં અગ્રેસર ભાગ ભજવ્યો તથા પાકિસ્તાનની સ્થાપનાની

ખ્વાજા નઝિમુદ્દીન

હિમાયત કરી. 1937-47 દરમિયાન અખિલ ભારતીય મુસ્લિમ લીગની કારોબારીના તેઓ સભ્ય હતા. પાકિસ્તાનના નિર્માણ પછી પૂર્વ બંગાળ(હાલ સ્વતંત્ર બાંગલાદેશ)ના તે પ્રથમ મુખ્યમંત્રી બન્યા. સપ્ટેમ્બર, 1948માં ઝીણાના અવસાન પછી તેમના અનુગામી તરીકે પાકિસ્તાનના ગવર્નર જનરલ બન્યા. 1951માં પાકિસ્તાનના પ્રધાનમંત્રીનું પદ ગ્રહણ કર્યું. 1953માં આ પદેથી તેમણે રાજીનામું આપ્યું અને સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લઈ જીવનના છેલ્લા દિવસો પૂર્વ બંગાળમાં ગાળ્યા.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે