ખ્વાજા દાના સાહેબ (જ. -; અ. 1607, સૂરત) : સોળમી સદીના સૂરતના મુસ્લિમ વિદ્વાન, સંત અને શિક્ષક. તેઓ એમના કેટલાક શિષ્યો સાથે બુખારાથી અજમેર થઈને આશરે ઈ. સ. 1549(હી. સં. 956)માં સૂરત આવ્યા અને ત્યાં જ વસ્યા. તેઓ ગરીબ, અપંગ, નિરાધાર અને હાજી લોકોની સેવા કરતા. પોતે પણ હાજી હતા. 1607માં 116 વર્ષની ઉંમરે એમનું અવસાન થયું. એમનો રોજો સૂરતના બડેખાં ચકલા વિસ્તારમાં આવેલો છે. એમની દરગાહમાં 32 મીટર ઊંચો મિનારો 1611માં નાખુદા એહમદે બંધાવ્યો હતો. રોજાનો ગુંબજ તથા મસ્જિદ 1636માં પાટણના હાકેમ અબ્દુલ્લાખાંએ બંધાવ્યાં હતાં. એમની દરગાહનો મિનારો 1782માં ધરતીકંપ અથવા વાવાઝોડાને કારણે પડી ગયેલો, જે ગુલામ બાબાખાને (અવસાન 1893) ફરીથી બંધાવ્યો હતો. એમના પિતા ‘બાદશાહ પરદાપોશ નકશબંદ’ તરીકે ઓળખાતા હતા. એમને ખ્વાજા સૈયદ મહમદ અને ખ્વાજા અબુલ હસન નામના પુત્રો તથા બુલાકીબેગમ નામની પુત્રી હતી. મોટા પુત્ર ખ્વાજા સૈયદ મહમદની મજાર એમના રોજાની બહાર છે, જ્યારે નાના પુત્ર ખ્વાજા સૈયદ અબુલ હસનની મજાર રોજાની અંદર એમની મજારની બાજુમાં છે. એમને નાનો પુત્ર વિશેષ પ્રિય હતો. પુત્રી બુલાકીબેગમની મજાર નાનપુરા, ટિમલિયાવાડમાં છે. ખ્વાજા દાનાની દરગાહમાં એમના કેટલાક ખિદમતગારો અને વંશજોની કબરો પણ છે. હિજરી સંવતના સફર મહિનાની 3 અને 4 તારીખે બે દિવસ માટે એમની દરગાહમાં ઉર્સનો મોટો મેળો ભરાય છે.

મુગટલાલ પોપટલાલ બાવીસી