ખ્વાજા ગુલામુસ્સૈયદેન (જ. 12 ઑક્ટોબર, 1904, પાણીપત; અ. 1971) : ભારતના ગણનાપાત્ર શિક્ષણશાસ્ત્રી અને ભારત સરકારના શૈક્ષણિક સલાહકાર. પિતા ખ્વાજા ગુલામુસ્સક્લિની જાણીતા શિક્ષણશાસ્ત્રી અને સાહિત્યકાર હતા.
તેમણે પ્રાથમિક શિક્ષણ પિતાની સીધી દેખરેખ નીચે શરૂ કરી કુરાને શરીફ વગેરેનો નાની વયમાં અભ્યાસ કર્યો હતો. 1919માં પંજાબ યુનિવર્સિટીમાંથી મૅટ્રિક્યુલેશન પરીક્ષા ઉત્તીર્ણ કરી. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી 1923માં પ્રથમ વર્ગના સ્નાતક થયા. વધુ અભ્યાસ અર્થે, શિષ્યવૃત્તિ મેળવીને તેમણે લીડ્ઝ યુનિવર્સિટીમાંથી પ્રથમ શિક્ષણ વિશારદનો (ટી. ડી.) ડિપ્લોમા અને 1925માં ડિગ્રી પ્રાપ્ત કર્યાં.
ઉચ્ચ લાયકાતને કારણે તેઓ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની ટ્રેનિંગ કૉલેજમાં સૌપ્રથમ રીડર તરીકે અને ત્યાર બાદ પ્રિન્સિપાલ તરીકે નિમાયા. 1930માં તેઓ યુનિવર્સિટીમાં શિક્ષણશાસ્ત્રના પ્રાધ્યાપક થયા. ત્યાર બાદ 1938 પછી તેમણે કાશ્મીર, રામપુર વગેરે દેશી રાજ્યોમાં શિક્ષણ-સલાહકારની કામગીરી સફળતાપૂર્વક સંભાળી. આઝાદી બાદ મુંબઈ રાજ્યમાં શિક્ષણ-સલાહકારનું પદ સંભાળ્યું. તેમની ઉજ્જ્વળ કારકિર્દી જોઈને ભારત સરકારે તેમની પ્રથમ સલાહકાર તરીકે અને 1957માં શિક્ષણખાતાના અધિક સચિવના હોદ્દા પર નિમણૂક કરી. 1967માં તે પદેથી તેઓ નિવૃત્ત થયા.
નિવૃત્તિ બાદ દેશની તથા કોલમ્બિયા, વિસ્કોન્સીન, સ્ટેનફર્ડ વગેરે વિદેશી યુનિવર્સિટીઓમાં તેમણે સેવા બજાવી અને શૈક્ષણિક પરિષદોમાં ભાગ લીધો. 1970માં શિકાગો યુનિવર્સિટીએ વિશ્વના આઠ ખ્યાતનામ શિક્ષણશાસ્ત્રીઓને તેમણે શિક્ષણના ક્ષેત્રે કરેલા પ્રદાન બદલ ચંદ્રકો માટે પસંદ કર્યા. તે પૈકી તેઓ એક હતા. યુનેસ્કોની ઘણી શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે તેઓ સંકળાયેલા હતા.
તેઓ અંગ્રેજી અને ઉર્દૂ ઉપરાંત અરબી, ફારસી તેમજ ફ્રેંચ ભાષાના જ્ઞાતા અને અચ્છા વક્તા પણ હતા. તેમનાં અનેક પુસ્તકો પૈકી ‘રૂહેતહઝીબ’, ‘ઉસૂલે તાલીમ’ (શિક્ષણના પાયા), ‘અલીગઢ કી તાલીમી તહરીક’, ‘કૌમી સીરતકી તરાકીબ’ (રાષ્ટ્રીય વ્યક્તિનું ઘડતર) વગેરે પુસ્તકો નોંધપાત્ર છે. ‘આંધીમેં ચિરાગ’ પુસ્તક માટે તેમને સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કાર મળેલ છે. 1962માં અલીગઢ યુનિવર્સિટીએ ડી લિટ.ની માનદ પદવીથી તેમને નવાજ્યા હતા. તેમની ષષ્ઠિપૂર્તિની ઉજવણી પ્રસંગે ‘અરમુઝાને ઉલફત’ (સ્મારક ગ્રંથ) રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણનના હસ્તે અર્પણ કરાયો હતો. 1967માં ભારત સરકારે તેમને ‘પદ્મભૂષણ’નો ખિતાબ આપી બહુમાન કર્યું હતું.
મોહિયુદ્દીન બૉમ્બેવાલા