ખ્યાલ : ઉત્તર હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતમાંની ગાયનશૈલીનો એક લોકપ્રિય પ્રકાર. અરબી ભાષાના શબ્દ ‘ખયાલ’નો અર્થ થાય છે ‘કલ્પના’. વર્તમાન ગાયનપદ્ધતિમાં ખ્યાલગાયનના વગર રાગદારી સંગીતનો વિચાર ભાગ્યે જ થાય છે. માત્ર કંઠ્ય સંગીતમાં જ નહિ, વાદ્યો પર પણ ખ્યાલશૈલીમાં શાસ્ત્રીય સંગીતની રજૂઆત કરવામાં આવે છે.
ગીતરચના અને ગાયનશૈલી આ બંનેની ર્દષ્ટિએ હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં ખ્યાલ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. માત્ર બે કે ત્રણ પંક્તિની ગીતરચનાને શાસ્ત્રીય સંગીતમાં ઢાળતી વેળાએ ગાયક કે વાદક તેની કલ્પનાશક્તિ દ્વારા તેને એવી રીતે સમજાવે છે કે તે શ્રવણમધુર બને છે.
‘ખ્યાલ’ ગાયનશૈલીનો ઉદગમ ક્યારે થયો તેના વિશે બે મત છે : એક મત પ્રમાણે ‘ખ્યાલ’ની પરંપરા પ્રાચીન કાળથી ચાલતી આવી છે, માત્ર એનું નામકરણ ઘણા વખત પછી થયું છે. બીજા મત પ્રમાણે આ ગાયનશૈલીનો આવિષ્કાર ચૌદમી સદીમાં અમીર ખુસરો(1253-1325)એ કવ્વાલી પરથી કર્યો હતો. કવ્વાલી મુસલમાનોનો પ્રમુખ ભજનપ્રકાર છે અને તેનો પ્રથમ પ્રવર્તક અમીર ખુસરો માનવામાં આવે છે. તે પછી જૌનપુરના છેલ્લા સુલતાન હુસેનશાહ શર્કી(1458-1500)એ તેના જમાનામાં પ્રચલિત ‘પચડા’ નામક લોકગીતોને નવું રૂપ આપી તેના પર ખ્યાલની ચીજોનું સર્જન કર્યું; પરંતુ તેને પૃથક્ ઘાટ આપી તેનો પદ્ધતિસર પ્રસાર કરવાનું કાર્ય અઢારમી સદીના મધ્યમાં સદારંગ-અદારંગે કર્યું. ઓગણીસમી સદીમાં ગ્વાલિયરના બડે મહંમદખાંએ તેમાં પેચીલી તાનોનો ઉમેરો કરી ખ્યાલના વિકસિત સ્વરૂપને પાકા પાયા પર મૂક્યો. સમયાંતરે તેમાં ધ્રુપદની તુલનાએ દ્રુત એવો લય પણ દાખલ કર્યો.
કેટલાક વિચારકો એમ પણ માને છે કે મધ્યકાલીન સંગીતમાં પ્રચલિત રૂપક નામક પ્રબંધમાં ખ્યાલનો વિકાસ થયો છે. અન્ય કેટલાકના મત મુજબ પ્રાચીન સાધારણી તથા ભિન્ના નામથી ઓળખાતી ગીતશૈલીઓમાંથી ખ્યાલશૈલીનો વિકાસ થયો છે. તાનસેન(1493-1589)ના સમય સુધીમાં પ્રાચીન ગીતશૈલીઓ લુપ્ત થઈ હતી અને તેમના સ્થાને વિષ્ણુપદ અને ધ્રુપદ જેવી શૈલીઓનો ઉદય થયો હતો. ખ્યાલ ધ્રુપદમાંથી વિકાસ પામેલો ગાયનપ્રકાર છે તે હકીકત હવે સર્વમાન્ય બની છે. ધ્રુપદની લયકારી અને કવ્વાલીની તાન એ બંનેનું સંમિશ્રણ એટલે ખ્યાલગાયકી. ખ્યાલશૈલી કવ્વાલીને મળતી હોવાથી ઘણા કવ્વાલોએ તેમના ગાયનમાં ખ્યાલશૈલી અપનાવી છે. ગ્વાલિયર ઘરાણાના મૂળ પ્રવર્તક નથ્થન પીરબક્ષ મુખ્યત્વે કવ્વાલના વંશજ હતા.
શાસ્ત્રીય સંગીતની સર્વાધિક માનીતી એવી ખ્યાલશૈલીમાં 2-3 સદીમાં ગાયકોની પ્રતિભા અનુસાર ફેરફારો થતા ગયા અને તેમાંથી તેના ભિન્ન ભિન્ન ઘરાણાં બન્યાં; દા.ત., લખનૌ ઘરાણું, ગ્વાલિયર ઘરાણું, દિલ્હી ઘરાણું, આગ્રા ઘરાણું, જયપુર ઘરાણું, કિરાના ઘરાણું તથા પતિયાળા ઘરાણું.
ખ્યાલ ધ્રુપદ પરથી વિકાસ પામેલો પ્રકાર હોવા છતાં સદારંગ- અદારંગના સમયથી તે બંને વચ્ચેની ભેદરેખા સ્પષ્ટ થવા લાગી. શરૂઆતના સમયમાં ધ્રુપદ અને ખ્યાલ બંનેમાં સ્વર અને શબ્દ વચ્ચે એકરૂપતા હતી, પરંતુ તે પછી ઉત્તરકાલીન ખ્યાલમાં શબ્દ અને સ્વરાવલી બંને જુદાં પડતાં; એટલું જ નહિ, પરંતુ ખ્યાલમાં શબ્દ ગૌણ બન્યા. તે બંનેના તાલ પણ ભિન્ન થયા. ધ્રુપદની સંગતમાં મૃદંગનો ઉપયોગ થતો, ખ્યાલની સંગતમાં તબલાએ સ્થાન લીધું. ધ્રુપદ ગીતોનાં ચાર અંગો પૈકી ખ્યાલે માત્ર પ્રથમ બે અંગો – સ્થાયી અને અંતરા – સ્વીકાર્યાં.
સામાન્ય રીતે ખ્યાલના બે ભાગ હોય છે : (1) બડા ખ્યાલ (વિલંબિત લય), (2) છોટા ખ્યાલ (દ્રુત લય). ખ્યાલના તાલમાં તિલવાડા, ઝૂમરા, ત્રિતાલ (વિલંબિત), એકતાલ, આડા ચૌતાલ, ઝપતાલ અને રૂપકનો સમાવેશ થાય છે.
ખ્યાલશૈલીની બંદિશ તથા ગાયકીની ર્દષ્ટિએ વર્તમાન સમયમાં ઘણા પ્રયોગો થઈ રહ્યા છે. બંદિશની ર્દષ્ટિએ નવા પ્રયોગો કરનારા ગાયકોમાં સ્વ. પંડિત શંકરરાવ વ્યાસ તથા સ્વ. પંડિત રાતનજનકરનું યોગદાન વિશેષ રહ્યું છે. ગાયકીની ર્દષ્ટિએ પ્રયોગશીલતા દાખલ કરનારાઓમાં સ્વ. કુમાર ગંધર્વ અગ્રણી રહ્યા છે. કર્ણાટક સંગીતપદ્ધતિના રાગોને ઉત્તર હિન્દુસ્તાની રૂપ આપીને નવી રચનાઓ સર્જનારાઓમાં ગ્વાલિયર દરબારના ગાયક સ્વ. પંડિત બાલાભાઉ ઉમડેકર પ્રસિદ્ધિ પામ્યા હતા.
મંદાકિની અરવિંદ શેવડે