ખોરમ શહેર (Khorram Shar) : ઈરાનના નૈર્ઋત્ય ખૂણે ઈરાની અખાતના મથાળાથી શત-અલ્-અરબ નદીથી ઉપરવાસમાં 72 કિમી. દૂર કરુન કે કારૂન નદીના ઉત્તર કાંઠે આવેલું બંદર. ભૌ. સ્થાન 30o 25′ ઉ. અ. અને 48o 11′ પૂ.રે. 1926 સુધી આ શહેર મોહમ્મેરાહ તરીકે ઓળખાતું હતું અને સ્થાનિક શેખના તાબે હતું.
વાર્ષિક વરસાદ 230 મિમી. પડતો હોવા છતાં અહીંની ભૂમિ ક્ષારીય હોવાથી અનાજનું ઉત્પાદન થતું નથી પણ ખજૂરીનાં ઘણાં વૃક્ષો છે અને તેથી મુખ્ય પેદાશ ખજૂર છે. પેટ્રોલિયમના તેલક્ષેત્રનું ક્રૂડ ઑઇલ તથા ડીઝલ, પેટ્રોલ વગેરે શુદ્ધ થઈને નિકાસ થાય છે. શહેરમાં બૅંકો અને કાચનાં તથા પીણાંનાં કારખાનાં છે.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન (1939-45) ટ્રાન્સ-ઈરાનિયન રેલવેનું તે સ્ટેશન બન્યું. ત્યારબાદ 1957-58માં બંદરના વિકાસ સાથે તેની સમૃદ્ધિ ખૂબ વધી અને તે ઈરાનનું પ્રમુખ બંદર બન્યું. આ બંદરે 20,000 ટનનાં જહાજો આવી શકે છે.

ખોરમ બંદર
પ્રાચીન કાળમાં અબ્બાસીડ બાદશાહોના વખતથી તે સમૃદ્ધ શહેર હતું. ઍલેક્ઝાન્ડરે ઈરાન ઉપર ચડાઈ કરી ત્યારે આ શહેરની તેને જાણ થઈ હતી. સેલ્યુસીડ કાળ દરમિયાન તેની મોટા વેપારી કેન્દ્ર તરીકે ગણના થતી હતી. તેની સમૃદ્ધિ સાસાનિયન બાદશાહોના સમયમાં અને ઇસ્લામના ઉદયકાળે પણ ટકી રહી હતી. 1837માં તુર્કોએ આ શહેર ઉપર હુમલો કરી તેનો નાશ કર્યો હતો. એરઝુરમની સંધિથી શત-અલ્-અરબનો પૂર્વ કાંઠાનો ભાગ ઈરાનને મળતાં જૂના શહેરને સ્થળે નવું શહેર વસાવાયું હતું. 1887માં કરુન નદી ઉપર સ્ટીમબોટનો વ્યવહાર શરૂ થતાં તેની આબાદી થઈ. નદીના જળમાર્ગોને કારણે 1908 પછી ત્યાં પેટ્રોલિયમ ઉદ્યોગ વિકસ્યો હતો. 1914માં પેટ્રોલિયમને કારણે જહાજોની આવજા વધતાં શત-અલ્-અરબના મધ્ય ભાગ સુધી ઈરાને તેની સીમા વધારી હતી.
આ શહેર અને નજીકનો વિસ્તાર 1926 સુધી એક શેખને અધીન હતો. શહેરનો વહીવટ તે સંભાળતો હતો અને બ્રિટિશ સરકાર સાથે સીધી રીતે સંધિ કરવાનો કે વાટાઘાટ કરવાનો તેને હક હતો. છેલ્લા શેખને 1926માં પદભ્રષ્ટ કર્યા પછી આ શહેર ઈરાનની મધ્યસ્થ સરકાર નીચે આવ્યું. ઇરાક-ઈરાન યુદ્ધ દરમિયાન ઇરાકે 1980માં તે જીતી લીધું હતું પણ ઈરાને પ્રતિઆક્રમણ કરી 1982માં તેનો કબજો મેળવ્યો હતો. અહીંની વસ્તી આશરે 1,25,859 (2022) હતી.
શિવપ્રસાદ રાજગોર