ખોતાન : મધ્ય એશિયામાં આવેલી પ્રાચીન ભારતીય વસાહત અને સાંસ્કૃતિક કેન્દ્ર. ચીની ભાષામાં ‘હોતાન’ તરીકે ઓળખાતું ખોતાન રણદ્વીપ, નદી અને શહેરનું નામ છે. પશ્ચિમ ચીનના સ્વાયત્ત સિંક્યાંગ કે જિનજીઆંગ પ્રાંતની નૈર્ઋત્યે તે આવેલું છે. તકલા મકાનના રણના દક્ષિણ છેડે આવેલ કૂનલૂન પર્વતમાળાની ઉત્તર તરફની તળેટી સુધી વિસ્તરતો આ પ્રદેશ તાજીકોથી વસેલો છે. તેની કાંપની જમીન ખૂબ ફળદ્રૂપ છે. આ પ્રદેશ સમુદ્રથી દૂર હોઈ તેની આબોહવા વિષમ છે. શિયાળામાં અતિશય ઠંડી અને ઉનાળામાં સખત ગરમી પડે છે.
કારકાક્ષ અને યુરંગકાક્ષ નદીઓનાં પાણીથી સિંચાઈ થાય છે. આ બંને નદીઓ મળીને આગળ જતાં તે હોનાન નદી બને છે. તેનો પ્રવાહ 640 કિમી. સુધી વહીને તારીમ નદીને મળે છે. બાષ્પીભવનથી ઘણું પાણી ઊડી જાય છે. ઊંચા તાપમાન અને પૂરતા પાણીને કારણે બે વખત પાક લેવાય છે. અહીં ઘઉં, ઓટ, ડાંગર, મકાઈ, કપાસ તથા લ્યુસર્ન ઘાસ થાય છે. એપ્રિકૉટ, પીચ, ઑલિવ, સફરજન, જરદાલુ વગેરે ફળો થાય છે, તેની નિકાસ થાય છે. શેતૂરનાં પાન ખાઈને રેશમના કીડા ઊછરે છે. હાથસાળ કાપડ, ચામડાંની વસ્તુઓ, શેતરંજી, ગાલીચા, ધાબળા, કાગળ, ધાતુની વસ્તુઓ અને ફેલ્ટ હૅટ બનાવવાના ઉદ્યોગો અહીં વિકસ્યા છે.
અહીં નદીના પટમાંથી સુવર્ણરજ મળે છે. આ ઉપરાંત જેડ(રત્ન)ની ખાણો છે. સોનું અને જેડનાં કલાત્મક ઘરેણાં બને છે.
ઇતિહાસ : એક ખરોષ્ટી શિલાલેખમાં ખોતાનના રાજા રાજાધિરાજ દેવ વિજિતસિંહનો ઉલ્લેખ છે. આગળના ભાગમાં ચીની લખાણવાળા અને પાછળ ખરોષ્ટી લિપિમાં પ્રાકૃત નામોવાળા ચાળીસ સિક્કાઓ મળ્યા છે. આ સિક્કાઓ તથા કેટલાક દસ્તાવેજોને આધારે સ્થાનિક વહીવટની તથા બોધભાષા અને લિપિ ભારતીય હતાં એમ કહી શકાય.
સ્થાપત્યકીય પુરાવાઓ પ્રમાણે હોનાનના રહેવાસીઓ તથા શાસકો પણ ભારતીય હતા. તિબેટના સાહિત્યમાં ભારતીય રાજાઓની લાંબી યાદી જળવાઈ રહી છે. સેન કોનોવના મંતવ્ય પ્રમાણે ખોતાનના રાજવંશનો સ્થાપક અશોકનો પુત્ર કુસ્તન કે કુણાલ હતો. પણ રાજ્યની રાજધાનીનો સ્થાપક કુસ્તનનો પુત્ર યે-યુલા હતો જેને ચીની ઇતિહાસમાં યુ-લીન કહ્યો છે. ઈસુના પહેલા શતકમાં તે હોનાનમાં રાજ્ય કરતો હતો. યે-યુલા પછી તેનો પુત્ર વિજિતસંભવ ગાદીએ આવ્યો અને તેના પછી થઈ ગયેલા બધા રાજાઓનાં નામ વિજિતથી શરૂ થાય છે. ઈ. સ. 220માં કાશ્ગર ખોતાનને તાબે હતું.
બૌદ્ધ પરંપરા પ્રમાણે માતાના પ્રપંચથી કંટાળીને કુણાલ ખોતાન ગયો હતો. ઈસુના પહેલા સૈકા દરમિયાન ખોતાન ભારતના કુશાન સામ્રાજ્ય અને મધ્ય એશિયાના દેશો વચ્ચે સાંકળ સમાન હતું.
ખોતાન બૌદ્ધ ધર્મનું મોટું કેન્દ્ર હતું. અહીં બૌદ્ધ ધર્મના અભ્યાસ માટે ગોમતીવિહાર મઠ હતો. સંખ્યાબંધ ભારતીય વિદ્વાનો અહીં રહેતા હતા અને ઘણા ચીની યાત્રીઓ ભારત જવાને બદલે ખોતાનમાં જ રહીને બૌદ્ધ ધર્મનો અભ્યાસ કરતા હતા. આ બૌદ્ધ મઠના વિદ્વાનો વડે લખાયેલા ધાર્મિક ગ્રંથો પિટક ગ્રંથો વગેરે જેટલા જ પ્રમાણભૂત ગણાતા હતા. આમ ખોતાન ભારતીય સંસ્કૃતિ અને બૌદ્ધ ધર્મનું મહાન કેન્દ્ર હતું.
શિવપ્રસાદ રાજગોર