ખૈબરઘાટ : અફઘાનિસ્તાન અને પાકિસ્તાનને જોડતા બોલન, ગોમલ અને ખૈબરઘાટ પૈકી લશ્કરી અને વેપારી ર્દષ્ટિએ મહત્વનો ઘાટ તથા તે જ નામ ધરાવતો પ્રાંત. ભૌગોલિક સ્થાન 34o 05´ ઉ. અ. અને 71o 10´ પૂ. રે. આ ઘાટ પેશાવરથી 17 કિમી. દૂર સફેદ કોહ ગિરિમાળાને વીંધીને પસાર થાય છે. તેની બંને બાજુની 180થી 300 મી. ઊંચી ટેકરીઓ શેલ અને ચૂનાખડકોની બનેલી છે. ખૈબરઘાટની આસપાસનો સમગ્ર પ્રદેશ વેરાન છે. તેને એક છેડે પેશાવર અને બીજા છેડે કાબુલ આવેલાં છે.

ખૈબરઘાટ

આ માર્ગ 53 કિમી. લાંબો છે; તેની પહોળાઈ 5 મી.થી 5 કિમી. સુધીની છે. તેનો સૌથી ઊંચો ભાગ 1,072 મી. જેટલો છે. પેશાવર અને કાબુલ રેલવેથી, પાકા માર્ગથી અને વણજાર માર્ગથી જોડાયેલા છે. જમરૂદથી લંડીખાના સુધીનો રેલમાર્ગ 1925માં બંધાયો હતો. રેલમાર્ગ ઉપર 34 બોગદાં અને 94 પુલો આવેલાં છે.

ઇતિહાસ : ખૈબરઘાટનું પ્રવેશદ્વાર જમરૂદથી થોડા કિમી. દૂર શાહી બગિયાર નજીક છે. તેની વાયવ્યે પાંચ કિમી. ઉપર જૂના વખતમાં અફઘાનિસ્તાન હસ્તકનો હફતચાહનાનો કિલ્લો હતો. જમરૂદનો કિલ્લો રણજિતસિંહના સેનાપતિ હરિસિંહ નાળવાએ અફઘાનોને કાબૂમાં રાખવા બાંધ્યો હતો. તેની દક્ષિણે 937 મી.ની ઊંચાઈ ઉપર અલી મસ્જિદનો કિલ્લો આવ્યો છે. અલી મસ્જિદથી પાંચેક કિમી. ઉપર કિલ્લેબંધ ગામો અને છૂટાંછવાયાં નાનાં ખેતરો આવેલાં છે. તેની 16 કિમી. પશ્ચિમે 1,072 મી.ની ઊંચાઈએ લંડીકોટલનો કિલ્લો શીતવારી પ્રદેશમાં આવેલ છે. લંડીકોટલની પશ્ચિમે 9.5 કિમી. ઉપર 700 મી.ની ઊંચાઈએ અફઘાન સરહદ ઉપર તોરખમ આવેલ છે.

પ્રાચીન કાળમાં આર્યો આ માર્ગે સપ્તસિંધુના પ્રદેશમાં પ્રવેશ્યા હતા. મધ્ય એશિયાના દેશો સાથેનો ભારતના વેપારનો ધોરી માર્ગ આ ઘાટમાંથી પસાર થતો હતો. ઈ. પૂ. પાંચમી સદીમાં ઈરાની સમ્રાટ દરાયસ પહેલાએ કાબુલ કબજે કરી સિંધુખીણનો પ્રદેશ કબજે કર્યો હતો. ઍલેક્ઝાન્ડરે પણ આ ઘાટમાં થઈને આંભિ અને પોરસનો ભારતનો પ્રદેશ કબજે કર્યો હતો. ઈ. પૂ. ત્રીજી શતાબ્દીમાં અશોકના શાસન દરમિયાન આ પ્રદેશમાં બૌદ્ધ ધર્મ ફેલાયો હતો. શોપલા સ્તૂપ તથા અન્ય સ્તૂપોના અવશેષો કાફિરકોટ, અલી મસ્જિદ વગેરે સ્થળોની નજીકથી મળ્યા છે. મહમદ ગઝનીએ ભારત ઉપર આ માર્ગે અનેકવાર ચડાઈ કરી હતી. બાબરના નેતૃત્વ નીચે મુઘલો અને ત્યાર બાદ નાદિરશાહ, અહમદશાહ અબદાલી અને તેના પૌત્ર ઝમાનશાહે ભારત ઉપર આ માર્ગે ચડાઈ કરી હતી. ઓગણીસમી સદી દરમિયાન રણજિતસિંહના શીખ રાજ્યની પશ્ચિમ સીમા જમરૂદ સુધી હતી.

ખૈબરઘાટ આસપાસ વસતા આફ્રિદી તાયફાવાળાઓ સ્વાતંત્ર્યપ્રિય છે. તેમણે અનેક વાર બળવો કર્યો હતો. 1839માં પ્રથમ વાર ખૈબરઘાટ બ્રિટિશ અંકુશ નીચે આવ્યો હતો, પણ પ્રથમ અફઘાન વિગ્રહ દરમિયાન આફ્રિદી ટોળી સાથે અંગ્રેજ સેનાને અનેક વખત અથડામણ થઈ હતી. 1879ની સંધિથી બ્રિટિશરોને ખૈબરઘાટ ઉપર કાયમ માટે અંકુશ પ્રાપ્ત થયો હતો; પણ 1897માં બળવો કરી કેટલાક માસ સુધી આ પ્રદેશ સ્વતંત્ર રહ્યો હતો. વીસમી સદીના પ્રથમ ચરણ બાદ ઈ.પી.ના ફકીરની આગેવાની નીચે તાયફાવાળાઓ બ્રિટિશ મુલક ઉપર ચડી આવ્યા હતા. વિમાન દ્વારા બૉમ્બમારો કરી, સરહદી પ્રદેશમાં કિલ્લા બાંધી, લશ્કર રાખી અને તાયફાવાળા સરદારોને પૈસા આપી અંગ્રેજો ઘણી મુશ્કેલીથી તેમને અંકુશમાં રાખી શક્યા હતા.

આજે આ પ્રદેશ માદક દ્રવ્યોની હેરાફેરી માટે નામચીન બન્યો છે. પાકિસ્તાન પણ સામ, દંડ અને ભેદની નીતિ અપનાવી આ પ્રદેશ ઉપર નામનો અંકુશ ધરાવે છે.

શિવપ્રસાદ રાજગોર