ખેર, બાળ ગંગાધર (જ. 24 ઑગસ્ટ 1888, રત્નાગિરિ; અ. 8 માર્ચ 1957, મુંબઈ) : મુંબઈ રાજ્યના અગ્રણી રાજકીય નેતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી. પિતાની ઇચ્છાને માન આપી અંગ્રેજી શિક્ષણ લેવા માટે પુણેની ન્યૂ ઇંગ્લિશ સ્કૂલમાં દાખલ થયા અને ત્યાંથી 1902માં મૅટ્રિકની પરીક્ષા પાસ કરી. મુંબઈની વિલ્સન કૉલેજમાંથી 1906માં બી.એ.ની પરીક્ષામાં સંસ્કૃત વિષયમાં ભાઉ દાજી પારિતોષિક તેમણે મેળવ્યું. 1908માં એલએલ.બી. થયા અને મુંબઈમાં વકીલાત શરૂ કરી. 1912-18ના ગાળામાં મુંબઈની વડી અદાલતના ન્યાયમૂર્તિ ફ્રૅન્ક બીમનના રીડર તથા સેક્રેટરીપદે કામ કર્યું. 1918માં સૉલિસિટરનો વ્યવસાય શરૂ કર્યો અને તેમાં નામના મેળવી.
શૈક્ષણિક કારકિર્દી દરમિયાન સ્વરાજ, સ્વદેશી તથા વિદેશી વસ્તુઓનો બહિષ્કાર જેવી બાબતોથી પ્રભાવિત થયા. 1922માં ગાંધીજીની વિચારસરણી મુજબના રાજકારણમાં પ્રવેશ્યા. 1923માં સ્વરાજ પક્ષની મુંબઈ શહેરની શાખાના સેક્રેટરીપદે વરણી. 1930માં સવિનય કાનૂનભંગની ચળવળમાં ભાગ લીધો.
1937માં મુંબઈ શહેરના કૉંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે મુંબઈ વિધાન પરિષદમાં ચૂંટાયા અને મુંબઈ રાજ્યના મુખ્યમંત્રી બન્યા. 1939માં કૉંગ્રેસના આદેશને માન આપી મંત્રીમંડળનું રાજીનામું આપ્યું. 1942માં ‘હિંદ છોડો’ આંદોલનમાં ભાગ લેવા બદલ ધરપકડ વહોરી અને બે વર્ષનો કારાવાસ ભોગવ્યો (1942-44). 1930-45ના ગાળા દરમિયાન તેમણે કુલ પાંચ વર્ષ જેટલો કારાવાસ ભોગવ્યો હતો. બીજા વિશ્વયુદ્ધ (1939-45) પછી દેશભરમાં યોજાયેલ ચૂંટણીમાં ફરી મુંબઈ વિધાનસભા માટે ચૂંટાયા અને 1946-52 દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી બન્યા. 1947-49 દરમિયાન ભારતની બંધારણસભાના સભ્ય રહ્યા. 1952માં રાજ્યસભામાં ચૂંટાયા. 1952-54 દરમિયાન ઇંગ્લૅન્ડમાં ભારતના ઉચ્ચાયુક્ત (High Commissioner) પદે સેવા આપી. 1955માં શાસકીય ભાષા આયોગની રચના થતાં તેના ચૅરમૅનપદે નિમાયા. 1956માં ગાંધી સ્મારક નિધિના ચૅરમૅનપદે પણ નિમાયા.
1923માં કૉંગ્રેસ પક્ષે બારડોલીના ખેડૂતોની ફરિયાદોની તપાસ કરવા નીમેલી લોકતપાસ સમિતિના સભ્ય તરીકે તેમણે કરેલા કાર્યની ઘણી પ્રશંસા થઈ હતી.
ઉદારમતવાદી હોવાની સાથે હરિજનસેવા સંઘ, ખાદીપ્રચાર તથા પાયાની કેળવણી જેવી રચનાત્મક પ્રવૃત્તિઓના તેમજ સંસદીય લોકશાહી તથા પ્રૌઢ મતાધિકારના તે હિમાયતી હતા. સારા ભાષાવિદ તરીકે પણ તેમની નામના હતી. તેઓ અંગ્રેજી અને મરાઠી ઉપરાંત હિંદી, સંસ્કૃત, ગુજરાતી અને કન્નડ ભાષાઓના જાણકાર હતા. મુખ્યમંત્રી તરીકે બંને વખતે રાજ્યનું શિક્ષણખાતું તેમણે તેમની પાસે રાખ્યું હતું. મુંબઈ રાજ્યમાં મરાઠી ભાષાને શિક્ષણનું માધ્યમ બનાવવામાં તેમણે જ પહેલ કરી હતી. સામાજિક કલ્યાણની પ્રવૃત્તિઓમાં તેમણે સક્રિય ભાગ ભજવ્યો હતો. મુંબઈના ઉપનગર બાંદ્રાના ચમારોને ઝૂંપડપટ્ટીઓમાંથી પાકાં મકાનોમાં વસવાટની સગવડ કરી આપવામાં તેમનો મહત્વનો ફાળો હતો અને તેથી જ તેમની નવી વસાહતને ‘ખેરવાડી’ નામ આપવામાં આવ્યું છે. નાસિકના મંદિરપ્રવેશ સત્યાગ્રહમાં તેઓ ડૉ. આંબેડકર સાથે જોડાયા હતા. મુંબઈથી પ્રકાશિત થતા ‘લોકમાન્ય’ નામના મરાઠી દૈનિકના તેઓ થોડો સમય તંત્રી હતા.
1954માં તેમને ‘પદ્મભૂષણ’નો ખિતાબ એનાયત થયો હતો.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે