ખેતઉત્પાદન : ખેતીવ્યવસાય દ્વારા મળતી ઊપજ. ખેતઉત્પાદન સાથે ઘણા ઘટકો સંકળાયેલા છે; જેવા કે જમીન, પાણી, ખેડ, પાકો, આબોહવા વગેરે. આમાં જમીન સૌથી વધુ અગત્યનું અંગ છે. માનવસંસ્કૃતિના વિકાસની શરૂઆતથી જ ખેતઉત્પાદન લેવાતું આવ્યું છે અને ખેતવિજ્ઞાનના વિકાસ સાથે વૈજ્ઞાનિક રીતે ખેતી કરી ખેતઉત્પાદન વધારવાના પ્રયત્નો થયા છે. વખતોવખત એક જ જમીનમાં ખેતીપાકો લેવાથી જમીનની ફળદ્રૂપતા ઘટે છે. જેથી ઉત્પાદકતા ઉપર પણ માઠી અસર થવા પામે છે. આ સંજોગોમાં વધુ ખેતઉત્પાદન મેળવવા માટે જમીનની સંભાળ રાખવી જરૂરી છે. જમીનનાં ભૌતિક મૂલ્યો જેવાં કે જમીનનો બાંધો, તેની પ્રત, તેની ભેજસંગ્રહશક્તિ અને તેમાં હવાની અવરજવર વગેરે સચવાવાં જોઈએ. તે માટે યોગ્ય સમયે જરૂરી ખેતઓજારો દ્વારા સારી ખેડ કરી જમીનને ભરભરી, દાણાદાર (granular) બનાવવી જરૂરી છે. તેવી જ રીતે જમીનનાં રાસાયણિક મૂલ્યો, વનસ્પતિવપરાશ યોગ્ય નાઇટ્રોજન, ફૉસ્ફરસ, પોટાશ જેવાં મુખ્ય તત્વો અને અન્ય ગૌણ તત્વોનો ઉમેરો થવો જરૂરી છે જેથી યોગ્ય સમયે પાકને જરૂરી પોષક તત્વો જમીનમાંથી મળી રહે. જમીનનો હાણાંક (pH) પણ જળવાવો જરૂરી છે. આ માટે અવારનવાર જરૂરી સેન્દ્રિય તત્વો ઉમેરવાથી જમીનની ભૌતિક તથા રાસાયણિક ગુણવત્તા જળવાઈ રહે છે, સાથોસાથ તેમાંના જીવાણુઓ પણ તેની ફળદ્રૂપતાની જાળવણીમાં મદદરૂપ થાય છે.

જમીનનો પ્રકાર, તેની ગુણવત્તા, આબોહવા અને પિયતની સગવડ ધ્યાનમાં લઈ સારું ખેતઉત્પાદન મેળવવા માટે યોગ્ય પાક તથા તેની વધુ ઉત્પાદન આપતી જાત પસંદ કરવાં જોઈએ. આ પાકોને સારી ખેડ કરી યોગ્ય સમયે, યોગ્ય પદ્ધતિથી વાવણી કરવાથી એકમ જમીન વિસ્તારમાં છોડની જરૂરી સંખ્યા જળવાઈ રહે છે. ત્યાર બાદ આ પાકની વ્યવસ્થા તથા સંભાળ બરાબર કરવામાં આવે તો સારું ખેતઉત્પાદન મળી શકે છે. પાકને નીંદણમુક્ત રાખવામાં આવે, જરૂરિયાત પ્રમાણે પોષક તત્વો આપવા માટે સેન્દ્રિય અને રાસાયણિક ખાતરો આપવામાં આવે, પૂરતો ભેજ મળી રહે તે માટે જરૂરિયાત પ્રમાણે પિયત આપવામાં આવે અને સમયસર ઉચિત પાકસંરક્ષણનાં પગલાં લેવામાં આવે તો સારું પાકઉત્પાદન મળે છે.

જમીન, પાક અને પાણીનો સમન્વય જળવાય તે રીતે ખેતી કરવાથી ખેતઉત્પાદન સારું મળે છે. આ માટે પાકની ફેરબદલી, યોગ્ય પાકપદ્ધતિ, મિશ્ર કે આંતરપાકપદ્ધતિ, લીલા પડવાશનો ઉપયોગ, પાકની ઘનિષ્ઠતા, તેની પોષક દ્રવ્યો અને સંરક્ષક દવાઓની જરૂરિયાત વગેરે અંગેનો અભ્યાસ કરી જે તે પ્રદેશ માટે અપનાવેલ કે ભલામણ કરેલ પદ્ધતિ સારું ખેતઉત્પાદન મેળવવા માટે લાભદાયી છે.

જો ખેતઉત્પાદન ઘટે તો તે માટે જમીનની યોગ્ય માવજત સમયસર કરવી જરૂરી છે. જો જમીનનો હાણાંક મધ્યસ્થ (neutral) કરતાં વધે કે ઘટે તો પાકની વૃદ્ધિ અને સરવાળે ખેતઉત્પાદન ઉપર માઠી અસર થાય છે. આ માટે યોગ્ય જમીનસુધારકોનો ઉપયોગ કરી જમીનસુધારણાનું કાર્ય સમયસર કરવું પડે. તેવી જ રીતે જમીનનું ધોવાણ અટકાવવા માટે સમયસરનાં યોગ્ય પગલાં લેવાં પડે. જમીનમાં પાણીનું તળ ઉપર આવીને પાણીનો ભરાવો (water logging) ન થાય તે માટે તેનો નિતાર કરી નિકાલ કરવો પડે.

ખેતઉત્પાદન વધારવા માટે સારી પ્રોત્સાહક ભાવનીતિ અપનાવવી જરૂરી છે. આ માટે યથાસમય ઉચિત ભાવથી નિકાલ માટે મુખ્ય ઉત્પાદન તથા ગૌણ ઉત્પાદનની વેચાણવ્યવસ્થા થવી જોઈએ. ખેત-ઉત્પાદન આધારિત બજારો તથા ખેતઉદ્યોગો વિકસાવવાં જોઈએ. ભારતમાં મિશ્રખેતી-પદ્ધતિથી ખેતવ્યવસાય સાથે પશુપાલન, મરઘાં-બતકાંઉછેર વગેરે પૂરક વ્યવસાયો અનુકૂળ જણાયા છે. તેનાથી ખેતઉત્પાદન સાથે સંકળાયેલા મજૂરો, યંત્રસાધનસામગ્રી, તથા પશુઓનો પણ સદુપયોગ થઈ શકે છે.

ઝીણાભાઈ પટેલ