ખેતધિરાણ : ખેતીમાં માલના ઉત્પાદન અને વેચાણ વચ્ચેના સમયમાં મળતું અને લેવાતું ધિરાણ. સાધનોનું રોકાણ થાય અને ઉત્પન્ન થયેલો માલસામાન છેવટના ગ્રાહકોને વેચાય તે બે વચ્ચે અન્ય ઉદ્યોગોની માફક ખેતીમાંય સમયનો ગાળો રહે છે. આ ગાળાને પૂરવાને માટે કૃષિક્ષેત્રે મૂડી જરૂરી બને છે. આ નાણાકીય મૂડી ખેડૂતો પોતાની બચતમાંથી મેળવે છે અથવા ધિરાણ કરનાર સંસ્થાઓ પાસેથી મેળવે છે.

ઉત્પાદન માટે અગાઉથી રોકવી પડતી મૂડીને ત્રણ વિભાગમાં વહેંચી શકાય : લાંબા ગાળાની, મધ્યમ ગાળા માટેની અને ટૂંકા ગાળા માટેની. જમીન મેળવવા ને તેને સાફ કરી ખેતીલાયક બનાવવા માટે, ખેતરને વાડથી આંતરવા માટે, ખેતરના ખૂણે ખૂણે પાણી પહોંચાડવા અને તેનો નિકાલ કરવા માટે બળદ તેમજ પંપસેટ કે ટ્રૅક્ટર જેવાં ખેતીનાં સાધન ખરીદવા માટે અથવા ઢોરઢાંખર કે ખેતરમાંના મકાનના બાંધકામ માટે લાંબા કે મધ્યમ ગાળાની મુદતી મૂડી આવશ્યક બને છે. ટૂંકા ગાળાની મૂડી મજૂરને રોજી ચૂકવવા માટે; બી, ખાતર કે જંતુઘ્ન દવા ખરીદવા માટે; ઘાસચારો ખરીદવા માટે અને માલ વેચાય ત્યાં સુધી તેને સંઘરવા માટે આવશ્યક બને છે. અલબત્ત, ટૂંકા ગાળાની ને મુદતી મૂડી વચ્ચેનો આ ભેદ જડબેસલાક નથી. પોતાના અને પોતાના કુટુંબના નિર્વાહ માટે જરૂરી નાણાંની જોગવાઈ પણ ખેડૂતે કરવી પડે છે. એને કયા વર્ગમાં મૂકવી તે સરળતાથી નક્કી કરી શકાય એમ નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે ખેડૂતની મૂડીની જરૂરિયાતના બે કે ત્રણ પ્રકાર ગણાવાયા છે તે વિચારણાની સરળતા ખાતર છે.

ખેડૂત જરૂરી નાણાકીય મૂડી પોતાની બચતમાંથી મેળવી શકે છે; પરંતુ જરૂરિયાતની સરખામણીમાં સામાન્ય રીતે આ બચત પૂરતી હોતી નથી. આથી ખેડૂતે આ રકમ ઉછીની લેવી પડે છે.

ભારતમાં કૃષિક્ષેત્રના ધિરાણ માટેની માગ બે કારણોને લીધે વધે છે : એક તો ખેડૂત આજે સ્વ-વપરાશને માટે ઓછા ને ઓછા પ્રમાણમાં માલ પેદા કરે છે. તે ઉત્પાદન કરે છે પોતાની પેદાશને બજારમાં વેચવાની ર્દષ્ટિએ. આને વ્યાપારીકરણની પ્રક્રિયા કહેવાય છે. તે દીર્ઘકાલીન પ્રક્રિયા છે. 1860માં અમેરિકન આંતરવિગ્રહ થયો ત્યારથી ભારતમાં તે આરંભાઈ છે ને આજે પણ તે ચાલુ જ છે. ભારતમાં ખેડૂત ધીરે ધીરે પોતાની વપરાશને બદલે બજારને માટે માલ પેદા કરી રહ્યો છે. ગ્રાહકને જોઈએ ત્યાં, જોઈએ ત્યારે અને જોઈએ તે રૂપમાં માલ પહોંચાડવાના પ્રશ્નો કૃષિક્ષેત્રે ઉદભવ્યા છે. આ સર્વ માટે ખેતધિરાણ વિસ્તરે તે જરૂરી બન્યું છે.

ભવિષ્યમાં ખેતીનું અન્નઉત્પાદન-ક્ષેત્ર વિસ્તાર પામે તે સહજ છે. માણસ ને પશુના પોષણ માટે, નિકાસ માટે, કટોકટીના વખતે કામ આવે તેવા પર્યાપ્ત સંગ્રહને માટે અને ઝડપી આર્થિક વિકાસ માટે આ જરૂરી છે. અન્ન પેદા કરવાની આ પ્રવૃત્તિ માટે રોકાણની જરૂરિયાત વધતી જાય છે.

ભારતીય પ્રજાજનની આવક વધતાં તે વધુ શાકભાજી, દૂધ, ફળફળાદિની વપરાશ વધારશે તેમ કૃષિક્ષેત્રે સંગ્રહ, સંવહન અને રૂપાન્તર માટે વધુ મૂડી ને વધુ ધિરાણ જરૂરી બનશે. પશુપાલન ને ડેરી-ઉદ્યોગ, મત્સ્ય-ઉદ્યોગો, બાગાયત — આ સર્વ વધતી જતી ઘરાકી ધરાવતાં નવાં ક્ષેત્ર છે.

વ્યાપારીકરણની આ દીર્ઘકાલીન પ્રક્રિયાની સાથે બીજી એક ઘટનાનેય નોંધવી જોઈએ, કેમ કે તેને કારણે પણ ખેડૂતની મૂડી અને ધિરાણ માટેની માગ વધી છે. સંકર બિયારણ દ્વારા જ્યારે હરિયાળી ક્રાન્તિની શક્યતા ઊભી થઈ ત્યારે ખેડૂતે રાસાયણિક ખાતર, સંકર બી, જંતુઘ્ન દવાઓ, પંપસેટ, ટ્રૅક્ટર, નીંદવા-લણવાનાં ને ઊપણવાનાં યંત્રો આશ્ચર્યકારક ઝડપે અપનાવ્યાં. તેની કહેવાતી રૂઢિચુસ્તતા ગણનાપાત્ર નફો કરવાની તક સામે ટકી શકી નહિ. આ નવાં સાધનો ખેડૂત પોતે પેદા કરતો નથી. તે ખેતીક્ષેત્રમાં પણ પેદા થતાં નથી. એમનો ઉપયોગ કરવો હોય તો તેમને તે પેદા કરતી પેઢીઓ પાસેથી ખેડૂતે ખરીદવાં પડે છે. આ માટે પોતાને ધિરાણ કરવામાં આવે તેમ ખેડૂત ઇચ્છે છે. ધિરાણની સગવડો વધી તેથી હરિયાળી ક્રાન્તિ માટે અનુકૂળ વાતાવરણ ઊભું થયું.

ખેતધિરાણની લાક્ષણિકતા : જરૂરી નાણાકીય મૂડીરોકાણ કરવાને માટે ખેડૂતે પોતાની બચત પર કે ઉછીનાં નાણાં પર આધાર રાખવો પડે છે. ભારતમાં ખેડૂતની બચત કરવાની શક્તિ તો અનેક કારણોને લીધે મર્યાદિત છે. એટલે ખેડૂત કેટલે અંશે નાણાં ઉછીનાં મેળવી શકે છે, ગ્રામીણ ધિરાણતંત્ર કેવું છે એ સવાલ ખાસ અગત્ય ધારણ કરે છે. અન્ય ઉદ્યોગ જેવા ક્ષેત્રની સરખામણીમાં ખેતીની કેટલીક લાક્ષણિકતાઓ છે :

નાના અસંખ્ય ખેડૂતો, ખેતીનો કુદરત પર આધાર અને ખેતપેદાશોના ભાવોમાં આવતી વધુ પડતી ઊથલપાથલને કારણે ખેતીમાં નાણાં ધીરનારને વધુ જોખમ ઉપાડવું પડે છે અને તે માટે તે વાજબી રીતે ઊંચા વ્યાજના દરની અપેક્ષા રાખે છે.

વળી ખેડૂત શૅર કે ડિબેન્ચર બહાર પાડીને લાંબા ગાળાની મૂડી મેળવી શકતો નથી. જમીન અંગેના માલિકી-હકો અનિશ્ચિત કે મર્યાદિત હોય ત્યારે તેને જમીનના તારણ પર પણ લાંબા ગાળાની મૂડી પૂરી પાડવા કોઈ તૈયાર થતું નથી.

વ્યાપારી બૅંક પણ ખેડૂતને ટૂંકા ગાળાની મૂડી પૂરી પાડવા બહુ ઉત્સાહ ધરાવતી નથી, કેમ કે તેમની સંખ્યા ઘણી છે. તે હિસાબકિતાબ રાખતો નથી, તેને ત્રણ નહિ પણ આઠ-નવ માસ માટે નાણાં જોઈએ છે. તેની પેદાશ એકરૂપ હોય છે ને તારણ તરીકે કેટલીક મુશ્કેલી ધરાવે છે.

આમ ધિરાણ મેળવવાની પદ્ધતિઓમાં ખેતીક્ષેત્ર ઉદ્યોગક્ષેત્રથી જુદું પડે છે ને તે ખાસ પ્રશ્નો ઊભા કરે છે.

શાહુકારનું મહત્વ : શાહુકાર ગ્રામીણ અને કૃષિક્ષેત્રે પરાપૂર્વથી ધિરાણ કરતા આવ્યા છે. શાહુકારો પોતાની બચતના આધારે ધીરધારનો ધંધો કરે છે. તે પ્રજાની થાપણો સ્વીકારતા નથી. ધંધાદારી શાહુકાર અને બિનધંધાદારી શાહુકાર (જેવા કે ગામના જમીનદાર, મોટા વ્યાપારી ખેડૂત) એમ બે વિભાગમાં તેમને વહેંચી શકાય.

તે નાણાં કે ચીજવસ્તુ રૂપે ધિરાણ કરે છે. સાધારણ રીતે તે લાંબી મુદતનું ધિરાણ, મધ્યમ મુદતનું ધિરાણ તથા ટૂંકી મુદતનું ધિરાણ એવા ભેદ જડ રીતે પાડતા નથી. નાણાં લઈ જનાર માણસ કયા હેતુ માટે નાણાં લઈ જાય છે તેનીય ઝાઝી ચિંતા કરતા નથી. તે વપરાશ માટે અને ઉત્પાદક હેતુ માટે ધિરાણ કરે છે. સાધારણ રીતે તે અંગત પ્રતિષ્ઠા પર નાણાં ધીરે છે. ગામમાં જ રહેતા હોવાથી તેઓ સ્થાનિક માણસોની શાખના જાણકાર હોય છે. સોનાનાં ઘરેણાં કે જમીનને તારણ તરીકે રાખીનેય તે ધિરાણ કરે છે. તેમની કાર્યપદ્ધતિ અનૌપચારિક હોય છે. તેઓ દેશી પદ્ધતિ અનુસાર ચોપડા રાખે છે. ધિરાણ ઉપરાંત ખેતી સાથે સંકળાયેલી અનેક સેવાઓ પણ તેઓ આપે છે. ખેડૂતને વપરાશની કે ખેતી માટે જરૂરી ચીજો તેઓ ઉધાર પૂરી પાડી શકે છે અને બદલામાં તેના ઊભા પાકને વેચી આપવાનો અધિકાર મેળવી લે છે. પોતાના ધિરાણની વસૂલાત માટે સામ-દામ-દંડના તમામ માર્ગો તે ઉપયોગમાં લઈ શકે છે; માત્ર કોર્ટો પર તે આધાર રાખતા નથી.

પરંતુ અદ્યતન ધિરાણતંત્ર સાથે સંપર્ક ન ધરાવનાર આ શાહુકારો કૃષિક્ષેત્રના અને ગ્રામીણ અર્થતંત્રના વિકાસ માટે પોતાનાં સાધનોમાંથી પૂરતું ધિરાણ કરી શકે એમ હોતું નથી. બીજું, ગામમાં ધિરાણક્ષેત્રે  ઇજારો ધરાવતા હોવાથી તેઓ વ્યાજના ઘણા ઊંચા દરે ધિરાણ કરે છે. તેમની ધંધાની રીતરસમોમાં અનેક શોષણયુક્ત ગેરરીતિઓ જોવા મળે છે.

શાહુકારનિયમન : મુંબઈ પ્રાન્તના પુણે જિલ્લાનાં 45 ગામોમાં અને અહમદનગર જિલ્લાનાં 22 ગામોમાં શાહુકારો સામે ખેડૂતોએ વિદ્રોહ કર્યો ત્યારે 1879માં સરકારે ડેક્કન ઍગ્રિકલ્ચરલ રિલીફ ઍક્ટ પસાર કર્યો. જમીનના હસ્તાન્તરણ પર ને શાહુકારોની વ્યાજખોરી પર તેમાં અંકુશ મૂકવામાં આવ્યા. ત્યાર પછી ખેતી અંગેના પ્રથમ રૉયલ કમિશનની ભલામણોના અનુસંધાનમાં 1934ના અરસામાં લગભગ દરેક પ્રાન્તમાં શાહુકાર ધારા પસાર કરાયા. આ કાયદા એકરૂપ તો નથી પરંતુ સામાન્ય રીતે તદનુસાર (1) શાહુકારે નોંધણી કરાવવી પડે છે ને લાઇસન્સ મેળવવું પડે છે, (2) દેવાદારને રસીદો તેમજ હિસાબની નોંધો સમયાન્તરે આપવી પડે છે, (3) નિયત ફૉર્મમાં તેમણે હિસાબકિતાબ રાખવા પડે છે, (4) તે મહત્તમ કેટલું વ્યાજ લઈ શકશે તે નિર્ધારિત કરવામાં આવે છે. ચક્રવૃદ્ધિ વ્યાજ પર પ્રતિબંધ હોય છે, (5) વસૂલાત માટે ખેડૂતને ધાકધમકી આપવી ગુનો બને છે, (6) કાયદાના ભંગ માટે સજાની જોગવાઈ હોય છે.

પરંતુ ખેડૂતની શાખ માટેની જરૂરિયાત વધતી જતી હોય ને શાહુકાર સિવાયના ધિરાણ મેળવવાના માર્ગ તેની સામે ન હોય ત્યારે આ સર્વ નિયમન છેવટે બિનઅસરકારક બને છે. શાહુકાર ને તેની પ્રવૃત્તિ ભૂગર્ભમાં જાય છે ને એ રીતે કાનૂનમાંથી છટકે છે. અસરકારક વિકલ્પો ઊભા કરવાનું કામ આ રીતે મહત્વનું બને છે.

શાહુકારના વિકલ્પોની શોધ : શાહુકારના વિકલ્પ તરીકે કૃષિક્ષેત્રે ધિરાણ કરનાર સહકારી મંડળીઓ અને વ્યાપારી બૅંકોનો સ્વાતંત્ર્ય પછીના ગાળામાં નોંધપાત્ર વિકાસ થયો છે. સરકાર અને રિઝર્વ બૅંકે આ સંસ્થાકીય ધિરાણ વિસ્તરે એ માટે સતત ચિંતા સેવી છે અને આગેવાની લીધી છે. અખિલ ભારત ગ્રામ ધિરાણ સરવે કમિટી (1951-54), અખિલ ભારત ગ્રામ ધિરાણ સમીક્ષા કમિટી (1966), નરસિંહમ્ ને દાંતવાલાના પ્રમુખપદે નિમાયેલાં બે કાર્યજૂથો, ખેતી અને ગ્રામીણ વિકાસ માટેના ધિરાણની સંસ્થાકીય સગવડોની પુન: સમીક્ષા કરવા નિમાયેલી કમિટી (1978) અને ડૉ. એ. એમ. ખુસરોના પ્રમુખપદે નિમાયેલ ઍગ્રિકલ્ચરલ ક્રેડિટ રિવ્યૂ કમિટી (1988) – આ સર્વની વિચારણા અને ભલામણોએ આ સંસ્થાકીય ધિરાણની વ્યવસ્થાનું સ્વરૂપ નક્કી કરી આપ્યું છે. પંચવર્ષીય યોજનાઓના કૃષિવિકાસના કાર્યક્રમોના અનુસંધાનમાં તે ક્ષેત્રની ધિરાણ માટેની માગ વધતી જાય છે, માત્ર સહકારી મંડળીઓ એને પહોંચી વળે એમ નથી, એટલે એક નહિ પણ અનેક જાતની ધિરાણસંસ્થાઓ વિકસાવવાની જરૂર છે. એ વાત આજે સર્વસ્વીકાર્ય બની છે. આ ઉપાયને અનેક ધિરાણ-સંસ્થાઓના વિકાસની જરૂરિયાત પર ભાર મૂકતા અભિગમ(multi-agency approach)ના નામે ઓળખવામાં આવે છે.

ગ્રામધિરાણની વર્તમાન સ્થિતિ : ગ્રામધિરાણ-વ્યવસ્થાની વર્તમાન સ્થિતિ વિશે ટૂંકી ને લાંબી મુદતનું ગ્રામધિરાણ કરતી સહકારી સંસ્થાઓ, ગ્રામીણ બૅંકો અને વ્યાપારી બૅંકો, એમ ત્રણ મુખ્ય સંસ્થાઓ આ ક્ષેત્રે આજે કામ કરી રહી છે.

() સહકારી મંડળી ને સહકારી માળખું : સહકારી ધિરાણપ્રવૃત્તિ સૌથી જૂની છે. ભારતના ગ્રામસમાજ માટે બધી રીતે તેના વિકાસને ઇષ્ટ ગણવામાં આવ્યો છે. અખિલ ભારત ગ્રામધિરાણ સરવે કમિટીએ સહકારી ધિરાણની અપૂર્ણતાઓનો વિસ્તૃત ખ્યાલ આપ્યા પછી પણ તેમનો કોઈ વિકલ્પ નથી, તેમને સફળ બનાવવી પડશે એમ જણાવ્યું હતું અને તે માટેનાં પગલાં સૂચવ્યાં હતાં. આજે આ ર્દષ્ટિકોણમાં પરિવર્તન આવ્યું છે ને બીજી ધિરાણસંસ્થાઓ પણ વિકસે એ કૃષિવિકાસ માટે આવશ્યક લેખાય છે. આમ છતાં કૃષિક્ષેત્ર માટે સહકારી સંસ્થાઓ ધિરાણવ્યવસ્થાતંત્રનો મહત્વનો ભાગ છે.

સહકારી માળખામાં ટૂંકા ગાળાનું ધિરાણ કરનાર પાયાનો એકમ છે પ્રાથમિક સહકારી મંડળી. તેમની સંખ્યા ખુસરો કમિટીના અહેવાલ પ્રમાણે 1986માં 92,408 જેટલી હતી. તેમની ઉપરના સ્તરે 352 જિલ્લા કેંદ્રવર્તી સહકારી બૅંકો કામ કરે છે. ટોચ પર છે રાજ્ય સહકારી બૅંક. લાંબા ગાળાના ધિરાણની ર્દષ્ટિએ પ્રાથમિક જમીન વિકાસ બૅંક પાયાની સંસ્થા છે. તેમની સંખ્યા 910 છે. તેમની ઉપર રાજ્ય જમીન વિકાસ બૅંકો કામ કરે છે અને તેમની સંખ્યા 19ની છે. દરેક સ્તરે સરકારે સહકારી સંસ્થાઓના ભાગીદાર બનવાનું સ્વીકાર્યું છે.

() વ્યાપારી બૅંક : વ્યાપારી બકો ગામડાંમાં ધિરાણ કરતી નહોતી. એ કામ તેમને નફાકારક લાગતું નહોતું. સરકારની નીતિ પણ આ ક્ષેત્રે સહકારી સંસ્થાઓ જ વિકસે તેને ઉત્તેજન આપવાની હતી. હરિયાળી ક્રાન્તિ પછી ખેતીક્ષેત્રમાં ધિરાણની જરૂરિયાત વધી અને એને માત્ર સહકારી મંડળી મારફત પૂરી પાડવાનો પ્રયત્ન કરીશું તો તે કામ નબળી સહકારી પ્રવૃત્તિ કરી શકશે નહિ અને કૃષિવિકાસ રૂંધાશે એમ સમજાયું ત્યારે બીજી સંસ્થાઓ માટે પણ ગ્રામધિરાણનાં દ્વાર ખુલ્લાં મુકાયાં. સામાજિક અંકુશોની નીતિ હેઠળ ને બૅંકોના બે તબક્કે આવેલા રાષ્ટ્રીયકરણ પછી વ્યાપારી બૅંકોએ આ ક્ષેત્રે હરણફાળ ભરી છે.

પ્રાદેશિક ગ્રામીણ બૅંક : 1975માં પ્રાદેશિક ગ્રામીણ બૅંકની સ્થાપના થઈ હતી. અપેક્ષા એવી હતી કે આ બૅંકો સહકારી મંડળીની માફક ઓછી ખર્ચાળ હશે અને વળી સંચાલનમાં વ્યાપારી બૅંકોની માફક ધંધાદારી અભિગમ ધરાવતી હશે. તે વ્યાપારી બૅંકો દ્વારા સ્થપાયેલી છે પણ રાજ્ય સરકાર અને ભારત સરકાર તેની શૅરમૂડી પૂરી પાડે છે. બહાર પાડવામાં આવેલી શૅરમૂડીમાં વ્યાપારી બૅંક 35 %, રાજ્ય સરકાર 15 % અને ભારત સરકાર 50 % ધરાવે છે. ગ્રામીણ અર્થતંત્રના નાના ને સીમાન્ત ખેડૂતો, ખેતમજૂરો, કારીગરો અને નાના યોજકો જેવા નબળા વર્ગો પૂરતું જ ધિરાણ કરવાનો અભિગમ તેણે અપનાવ્યો છે.

નાબાર્ડ (NABARD) : 1982માં કૃષિ અને ગ્રામીણ વિકાસ માટેની રાષ્ટ્રીય બૅંક (National Bank for Agricultural and Rural Development) રચવામાં આવી છે. અગાઉના કૃષિ પુન:ધિરાણ અને વિકાસ કૉર્પોરેશનને તેની સાથે ભેળવી દેવામાં આવ્યું છે. રિઝર્વ બૅંકનાં ગ્રામધિરાણ અને કૃષિધિરાણને લગતાં તમામ કાર્ય નાબાર્ડને સોંપવામાં આવ્યાં છે. આ બૅંકની રૂ. 100 કરોડની મૂડી કેન્દ્રસરકાર અને રિઝર્વ બકે પૂરી પાડી છે. તેના ડિરેક્ટરની નિમણૂક રિઝર્વ બૅંકની સલાહ અનુસાર કેન્દ્ર સરકાર કરે છે. ત્રણ ડિરેક્ટર રિઝર્વ બૅંકના કેન્દ્રવર્તી બોર્ડમાંથી લેવામાં આવે છે. તેના ચૅરમૅન ને મૅનેજિંગ ડિરેક્ટર પણ રિઝર્વ બૅંકમાંથી આવે છે. બાકીના ડિરેક્ટરોમાંથી ત્રણ કેન્દ્ર સરકારના અધિકારીઓ, બે રાજ્ય સરકારોના અધિકારીઓ અને પાંચ જુદાં જુદાં ગ્રામીણ આર્થિક ક્ષેત્રોના નિષ્ણાત હોય છે.

નાબાર્ડ ગ્રામીણ અર્થતંત્રની વ્યાપાર સહિતની અનેકવિધ પ્રવૃત્તિઓ માટે રાજ્ય સહકારી બૅંક, પ્રાદેશિક ગ્રામીણ બૅંક ને રિઝર્વ બૅંકની અનુમતિ ધરાવતી કોઈ પણ નાણાકીય સંસ્થાને 18 માસ સુધીનું ટૂંકા ગાળાનું પુન:ધિરાણ કરી શકે છે. આ લોનનું કેટલીક પરિસ્થિતિમાં 7 વર્ષ સુધીની મધ્યમ મુદતની લોનમાં તે રૂપાંતર કરી શકે છે. આ ઉપરાંત જિલ્લા સહકારી બૅંક કે પ્રાદેશિક ગ્રામીણ બૅંકને તે 18 માસથી 7 વર્ષ સુધીની મધ્યમ મુદતની લોન આપી શકે છે. વળી ગ્રામધિરાણ કરનાર નાણાકીય સંસ્થાને તે 25 વર્ષ સુધીની દીર્ઘકાલીન લોન પણ પુન:ધિરાણ તરીકે આપી શકે છે. સહકારી ધિરાણ મંડળીને શૅર કૅપિટલ પૂરી પાડનાર રાજ્યસરકારને તે 20 વર્ષ સુધીની લોન આપી શકે છે. તે પોતે પણ ગ્રામીણ વિકાસ સાથે સંકળાયેલી સંસ્થાના શૅર કે જામીનગીરીમાં રોકાણ કરી શકે છે.

નાબાર્ડ ડિબેન્ચર, થાપણસ્વીકાર વગેરે માર્ગે પોતાનું ભંડોળ પ્રાપ્ત કરે છે. કેન્દ્રસરકારની અનુમતિથી દેશની કે પરદેશની નાણાકીય સંસ્થા પાસેથી તે વિદેશી મુદ્રાના રૂપમાં પણ ધિરાણ મેળવી શકે છે. રિઝર્વ બૅંક તેને ટૂંકા ગાળાની લોન આપી શકે છે. લાંબા ગાળાનાં ભંડોળ તે કેન્દ્રસરકાર, આંતરરાષ્ટ્રીય સહાય સંસ્થાઓ, બજાર અને તેને હસ્તક મૂકવામાં આવેલાં રાષ્ટ્રીય ભંડોળ પાસેથી મેળવી શકે છે.

પુન:ધિરાણની મુખ્ય પ્રવૃત્તિ ઉપરાંત ગ્રામક્ષેત્રે ધિરાણ કરનાર સંસ્થાઓના નિરીક્ષણનું તેમજ જુદી જુદી પ્રવૃત્તિ માટે સહકારી સંસ્થાઓ વિકસાવવાનું કામ તે કરે છે.

સંસ્થાકીય ધિરાણની પ્રગતિ : વીસમી સદીના અંતિમ બે દાયકામાં કૃષિક્ષેત્રે અપાતા સંસ્થાકીય ધિરાણમાં ગણનાપાત્ર વધારો થવા પામ્યો છે. સહકારી સંસ્થાઓએ 1980-81માં ટૂંકા અને લાંબા ગાળાનું મળીને કુલ રૂ. 2,126 કરોડનું ધિરાણ કર્યું હતું, જે 1999-00માં વધીને રૂ. 21,588 કરોડનું થયું હતું. વેપારી બૅંકો તથા પ્રાદેશિક બૅંકો દ્વારા આપવામાં આવેલાં ટૂંકા અને લાંબા ગાળાનાં ધિરાણો આ જ સમયગાળામાં રૂ. 3,389 કરોડથી વધીને રૂ. 44,780 કરોડ થયાં.

આ પ્રયત્નોને કારણે ધંધાદારી શાહુકારોનું દેશમાં મહત્વ ક્રમશ: ઘટ્યું છે. 1951-52માં તેઓ ખેડૂતની (શાખ અંગેની) 44.8 % જેટલી નાણાકીય જરૂરિયાત પૂરી પાડતા હતા. 1961-62માં આ પ્રમાણ 13.2 % જેટલું થઈ ગયું, પણ સામે ધનિક ખેડૂત, વ્યાપારી, કમિશન એજન્ટ તથા પ્રકીર્ણ ધીરનાર બિનધંધાદારી શાહુકારોનું મહત્વ આ ગાળામાં વધ્યું. ખાસ કરીને ખેડૂતને વપરાશ માટેની શાખ પૂરી પાડનાર તરીકે તો આજે પણ તેઓ મહત્વ ધરાવે છે.

બદરીપ્રસાદ મ. ભટ્ટ