ખેડા : મધ્ય ગુજરાતનો રસાળ, સૌથી વધુ ગીચ વસ્તી ધરાવતો અને પ્રગતિશીલ જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન 22° 7′ અને 23° 18′ ઉ.અ. અને 72° 15′ અને 73° 37′ પૂ.રે. વચ્ચે છે. ‘ખેડા’ શબ્દ સંસ્કૃત ‘ક્ષેત્ર’ ઉપરથી બન્યો છે. તેનો કોશકારે ‘ધૂળના કોટવાળું, નદી અને પર્વતોથી વીંટાયેલું નગર’ એવો અર્થ જણાવ્યો છે.

ખેડા

તેની ઉત્તરે સાબરકાંઠા જિલ્લો, દક્ષિણે આણંદ જિલ્લો, તથા પૂર્વ તરફ પંચમહાલ જિલ્લો, અગ્નિ ખૂણે વડોદરા જિલ્લો અને પશ્ચિમે અમદાવાદ જિલ્લો અને વાયવ્ય તરફ ગાંધીનગર જિલ્લો છે. તેનું ક્ષેત્રફળ 7,194 ચોકિમી. છે. મહી, સાબરમતી, વાત્રક, શેઢી, મેશ્વો, મોહોર, ખારી વગેરે નદીઓએ અહીં ફળદ્રૂપ મેદાન બનાવ્યું છે. કપડવંજ અને વાડાસિનોર તાલુકાનો કેટલોક ભાગ ઊંચાણવાળો છે. મહી નદીને લીધે ધોવાણ થતાં ઊંડાં કોતરો પડી ગયાં છે.

સમુદ્રથી દૂર આવેલા ભાગમાં ઉનાળામાં મે માસમાં 46° સે. તાપમાન રહે છે. સરેરાશ તાપમાન 41° સે. છે, જ્યારે સરેરાશ ઓછું તાપમાન 26° સે. રહે છે. જૂન પછી ચોમાસું બેસતાં તે ઘટે છે. સૌથી ઠંડા જાન્યુઆરી માસમાં તાપમાન સરેરાશ 29° સે. રહે છે પણ રાત્રિનું તાપમાન 14° સે. થઈ જાય છે. જિલ્લામાં સરેરાશ વરસાદ 815.1 મિમી. છે. મહી, મેશ્વો અને ખારી નદીની નહેરો ઉપરાંત કૂવાથી સિંચાઈ થાય છે. કૂવા ઉપર પંપો મૂકવાને કારણે ભૂગર્ભજળની સપાટી નીચી ગઈ છે. મહી ઉપર વણાકબોરી પાસે બંધ બાંધવામાં આવ્યો છે. તળાવોનો પણ સિંચાઈ માટે ઉપયોગ થાય છે. ડાંગર, ઘઉં, બાજરી, જુવાર, તેલીબિયાં, તુવેર, તમાકુ, શેરડી વગેરે મુખ્ય પાક છે. જિલ્લામાં જંગલનું પ્રમાણ નહિવત્ છે. કોતરોનું ધોવાણ અટકાવવા વનીકરણ કાર્યક્રમ અપનાવાયો છે. તેલ, ગૅસ, ચૂનાખડકો અને બૉક્સાઇટ મુખ્ય ખનિજો છે.

લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. હરિયાળી અને શ્વેત ક્રાંતિનો લાભ આ જિલ્લાને મળ્યો છે. આણંદની અમૂલ ડેરી તથા દૂધ સહકારી મંડળીઓને કારણે ગામડાંના લોકોની આબાદી વધી છે. કાપડ, સિમેન્ટ, તેલ અને ચોખાની મિલો, રંગ અને દવા, કાચ વગેરે ઉદ્યોગો મધ્યમ અને લઘુ કક્ષાના છે. તમાકુના ઉત્પાદનને કારણે બીડીનો ગૃહઉદ્યોગ વિકસ્યો છે.

જિલ્લાનું મથક ખેડા છે પણ સૌથી મોટું શહેર નડિયાદ છે.

શ્રી રણછોડરાયનું મંદિર, ડાકોર

ડાકોર અને વીરપુર યાત્રાધામ તરીકે જાણીતાં છે. ખેડા જિલ્લાના પાટીદારો પૂર્વ આફ્રિકા, ઇંગ્લૅન્ડ તથા અન્ય સ્થળોએ સારી સંખ્યામાં વસ્યા છે. ભારતના દરેક રાજ્યમાં બીડી અને તમાકુના વેપારમાં ખેડાના પાટીદારો જોવા મળે છે. સાહિત્યક્ષેત્રે નડિયાદની સાક્ષરભૂમિએ ગોવર્ધનરામ અને મણિલાલ નભુભાઈ જેવા સાક્ષરોની ગુજરાતને ભેટ આપી છે.

ખેડા શહેર 22° 45´ ઉ.અ. 72° 41´ પૂ.રે. ઉપર અને વાત્રક અને શેઢી નદી વચ્ચે વસેલું છે. નડિયાદ અને મહેમદાવાદથી ખેડા 20 અને 12 કિમી. અને અમદાવાદથી તે 32 કિમી. દૂર છે. જૈન મંદિર, જુમા મસ્જિદ, હનુમાન મંદિર તથા 250 વર્ષ જૂની દવેની હવેલી જોવાલાયક છે.

અહીં ચાર પ્રાથમિક શાળાઓ, બે મદરેસા, બે માધ્યમિક શાળાઓ, એક એજ્યુકેશન કૉલેજ તથા આર્ટ્સ અને કૉમર્સ કૉલેજ, પુસ્તકાલય વગેરે શૈક્ષણિક સંસ્થાઓ છે.

ઇતિહાસ : ‘ખેટક’નો દેશવાચક નામ તરીકે ઈ. પૂ. બીજી સદીના પાણિનિના ગણપાઠમાં ઉલ્લેખ મળે છે, જ્યારે પદ્મપુરાણમાં દિવ્યનગર તરીકે તેનો પ્રાચીન ઉલ્લેખ છે. મૈત્રક દાનશાસનોમાં સાતમી સદીથી (625-43), (660-685) આઠમી સદીના (710-735) ત્રણ ઉલ્લેખો વહીવટી વિભાગ તરીકેના તામ્રપત્રોમાં ખેટકનો વિષય, આહાર અને મંડળ તરીકેના, બ્રાહ્મણોના નિવાસસ્થાન તરીકેના અને રાષ્ટ્રકૂટ રાજાના પાટનગર તરીકેના ઉલ્લેખો મળે છે. તેની નીચે 750 ગામો હતાં. ‘દશકુમારચરિત’ની નિમ્બવતીની કથામાં, ‘આચારાંગ સૂત્ર’ની વૃત્તિમાં મેરુતુંગના ‘પ્રબંધ ચિંતામણિ’, ‘પુરાતન પ્રબંધસંગ્રહ,’ ‘વિવિધ તીર્થકલ્પ’ વગેરેમાં તેનો ઉલ્લેખ છે. પ્રદેશવાચક ‘ખેટક’ તરીકેનો ઉલ્લેખ પ્રાચીન છે જ્યારે નગર તરીકેના તેના ઉલ્લેખો સાતમીથી બારમી સદીના છે.

ખેડાનો ‘પદ્મપુરાણ’ના 133મા અધ્યાયમાં, સાતમી સદીના ‘દશકુમારચરિત’માં, મૈત્રકોનાં તામ્રપત્રોમાં (525-845) તથા રાષ્ટ્રકૂટોનાં તામ્રપત્રોમાં ‘ખેટક’ કે ‘ખેટકપુર’ તરીકે ઉલ્લેખ મળે છે. રાષ્ટ્રકૂટ રાજા ઇન્દ્ર ત્રીજાની તે રાજધાની હતું. હ્યુ એન સંગે હીનયાન અને મહાયાન બૌદ્ધ સંપ્રદાયના 10 વિહારો, 1000 ભિખ્ખુઓ અને અન્ય ધર્મનાં 50થી 60 દેવાલયોનો ઉલ્લેખ કર્યો છે. 942-1304 દરમિયાન તે ચૌલુક્યોને તાબે હતું. ત્યાર બાદ 1763 સુધી તે મુસ્લિમ શાસન નીચે રહ્યું હતું. દામાજીરાવ ગાયકવાડે 1763માં તે જીતી લીધું હતું. તેનો કિલ્લો મહમદખાન બાબીએ બંધાવ્યો છે. 1803માં આનંદરાવ ગાયકવાડે અંગ્રેજોને સહાયકારી યોજનાના ખર્ચ પેટે આ શહેર અને જિલ્લો સોંપ્યાં હતાં. સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર હોઈ અહીં અંગ્રેજોની છાવણી હતી.

શિવપ્રસાદ રાજગોર