ખેડાણઘટક : વાસ્તવિક ખેડાણ હેઠળની જમીનનો એકમ. ખેતીની ઉત્પાદકતા માપવાનાં પરિબળોમાં ખેડાણઘટકનું કદ મહત્વનો ભાગ ભજવે છે. ઉત્પાદનનાં સાધનોનો મહત્તમ (optimum) ઉપયોગ કરવા માટે ખેડાણઘટક ઇષ્ટ કદનું હોવું જોઈએ, અન્યથા લઘુતમ ખર્ચનું સંયોજન (least cost combination) પ્રાપ્ત કરી શકાય નહિ અને ખેતીનું સંયોજન વ્યાપારી કે નફાલક્ષી ધોરણે થઈ શકે નહિ.

ભારતમાં ખેતીની ઉત્પાદકતા અન્ય દેશોની સરખામણીમાં ઓછી છે. તે માટે દેશમાં ખેડાણઘટકનું ઇષ્ટ કરતાં નાનું કદ મુખ્યત્વે જવાબદાર છે. 1965-66ના અરસામાં ભારતમાં ખેડાણઘટકનું સરેરાશ કદ 7.5 એકર જેટલું હતું જ્યારે તે અરસામાં ઇંગ્લૅન્ડ અને જાપાનમાં તે 20થી 22 એકર તથા અમેરિકામાં 145 એકર જેટલું હતું. ભારતમાં કરવામાં આવેલી એક મોજણી મુજબ સંખ્યાની ર્દષ્ટિએ દેશમાં મોટા ભાગનાં ખેતરોનું કદ 2 એકર કરતાં પણ નાનું છે. આ પરિસ્થિતિ માટે હિંદુ વારસાગત મિલકતની વહેંચણીને લગતા કાયદા જવાબદાર છે. ખેડાણઘટકનું કદ નાનું હોય તો આવા બિનઆર્થિક ઉત્પાદન-એકમોને લીધે ખેડૂતની ધિરાણપાત્રતા મર્યાદિત બને છે, જેથી સંસ્થાકીય ધિરાણ મેળવવામાં તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ભારતના ખેડૂતોની પરંપરાગત ગરીબી તથા ખેતીની સામાન્ય અવદશા માટે બિનઆર્થિક ખેડાણઘટકો જવાબદાર ગણાય છે. વારસાગત મિલકતની વહેંચણીના કાયદામાં ફેરફાર કર્યા વિના બિનઆર્થિક ખેડાણઘટકોને આર્થિક ઘટકોમાં ફેરવી નાખવા માટે ભારતમાં સહકારી ખેતીવ્યવસ્થાને પ્રોત્સાહન આપવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે