ખેડા જિલ્લો : ગુજરાતના ચરોતર પ્રદેશમાં આવેલો ખેડા જિલ્લો.
ભૌગોલિક સ્થાન – આબોહવા : આ જિલ્લો 22 45´ ઉ. અ. અને 72 41 ´ પૂ. રે.ની આજુબાજુ આવેલ છે. તેનો વિસ્તાર 4,219 ચો.કિમી. છે. આ જિલ્લો ઉત્તરે અરાવલી (અરવલ્લી), ઈશાને મહીસાગર, પૂર્વે પંચમહાલ, અગ્નિએ વડોદરા, દક્ષિણે આણંદ, નૈઋત્યે અને પશ્ચિમે અમદાવાદ જિલ્લાઓથી ઘેરાયેલો છે. આ જિલ્લાની નદીઓમાં સાબરમતી, વાત્રક, મેશ્વો, મોહર, શેઢી, ખારી વગેરે નદીઓ દ્વારા ફળદ્રૂપ પ્રદેશની રચના થઈ છે.
ઉનાળામાં મે માસ દરમિયાન તાપમાન 46 સે. જેટલું પહોંચે છે. સરેરાશ મહત્તમ અને લઘુતમ તાપમાન અનુક્રમે 41 અને 26 સે. જેટલું રહે છે. શિયાળાની ઋતુમાં મહત્તમ અને લઘુતમ તાપમાન અનુક્રમે 29 સે. અને 14 સે. જેટલું નોંધાયું છે. વરસાદ સરેરાશ 825 મિમી. જેટલો પડે છે. કોઈક વાર ઉનાળા-શિયાળામાં માવઠાનો અનુભવ થાય છે.
અર્થતંત્ર : આ જિલ્લામાંથી વહેતી નદીઓમાં મહી નદી જ બારમાસી છે. ઉપરવાસમાં આવેલા કડાણા ડૅમનું પાણી ખેતી માટે ઉપયોગી બને છે. સમુદ્રથી અંતરિયાળ ભાગમાં આ જિલ્લો આવેલો હોવાથી વરસાદની માત્રા ખેતી માટે પૂરતી નથી. પરિણામે કૂવા ઉપર પંપો મૂકીને ભૂગર્ભજળનો અહીં મહત્તમ ઉપયોગ થાય છે. અહીં તળાવોમાં પાણીનો સંગ્રહ કરીને તેનો ઉપયોગ ખેતી માટે થાય છે.
આ જિલ્લાની જમીન ગોરાડુ, કાળી અને મધ્યમ રેતાળ છે. આ જિલ્લો તમાકુ અને કપાસની ખેતી માટે વધુ પ્રસિદ્ધિ પામ્યો છે. આ સિવાય ડાંગર, ઘઉં, બાજરી, જુવાર અને કઠોળની ખેતી પણ થાય છે. ખેતીમાં આ જિલ્લો સમૃદ્ધ હોવાથી પશુપાલનનો વ્યવસાય પણ તેની સાથે ખીલ્યો છે. દૂધ સહકારી મંડળીઓને કારણે અહીંના લોકોની આર્થિક સ્થિતિમાં ઘણો સુધારો થયો છે. તમાકુ જે માનવીના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોવાથી ખેડૂતો કેળાં, કેરી, ચીકુ અને શાકભાજીના વાવેતરમાં વધુ રસ લેતા થયા છે. એક સમયે તમાકુનું ઉત્પાદન વધુ થતું હતું તેથી ચરોતરનો પ્રદેશ ‘સોનેરી પાનનો પ્રદેશ’ તરીકે જાણીતો હતો. આ જિલ્લામાં જંગલનું પ્રમાણ નહિવત છે. પરિણામે વન્ય પ્રાણીઓમાં નીલગાય, હરણ, વન્યજીવો જોવા મળે છે. કોતરોનું ધોવાણ અટકાવવા વનીકરણ કાર્યક્રમ અપનાવાયો છે.
આ જિલ્લામાં કાપડ, સિમેન્ટ, તેલ અને ચોખાની મિલો, રંગ, દવા, કાચ વગેરે ઉદ્યોગો જોવા મળે છે. મધ્યમ અને લઘુ કક્ષાના ઉદ્યોગો પણ આવેલા છે.
પરિવહન અને વસ્તી : આ જિલ્લામાંથી અમદાવાદ-મુંબઈને જોડતો બ્રૉડગેજ રેલમાર્ગ પસાર થાય છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ રાજ્યના ધોરી માર્ગ, જિલ્લા માર્ગો અને ગ્રામ્ય માર્ગોનું ગીચ જાળું પથરાયેલું છે. આ જિલ્લો આર્થિક દૃષ્ટિએ સમૃદ્ધ હોવાથી પરિવહનનાં સાધનો પણ અધિક જોવા મળે છે.
આ જિલ્લામાં હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી લોકો વસે છે. અહીં ગુજરાતી, હિન્દી, સિંધી, મરાઠી, અંગ્રેજી, ઉર્દૂ ભાષા બોલાય છે. આ જિલ્લામાં સાક્ષરતાનું પ્રમાણ આશરે 84% છે. દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ 937 છે. વસ્તી 2011 મુજબ 22,99,885 છે, જે યુ.એસ.ના ન્યૂ મેક્સિકો રાજ્ય અને લેટેવીયા દેશ જેટલી છે. વહીવટી સુગમતા ખાતર આ જિલ્લાને નડિયાદ (શહેર), ઠાસરા, કપડવંજ, મહેમદાવાદ, કઠલાલ, માતર, મહુધા, ખેડા, નડિયાદ, ગળતેશ્વર અને વસો એમ અગિયાર તાલુકામાં વિભાજિત કરેલ છે. નડિયાદ તે જિલ્લાનું વહીવટી મથક છે.
ખેડા શહેર : આ શહેર 22 45´ ઉ. અ. અને 7 41´ પૂ. રે. ઉપર અને વાત્રક તેમજ શેઢી નદીના ફળદ્રૂપ મેદાની વિસ્તારમાં વસેલું છે. અમદાવાદથી તે 32 કિમી. દૂર છે. જૈન મંદિર, જુમા મસ્જિદ અને 250 વર્ષ જૂની દવેની હવેલી જોવાલાયક છે. પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ, કૉલેજ, પુસ્તકાલયો આવેલાં છે.
ઇતિહાસ : ‘ખેટક’નો દેશવાચક નામ તરીકે ઈ. સ. પૂ. બીજી સદીના પાણિનિના ગણપાઠમાં ઉલ્લેખ મળે છે, જ્યારે પદ્મપુરાણમાં દિવ્યનગર તરીકે તેનો પ્રાચીન ઉલ્લેખ છે. મૈત્રક દાનશાસનોમાં સાતમી સદીથી (625-43), (660-685) આઠમી સદીના (710-735) ત્રણ ઉલ્લેખો વહીવટી વિભાગ તરીકેના તામ્રપત્રોમાં ખેટકનો વિષય, આહાર અને મંડળ તરીકેના, બ્રાહ્મણોના નિવાસસ્થાન તરીકેના અને રાષ્ટ્રકૂટ રાજાના પાટનગર તરીકેના ઉલ્લેખો મળે છે. તેની નીચે 750 ગામો હતાં. ‘દશકુમારચરિત’ની નિમ્બવતીની કથામાં, ‘આચારાંગ સૂત્ર’ની વૃત્તિમાં, મેરુતુંગના ‘પ્રબંધ ચિંતામણિ, ‘પુરાતન પ્રબંધસંગ્રહ’, ‘વિવિધ તીર્થકલ્પ’ વગેરેમાં તેનો ઉલ્લેખ છે. પ્રદેશવાચક ‘ખેટક’ તરીકેનો ઉલ્લેખ પ્રાચીન છે જ્યારે નગર તરીકેના તેના ઉલ્લેખો સાતમીથી બારમી સદીના છે.
ખેડાનો ‘પદ્મપુરાણ’ના 133મા અધ્યાયમાં, સાતમી સદીના ‘દશકુમારચરિત’માં, મૈત્રકોનાં તામ્રપત્રોમાં (525-845) તથા રાષ્ટ્રકૂટોનાં તામ્રપત્રોમાં ‘ખેટક’ કે ‘ખેટકપુર’ તરીકે ઉલ્લેખ મળે છે. રાષ્ટ્રકૂટ રાજા ઇન્દ્ર ત્રીજાની તે રાજધાની હતું. હ્યુ એન સંગે હીનયાન અને મહાયાન બૌદ્ધ સંપ્રદાયના 10 વિહારો, 1000 ભિખ્ખુઓ અને અન્ય ધર્મનાં 50થી 60 દેવાલયોનો ઉલ્લેખ કર્યો છે. 942-1304 દરમિયાન તે ચૌલુક્યોને તાબે હતું. ત્યાર બાદ 1763 સુધી તે મુસ્લિમ શાસન નીચે રહ્યું હતું. દામાજીરાવ ગાયકવાડે 1763માં તે જીતી લીધું હતું. તેનો કિલ્લો મહમદખાન બાબીએ બંધાવ્યો છે. 1803માં આનંદરાવ ગાયકવાડે અંગ્રેજોને સહાયકારી યોજનાના ખર્ચ પેટે આ શહેર અને જિલ્લો સોંપ્યાં હતાં. સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર હોઈ અહીં અંગ્રેજોની છાવણી હતી.
જોવાલાયક સ્થળો : ડાકોર અને વીરપુર યાત્રાધામ તરીકે જાણીતાં છે. રઢુ ખાતે મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિરના પરિસરમાં ‘ઘી’નો સંગ્રહ થાય છે. ‘ઘી’થી ભરેલાં કાળાં માટલાં ત્રણ ઓરડામાં જોવા મળે છે. આ ‘ઘી’નો કોઈ વપરાશ થતો નથી, કારણ કે તે માનતાનું ઘી હોય છે એવી માન્યતા છે.
સાહિત્યક્ષેત્રે નડિયાદની સાક્ષરભૂમિએ ગોવર્ધનરામ અને મણિલાલ નભુભાઈ જેવા સાક્ષરોની ગુજરાતને ભેટ આપી છે અને આધુનિક કવિ અને નવલકથાકાર રાવજી પટેલ (વલ્લભવિદ્યાનગર) પણ જાણીતા છે. તદ્ઉપરાંત ભારતના પ્રથમ ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ (નડિયાદ) તેમજ મહાગુજરાતની ચળવળના નેતા ઇન્દુલાલ યાજ્ઞિક (નડિયાદ) જેઓ પ્રખર સ્વાધીનતા સંગ્રામ દરમિયાન રાજકીય નેતા તરીકે જાણીતા બન્યા હતા. ખેડા સત્યાગ્રહ(1918)ને કારણે આ જિલ્લો વધુ જાણીતો બન્યો હતો.
શિવપ્રસાદ રાજગોર
નીતિન કોઠારી