ખુરશાહ બિન કુબાદ અલ્ હુસેની : ફારસી વિદ્વાન અને ઇતિહાસકાર. સુલતાન કુલી કુતુબશાહના પુત્ર જમશેદ કુલી કુતુબશાહ(ઈ. સ. 1543-1550)ના ખાસ દરબારી હતા. તે મૂળ ઇરાકના વતની હતા. તેમણે બાદશાહની આજ્ઞાથી એક દળદાર ઇતિહાસ રચ્યો હતો જેમાં ઈરાનના પ્રાચીન ઇતિહાસથી માંડીને ઈ. સ. 1562 સુધીની ઐતિહાસિક ઘટનાઓ નોંધવામાં આવી છે. આ ઇતિહાસ આઠ પ્રકરણોમાં વહેંચાયેલો છે. પ્રથમ પ્રકરણમાં ઈરાન, રોમ અને યમનનો ઇતિહાસ, બીજા પ્રકરણમાં હજરત મોહમદ ને તેમના ખલીફા બનું ઉમૈયા અને બનું અબ્બાસ વિશે ઐતિહાસિક માહિતી, ત્રીજા પ્રકરણમાં અબ્બાસિયા ખલીફાના સમકાલીન ઈરાની રાજાઓનો ઇતિહાસ, ચોથા પ્રકરણમાં પ્રાચીન ઈરાનના મુઘલ શાસકોનો ઇતિહાસ, પાંચમા પ્રકરણમાં અમીર તૈમૂર અને તેના વંશજોનો ઇતિહાસ, છઠ્ઠા પ્રકરણમાં કરાકુયુનની આક ક્યુનલી જનજાતિ અને સફવી અને રોમના સુલતાનો વિશે માહિતી, સાતમા પ્રકરણમાં ભારતના સુલતાનો વિશેની માહિતી તથા આઠમા પ્રકરણમાં કુતુબવંશના બાદશાહોનો ઉલ્લેખ છે.
ફરિશ્તા નામના ઇતિહાસવિદે પોતાના ગ્રંથમાં આ ઐતિહાસિક ગ્રંથનો ઉલ્લેખ કર્યો છે. ખુરશાહના આ ઐતિહાસિક ગ્રંથની હસ્તપ્રત બ્રિટિશ મ્યુઝિયમ, લંડનમાં હાલમાં ઉપલબ્ધ છે.
જમાલુદ્દીન રહીમુદ્દીન શેખ