ખુમાણ, જોગીદાસ : ખેલદિલી અને વીરધર્મના પાલનથી ખ્યાતનામ થયેલો ભાવનગર રાજ્યનો કાઠી બહારવટિયો. જોગીદાસના દાદા સામંત ખાચરે ખસિયાઓને હરાવી કુંડલાની ચોવીસી કબજે કરી હતી. સામંતના પુત્ર આલા ખાચરના 1784માં અવસાન બાદ રાજ્યની વહેંચણીમાં ઝઘડો થતાં ભોજ ખાચરે કુહાડીનો હાથો થઈને ભાવનગરના રાજવી વખતસિંહ ઉર્ફે આતાભાઈનું શરણ સ્વીકાર્યું અને તેનો ભાગ તેમને લખી આપ્યો. આ કલહનો લાભ લઈને 1790માં તેમણે કુંડલા અને બીજાં ગામો કબજે કર્યાં. જૂનાગઢની ફોજની મદદ છતાં વખતસિંહનો સામનો કરવામાં કાઠીઓ નિષ્ફળ ગયા.
1816માં વખતસિંહનું મૃત્યુ થતાં જોગીદાસના પિતા હાદા ખુમાણ તેમના પુત્રોની મદદથી ગુમાવેલો ગરાસ પાછો મેળવવા બહારવટે ચડ્યા. બહારવટિયાની બીકથી ખેડૂતો ખેતર ખેડવા જઈ શકતા ન હતા. બહારવટિયાઓ ગીરમાં આશ્રય લઈને ભાવનગર રાજ્યનાં ગામડાં લૂંટીને સળગાવી દેતા હતા. જેતપુર અને ચીતળનાં કાઠી રાજ્યો, ફીફાદના મુરાદશા ઓલિયા વગેરેની તેમને સહાય હતી. બહારવટિયાઓ લૂંટ કરી બીજાં રાજ્યોમાં કે ગીરનાં જંગલમાં આશ્રય લેતા હતા.
લૂંટ દરમિયાન સ્ત્રીસન્માનની ભાવનાથી વર્તીને સ્ત્રીઓના શરીર ઉપરથી એકાદ અપવાદ સિવાય દાગીના ઉતરાવ્યા ન હતા. ગામડાંની બહેનો પાસે રાસડા ગવરાવી અને બ્રાહ્મણ, સાધુ વગેરેને દાન આપીને તેઓ રાજ્યની વહાર આવે તે પહેલાં છટકી જતા હતા.
જોગીદાસના સમગ્ર બહારવટા દરમિયાન કેટલાક પ્રસંગો નોંધપાત્ર છે. મહારાજ વજેસિંહના પુત્ર દાદભાનું મૃત્યુ થતાં જોગીદાસ વગેરેએ સૂતક ઉતારવા સ્નાન કર્યું હતું અને કાઠી-કણબી ડાયરા સાથે શિહોર ખરખરે ગયા. માથે ફાળિયું હતું એટલે જોગીદાસની હાજરીનો સિપાઈઓ અને દરબારીઓને ખ્યાલ ન આવ્યો પણ ખરખરે આવેલા લોકોને છાના રાખવા આવેલા વજેસિંહ મહારાજે જોગીદાસનો અવાજ પારખ્યો અને કહ્યું : ‘‘છાના રો, છાના રો, જોગીદાસ’’, જોગીદાસે ‘‘ભલો વરત્યો રાજ’’ એમ કહ્યું. ‘‘વરતું કેમ નહિ, જોગીદાસ ખુમાણ ? પાંચસો આદમી વચ્ચે તારા હાકોટા પરખાય તો પછી તારો વિલાપ કેમ ન વર્તાય ?’’ મહારાજનાં એવાં વચન સાંભળી હાજર રહેલા રાજસેવકોનો તલવારની મૂઠ ઉપર હાથ ગયો. વજેસિંહે બધાને અટકાવીને કહ્યું : ‘‘રજપૂતો ! આજ જોગીદાસભાઈ બાઝવા નથી આવ્યા. દીકરો ફાટી પડ્યો છે એનો અફસોસ કરવા આવ્યા છે. મારા દુ:ખમાં ભાગ લેવા આવ્યા છે.’’ બંને શૂરવીરો એકબીજાને અંજલિ આપી છૂટા પડ્યા.
જોગીદાસના પિતાએ ઘુઘરાળામાં આશ્રય લીધો હતો. વજેસિંહે તે ગામને ઘેરી લીધું હતું. હાદા ખુમાણ 112 વરસની વયે પણ સામી છાતીએ લડીને વીરગતિને પામ્યા. વજેસિંહે આ પ્રસંગે કુંડલા જઈને હાદા ખુમાણનું કારજ કર્યું. જોગીદાસે તેના ભાઈઓને કહ્યું : ‘‘જો ભાઈ ભાણ, જોઈ લે બાપ, બાપ તો તારો ને મારો મર્યો અને માથું બોડાવ્યું ભાવનગરના ઠાકોરે. આનું નામ ખાનદાની.’ મોટા ભાઈ તરીકે વજેસિંહે કારજ કર્યું હતું.
જોગીદાસની દિલાવરી અને દુશ્મન પ્રત્યે ખાનદાનીના બીજા પ્રસંગે ભાવનગરનાં રાણી નાનીબા તેમના પિયર દડવે જતાં હતાં. આંકડિયા ગામના કાઠી રાઘવે જોગીદાસના માણસો હોવાનો દેખાવ કરી નાનીબાને લૂંટવા પેંતરો કર્યો. આ અરસામાં જોગીદાસનું કટક આવી પહોંચ્યું. રાઘવે રાણીને લૂંટી બંને કુંવરોને મારી નાખી વેર લેવા કહ્યું. જોગીદાસે કહ્યું : ‘‘મારે વજેસિંહ સાથે દુશ્મનાવટ છે, તેની રાણી સાથે નહિ. તે તો મારી ધર્મની બહેન છે’’. જોગીદાસ નાનીબાને ભાવનગરના પાદર સુધી મૂકી ગયા.
હાદા ખુમાણના કારજ બાદ વજેસિંહે જોગીદાસ વગેરે સાથે સમાધાન કરવા પ્રયત્ન કર્યો હતો. કૅપ્ટન બાર્નવેલે કાઠી રજવાડાં ઉપર દબાણ કર્યું હતું. પરિણામે જોગીદાસ તથા તેમના ભાઈઓ વગેરેને પકડીને ભાવનગર રાજ્યને સોંપ્યા હતા. વાટાઘાટ દરમિયાન બહારવટિયા તરફથી કુંડલાનો આગ્રહ રખાતાં વાટાઘાટ પડી ભાંગી હતી અને જામીનો બહારવટિયાને લઈને ચાલ્યા ગયા હતા.
બહારવટિયાને કબજે કરવા વજેસિંહ ઠાકોરે તેમની રાણી અને બે દીકરાઓને બાનમાં લઈને તેમના કુટુંબ સાથે રાખ્યાં હતાં. રાજાની સારી રખાવટ જોઈને કાઠિયાણીના આગ્રહથી જોગીદાસે વજેસિંહ સાથે સમાધાન કરવાનું કહેણ મોકલ્યું.
ઠાકોર સાથે 1829માં સમાધાન માટે વાટાઘાટ ચાલી. ઠાકોરે જોગીદાસને ગામો માગી લેવા કહ્યું પણ તેણે તેની ના પાડી. ઠાકોરે કુંડલા આપવા કહ્યું પણ જોગીદાસે ના પાડી. ‘‘મોટા દીકરા તરીકે તમે શ્રાદ્ધ કર્યું છે માટે મને તે હવે ન ખપે….’’ દરેક ભાગીદારને ઠાકોરે બે ગામો આપ્યાં, જ્યારે જોગીદાસને તે ઉપરાંત રૂ. 30,000ની આવક આપતું જીરા ગામ અંગત ખર્ચ માટે આપ્યું. જોગીદાસને સમોવડિયો ગણી ઠાકોરે પોતાની અર્ધી ગાદી ઉપર બેસાડી બહુમાન કર્યું અને લાંબા ગાળાથી ચાલ્યા આવતાં બહારવટાનો માનભેર અંત આવ્યો.
શિવપ્રસાદ રાજગોર