ખુમાણ લોમો : સૌરાષ્ટ્રમાં રાજકોટ નજીક ખેરડી ગામનો કાઠી સરદાર. બહાદુરશાહ પછી ગુજરાતના સુલતાનોની સત્તા નબળી પડતાં તેના ઘોડેસવારો ધંધૂકા સુધીના પ્રદેશમાં લૂંટફાટ કરતા હતા. ગુજરાતનો છેલ્લો સુલતાન મુઝફ્ફરશાહ ત્રીજો (1561-73) મીરજાખાનના લશ્કરથી બચવા નાસભાગ કરતા હતા ત્યારે લોમા ખુમાણે 1583 સુધી તેમને ખેરડીમાં આશ્રય આપ્યો હતો. 1590માં ભૂચર મોરીના યુદ્ધમાં મુઝફ્ફરશાહ, સતાજી જામ અને જૂનાગઢના ફોજદાર અમીન ખાનના પક્ષે રહીને લોમા ખુમાણે મુઘલો સામેના યુદ્ધમાં સાથ આપ્યો હતો, પણ બાજી પલટાતાં તેમણે દગો કરી સુલતાનનો પક્ષ છોડી દીધો હતો.

ગારિયાધારના ગોહિલ ઠાકોર નોંધણજી બીજા સાથે ખુમાણો અને ખાચરોને વેર હતું. કાઠીઓનો પક્ષ લઈને ખુમાણ લોમાએ 1611માં ગારિયાધાર કબજે કર્યું હતું. નોંધણજીની મદદે આવેલ શિહોરના ગોહિલ ઠાકોર ધુનાજી અને તેના પુત્ર રતનજી તેની સાથેના યુદ્ધમાં માર્યા ગયા હતા. નોંધણજીએ રતનજીના પુત્ર હરતાળજીની મદદ લઈ ગારિયાધાર ફરી કબજે કર્યું હતું અને વેરના શમન માટે લોમાને રાણી ગામ ગરાસમાં આપ્યું હતું. નોંધણજીની રાણી(જામનગરની કુંવરી)એ તેને ભાઈ ગણ્યો હતો. જામનગર નોંધણજીની રાણી સાથે લગ્નમાં જતાં મહેલના દરવાજામાં હથિયાર વિના પ્રવેશવાનું કહેતાં તેમણે દરવાનને મારી નાખ્યો. ભૂચર મોરીના યુદ્ધમાં તેમણે દગો કર્યો હોવાથી તેનું વેર લેવા જામ અને નોંધણજીના માણસો સાથે ધીંગાણામાં તેમનું મૃત્યુ થયું અને ખેરડી ગામ ભાંગવામાં આવ્યું.

શિવપ્રસાદ રાજગોર