ખીમેશ્વરનાં મંદિરો : પોરબંદર પાસે આવેલ કુછડી ગામથી પશ્ચિમે આવેલાં મૈત્રકકાલીન મંદિરોનો સમૂહ. મૈત્રકકાલીન મંદિરોના સ્થાપત્યમાં ઘણી વિવિધતા જોવા મળે છે. આ મંદિરો તેની વિશિષ્ટ રચનાને કારણે પ્રસિદ્ધ છે. આ મંદિરસમૂહમાં શિવ, સૂર્ય, રાંદલ અને ભૈરવનાં મળી કુલ સાત મંદિરો આવેલાં છે.
આ મંદિરસમૂહ પૈકી મંદિર નં. 7 ગર્ભગૃહ અને શૃંગારચોકીનું બનેલું છે. ગર્ભગૃહ લંબચોરસ છે. ચતુસ્તલ શિખરના થર સાદા છે. મંદિરની શૃંગારચોકીમાં વામનકદના સ્તંભો અને છૂટા સ્તંભોની રચના છે.
મંદિર નં. 3 સમચોરસ ગર્ભગૃહ અને મોટા કદના મંડપનું બનેલું છે. ત્રિછાદ્યશિખરના થરોમાં ચંદ્રશાલાનાં અલંકરણ છે. મંડપનું છાવણ તૂટી ગયું છે. મંદિરના નીચા કદના અધિષ્ઠાનમાં કુંભ, વાજન, કંધાર, વલ્લભી, કપોત અને પટ્ટિકાના થર છે. દીવાલના મથાળે ઉત્તર અને કપોતના થર છે. ગર્ભગૃહમાં લિંગ છે.
ખીમેશ્વર મંદિર નં. 5ના સમચોરસ ગર્ભગૃહ ઉપરનાં ત્રિતલ છાદ્યોના દરેક છાદ્યની ચારે બાજુએ નીચેથી ઉપર જતાં ત્રણ, બે અને એક ચંદ્રશાલાનાં અલંકરણ છે. છેડા પર સાદા કર્ણકૂટોની રચના છે. ત્રિતલ છાદ્યના મથાળે પગથિયાંઘાટની સાદી રચના અને એની ઉપર અર્વાચીન સમયની સ્તૂપી આવેલી છે. લંબચોરસ ગૂઢ મંડપની આગલી દીવાલમાંના પ્રવેશદ્વારની બંને બાજુએ એક એક સ્તંભિકા પર ટેકવેલા મોટા કદના ગવાક્ષોની રચના છે. દરેક ગવાક્ષના મથાળે ચંદ્રશાલાનાં સુશોભનોથી વિભૂષિત ચતુસ્તલ છાવણ અને એના પર આમલક અને કલશની રચના કરેલી છે.
ખીમેશ્વર મંદિર નં. 1 સમચોરસ ગર્ભગૃહ. ગૂઢમંડપ અને લંબચોરસ ગૂઢમંડપનું બનેલું સાંધાર પ્રકારનું મંદિર છે. અધિષ્ઠાન અને દીવાલો સાદાં છે. એમાં ઉત્તર અને દક્ષિણ બાજુએ જાળીવાળાં વાતાયનોની રચના છે. દક્ષિણ બાજુના વાતાયનની જાળીમાં અષ્ટદલ તારાકૃતિની મધ્યમાં કમલપુષ્પ કોતરેલાં છે. ઉત્તર તરફનાં બે વાતાયનોની જાળીઓમાં ચોકડાં અને હીરાની ભાતની આકૃતિઓ કોતરેલી છે. દીવાલોના મથાળે વલ્લભી અને ઊર્ધ્વ પદ્મની પટ્ટિકા તથા કપોતની રચના છે.
ગર્ભગૃહ પર ચતુસ્તલ શિખરમાં આવેલ ચંદ્રશાલામાં સુશોભનો છે તથા શિખરના દરેક તલના ખૂણા કર્ણકૂટથી વિભૂષિત કરેલા છે. ગર્ભગૃહના દ્વારના ઉંબરમાં મધ્ય મંદારકની બંને બાજુએ એક એક કીર્તિમુખની રચના છે. મંડપની દીવાલોમાં ભીંતસ્તંભો છે. મુખમંડપના છૂટા સ્તંભ ચોરસ (રુચક) છે.
આ મંદિરની ઉત્તર બાજુએ એક નાના કદનું (નં. 2) સાંધાર પશ્ચિમાભિમુખ દેવાલય-શિવાલય છે. તેનું અધિષ્ઠાન સાદું છે. મંદિરની ઉપરનું છાવણ ઉપર્યુક્ત મંદિરની રચના સાથે સામ્ય ધરાવે છે. ગર્ભગૃહમાં લિંગ અને જળાધારી છે.
ખીમેશ્વર મંદિરસમૂહમાં મંદિર નં. 6 વલ્લભી છંદજ શિખરશૈલીનો એકમાત્ર ઉપલબ્ધ નમૂનો છે. લંબચોરસ ઘાટના ગર્ભગૃહ પરના છાવણમાં બૌદ્ધ ચૈત્યગૃહો પર હોય છે તેવી અર્ધનલાકાર ઘાટની રચના કરેલી છે. આ પ્રકારની રચના ‘વલ્લભી’ નામે ઓળખાય છે. મંદિર પૂર્વાભિમુખ છે. એનો મંડપ ચોરસ છે અને એમાં ચાર ચોરસ સ્તંભ છે. એનું છાવણ તદ્દન સપાટ છે. ગર્ભગૃહની દીવાલોના મથાળે વલ્લભી અને કપોતના થર છે. એમાં પાછલી બાજુએ ભારે કદના શૂરસેનકની રચના છે. દીવાલના મથાળે કપોત પર કંઠ અને સૂર્યાકાર સ્કંધવેદી અને વલ્લભી પ્રકારનું છાવણ છે. એના બંને છેડે મોટા કદની ચંદ્રશાલાની રચના છે. ગર્ભગૃહનું દ્વાર સાદું છે, પરંતુ એની બંને બાજુની દીવાલમાં નિર્ગમિત શૂરસેનકની રચના છે. મંદિરની મૂળ સપ્તમાતૃકાઓની મૂર્તિઓ હાલ અવશેષ રૂપે મંદિર બહાર પડેલી છે.
ગુજરાતમાં આ ઘાટનું આ એક જ મંદિર ઉપલબ્ધ છે.
રામજીભાઈ ઠા.સાવલિયા