ખીણહિમનદી : ખીણમાંથી પસાર થતી હિમનદી. યુરોપના આલ્પ્સ પર્વતોમાં આશરે 2,000 જેટલી ખીણહિમનદીઓ હોવાનું અંદાજવામાં આવ્યું છે. દુનિયાની લાંબામાં લાંબી ખીણહિમનદી અલાસ્કામાં આવેલી છે જે હબ્બાર્ડ હિમનદીના નામથી જાણીતી છે, તેની લંબાઈ આશરે 128.72 કિમી. છે. ખીણહિમનદીઓ હિમાલય પર્વતમાળામાં પણ આવેલી છે. હિમાલયની મોટા ભાગની હિમનદીઓ આ પ્રકારની છે, જેમાંની મોટા ભાગની હિમનદીઓ 3થી 5 કિમી. લંબાઈવાળી છે; પરંતુ કેટલીક 40 કિમી. કે તેથી વધુ લંબાઈવાળી પણ છે. હિમાલય પર્વતમાળાની મહાકાય હિમનદીઓ કારાકોરમ વિસ્તારમાં આવેલી છે. હુન્ઝા ખીણની હિસ્પાર અને બાટુરા હિમનદીઓ 58થી 61 કિમી.ની લંબાઈવાળી છે. જ્યારે સિંધુ નદીની શિગર શાખાની બિયાફો અને બાલ્ટોરા હિમનદીઓની લંબાઈ આશરે 60 કિમી.ની છે. સિયાચીન હિમનદીની લંબાઈ 72 કિમી. જેટલી છે. આ પ્રકારની મહાકાય હિમનદીઓના બરફની જાડાઈ 120 મીટરથી માંડીને 550 મીટર સુધીની હોય છે.

વ્રિજવિહારી દીનાનાથ દવે