ખાસી લોકો : આસામની ખાસી ટેકરીઓના વિસ્તારમાં વસતી માતૃમૂલક જનજાતિ. મ્યાનમારમાંથી આવેલા આ લોકો માગોલૉઇડ જનજાતિ પ્રકારના છે. તેમની ચામડીનો રંગ કાળા સાથે પીળો છે. તેમની ગરદન ટૂંકી, નાક બેઠેલું, ચપટું, આંખ ઝીણી અને ગાલનાં હાડકાં ઊપસેલાં હોય છે. તેમનાં શરીર હૃષ્ટપુષ્ટ પણ ઠીંગણાં હોય છે. સ્ત્રી અને પુરુષો બંને લાંબા વાળ રાખે છે પણ ગરીબ લોકો મુંડન કરાવે છે. તેમની ભાષા ઑસ્ટ્રો-એશિયાટિક કુળની મોન-ખ્મેર ભાષા છે.

તે મુખ્યત્વે ખેતી અને ચાના બગીચાઓમાં મજૂરી કરે છે. જંગલની જમીન બાળીને સાફ કરી ખેતી કરે છે. બે-એક વરસ બાદ કસ ઘટી જતાં નવી જમીન પસંદ કરે છે. આ પ્રકારની ખેતીને ઝૂમિંગ કહે છે. આ પ્રથાનાં વિનાશકારક પરિણામ જોઈને હવે લોકોએ તે પદ્ધતિનો ત્યાગ કરેલ છે. ખેતીમાં ભારે વરસાદને કારણે ડાંગર, શેરડી, સોપારી, પાન વગેરેનું વાવેતર થાય છે. ટેકરીના ઢોળાવો ઉપર ચાનું વાવેતર થાય છે. ખીણપ્રદેશમાં ઓક, ચીડ વગેરેનાં ગીચ જંગલો છે.

માતૃમૂલક કુળપ્રથા હોવાને કારણે સંતાનો ઉપર માતાનો અધિકાર છે. સંતાન પાછળ માતાનું નામ લગાડાય છે.

લગ્ન પહેલાંની પુરુષની કમાણી માતાના પરિવારની ગણાય છે પણ લગ્ન બાદ તે પત્નીના પરિવારની ગણાય છે. સંયુક્ત પરિવારની સંભાળ નાની પુત્રી કરે છે પણ શિલાગ કે અન્યત્ર બહાર નોકરી કે વેપાર કરતા લોકો તેમની અલગ વ્યવસ્થા કરે છે. ખ્રિસ્તી ધર્મની અસરથી આમ બન્યું છે. વંશપરંપરાગત પ્રાપ્ત મિલકત વેચી શકાતી નથી.

તેમના રાજવંશી, પુરોહિત, મંત્રી તથા સામાન્ય લોકો એવા ચાર વિભાગો છે. કુટુંબમાં સ્ત્રીનું સર્વોચ્ચ સ્થાન હોય છે. તે પોતાના પુત્ર અને ભાણેજ મારફત ઘરનો વહીવટ સંભાળે છે. ખ્રિસ્તી ધર્મ પાળનારાઓમાં આ પ્રથા નથી.

તેઓ સ્થાનિક દેવતાઓની પૂજા કરે છે. હિંદુ ધર્મની અસર નીચે શંકર અને કાલીની પણ ઉપાસના કરે છે. ધર્મ ભિન્ન હોવા છતાં તેઓ એક પરિવારના સભ્ય તરીકે શાંતિથી રહે છે. રોગનિવારણ માટે ઔષધિઓને બદલે સંબંધિત દેવતાને બલિ દ્વારા પ્રસન્ન કરાય છે.

શિવપ્રસાદ રાજગોર