ખાલિદ બિન વલીદ (જ. 592, મક્કા; અ. 642 મદીના) : મહમદ પયગંબરના સાથી અને સરસેનાપતિ. તેમનું પૂરું નામ ખાલિદ બિન વલીદ બિન મુગીરા અલ્ મખ્ઝૂમી અલ્ કરશી હતું. તેમના પિતા અલ્ વલીદ મક્કા શહેરના એક ધનવાન નબીરા અને સરદાર હતા. કુરેશ લોકોની લશ્કરી આગેવાની ખાલિદના કુટુંબ મખ્ઝૂમના હાથમાં હતી.

તેમનો ઇલકાબ ‘સૈફુલ્લાહ’ (અલ્લાહની તલવાર) હતો. એક સેનાપતિ અને સૈનિક તરીકે ખાલિદે પયગંબરસાહેબ પછીના પ્રથમ બે ખલીફા હજરત અબુબક્ર અને હજરત ઉમરના સમયમાં રોમન અને ઈરાની સામ્રાજ્યો સામે વિજય પ્રાપ્ત કર્યા. યુદ્ધની વ્યૂહરચના અને લડાઈઓમાં એમનાં પરાક્રમો અને શૂરવીરતા અવિસ્મરણીય બન્યાં. પરાજયને વિજયમાં ફેરવી નાખવાની રણસંગ્રામની કળામાં તેઓ ખૂબ પારંગત હતા, તેથી જગતના નામાંકિત નીડર સરસેનાપતિઓમાં ખાલિદ બિન વલીદનું નામ ગણનાપાત્ર છે. માનવબુદ્ધિને આશ્ચર્યચકિત કરી દે એ રીતે ઇસ્લામ ધર્મનો દિગ્વિજય થયો તે ખાલિદ બિન વલીદની લશ્કરી કાર્યકુશળતાના પ્રતાપે શક્ય બન્યો હતો.

મહેમૂદહુસેન મોહંમદહુસેન શેખ