ખાપર્ડે, ગણેશ શ્રીકૃષ્ણ (દાદાસાહેબ)
January, 2010
ખાપર્ડે, ગણેશ શ્રીકૃષ્ણ (દાદાસાહેબ) : (જ. 27 ઑગસ્ટ 1854, ઇંગોલી, વરાડ; અ. 1 જુલાઈ 1938, અમરાવતી) : અગ્રણી રાજદ્વારી નેતા. પિતા શ્રીકૃષ્ણ વરાડમાં સરકારી નોકરીમાં હતા. શરૂઆતનું શિક્ષણ નાગપુર, અમરાવતી અને અકોલા ખાતે. 1872માં મૅટ્રિક, 1877માં મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી બી.એ. 1877-78 દરમિયાન કૉલેજમાં ફેલો. 1884માં એલએલ.બી. 1885-90 દરમિયાન વરાડ પ્રાંતમાં વધારાના મદદનીશ કમિશનર તરીકે સરકારી નોકરી કરી. 1890માં અમરાવતી ખાતે વકીલાત શરૂ કરી. 1898માં લોકમાન્ય ટિળકના સંપર્કમાં આવ્યા. તે અરસામાં જાણીતા બનેલા તાઈ મહારાજ દત્તક કેસમાં ટિળક અને ખાપર્ડેએ પ્રિવી કાઉન્સિલ સુધી લડત આપી અને અંતે વિજયી બન્યા.
ઓગણીસમી સદીના છેલ્લા દાયકામાં તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો. તેઓ કૉંગ્રેસના જહાલ (extremist) જૂથના સભ્ય હતા. 1897માં અમરાવતી ખાતે આયોજિત કૉંગ્રેસ પક્ષના અધિવેશનની સ્વાગત સમિતિના તેઓ અધ્યક્ષ હતા. તેમણે કવિ નર્મદ પાસેથી ગુજરાતી શીખીને ભાષા પર પ્રભુત્વ મેળવેલું. 1907માં સૂરત ખાતે યોજાયેલ કૉંગ્રેસ અધિવેશન પૂર્વે લોકમાન્ય ટિળકે તેમને નૅશનલિસ્ટ પક્ષના પ્રચારાર્થે ગુજરાતના પ્રવાસે મોકલ્યા હતા. સૂરત કૉંગ્રેસની કાર્યવહીમાં તેમણે સક્રિય ભાગ લીધેલો. 1908-10ના ગાળા દરમિયાન તેઓ પ્રિવી કાઉન્સિલ સમક્ષ ટિળકની તરફેણમાં મુકદ્દમો ચલાવવા માટે ઇંગ્લૅન્ડ રહ્યા. ઇંગ્લૅન્ડની ઉમરાવસભા સમક્ષ પણ તેમણે ટિળકને મુક્ત કરાવવા માટે પ્રયત્ન કર્યો, પણ તેમાં તેમને સફળતા મળી નહિ. બંધારણીય સુધારા અંગે વાઇસરૉય સમક્ષ રજૂઆત કરવા માટે 1917માં કૉંગ્રેસ પક્ષે મોકલેલ પ્રતિનિધિમંડળના તેઓ સભ્ય હતા. 1919-20 દરમિયાન ટિળક સાથે તેઓ કૉંગ્રેસ વતી ભારતનો કેસ સંયુક્ત સંસદીય સમિતિ સમક્ષ રજૂ કરવા ઇંગ્લૅન્ડ ગયા હતા. 1920-25 દરમિયાન તેઓ કેન્દ્રીય વિધાનસભાના સભ્ય રહ્યા. તે પૂર્વે તેમણે કૉંગ્રેસમાંથી રાજીનામું આપેલું.
1891-1907 દરમિયાન તેઓ અમરાવતી નગરપાલિકાના ઉપપ્રમુખ તથા પ્રમુખ હતા. 1890–1907 દરમિયાન અમરાવતી જિલ્લા પરિષદના પ્રમુખ હતા. 1896ના દુકાળમાં અને 1903ના પ્લેગમાં તેમણે રાહત કામગીરીનું ઉત્કૃષ્ટ આયોજન કર્યું હતું. તેઓ સામાજિક સુધારણા અને અસ્પૃશ્યતાનિવારણના હિમાયતી હતા. ડૉ. ઍની બેસન્ટના તેઓ સક્રિય અનુયાયી હતા.
1930થી તેમણે વ્યાવસાયિક તથા જાહેર જીવનમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે