ખાનગી આંતરરાષ્ટ્રીય કાયદો
January, 2010
ખાનગી આંતરરાષ્ટ્રીય કાયદો (વિધિસંઘર્ષ) : કોઈ પણ દેશે વ્યક્તિઓના પરદેશી તત્વવાળા વાદગ્રસ્ત પ્રશ્નોના ઉકેલ માટે સ્વીકારેલા નિયમોનો સમૂહ. દરેક નાગરિકના વ્યવહારો પોતાના દેશના કાયદાને અધીન હોય છે; પરંતુ જ્યારે જુદા જુદા દેશના માણસો પરસ્પર વેપાર કે અન્ય વ્યવહારો કરે ત્યારે તે ‘પરદેશી તત્વ’વાળા વ્યવહારો ગણાય છે અને તેમને કયા દેશનો કાયદો લાગુ પડશે તે નક્કી કરવું પડે છે. આવા વ્યવહારો માટે બે અથવા તેનાં કરતાં વધારે દેશોના કાયદામાં વ્યાખ્યાઓ અને ઉપાયો (conflicts of laws) હોય ત્યારે તેને ‘કાનૂની સંઘર્ષ’ની ભિન્નતા કહેવામાં આવે છે. આવા પરદેશી તત્વવાળા કેસમાં પોતાના કે બીજા દેશનો કાયદો લાગુ પાડવાના નિયમને વિધિસંઘર્ષનો નિયમ કહેવામાં આવે છે. તેથી જાહેર આંતરરાષ્ટ્રીય કાયદો વિશ્વનાં તમામ રાષ્ટ્રોને સરખી રીતે લાગુ પડતો વિભિન્ન રાષ્ટ્રોના સંબંધોને લગતો કાયદો છે, જ્યારે ખાનગી આંતરરાષ્ટ્રીય કાયદો દરેક દેશે પરદેશી તત્વવાળી વ્યક્તિઓને લાગુ પડતા પોતે સ્વીકારેલા નિયમોનો સમૂહ છે. તેથી તે રાજ્યના કાયદાની જ એક શાખા ગણાય છે.
ઇતિહાસ અને વિકાસ : પુરાણકાળથી એક દેશના નાગરિકો બીજા દેશના નાગરિકો સાથે સંબંધો ધરાવતા રહ્યા છે. સમયાંતરે દરેક રાજ્યે તેમને પરસ્પર સહકાર અને ન્યાયની ભાવનાથી કાયદેસર રીતે સ્વીકાર્ય ગણ્યા છે. ભારતના નાગરિકો શ્રીલંકા, જાવા, આફ્રિકા વગેરે સાથે લગ્ન અને વેપારના વ્યવહારો કરતા અને તે રાજ્યમાન્ય ગણાતા.
મધ્યયુગમાં યુરોપનાં રાજ્યોએ પણ આવા વ્યવહારો સ્વીકારવા માટે પોતાના નિયમો બનાવ્યા હતા. મુસ્લિમ શાસનમાં બંને પક્ષકારો કે બેમાંનો એક મુસ્લિમ હોય તો શરિયત મુજબ ન્યાય કરાતો, જ્યારે બંને બિનમુસ્લિમ હોય ત્યારે તેમના રૂઢિગત કાયદા ધ્યાનમાં લેવાતા. અંગ્રેજોએ શરૂઆતમાં પોતાના જ કાયદા હિંદુસ્તાનમાં અમલમાં મૂકેલા, જેનું અતિ અન્યાયી ર્દષ્ટાંત રાજા નંદકુમારને અપાયેલી ફાંસી છે. ત્યારબાદ તેમણે ભારતમાં જે તે સમયે પ્રવર્તમાન અંગત રૂઢિઓને માન્યતા આપી.
વિધિસંઘર્ષનો વિકાસ મુખ્યત્વે યુરોપમાં થયો. ચૌદમી સદીમાં બાર્ટોલસ દ સેક્સોફેરાટો નામના લેખકે ‘સ્થાપિત કાનૂન’નો સિદ્ધાંત આપ્યો. તેમાં વાદસંબંધિત જુદા જુદા દેશોના કાયદા તપાસી ન્યાય અને સમાનતાની ર્દષ્ટિએ જે પદ્ધતિ યોગ્ય જણાય તે પ્રમાણે નિર્ણય કરવાનું જણાવ્યું; પરંતુ સ્થાવર મિલકતની બાબતમાં જે દેશમાં તે સ્થિત હોય ત્યાંનો કાયદો લાગુ પડે અને જંગમ મિલકત અને અન્ય વ્યવહારો માટે નાગરિકત્વવાળા દેશનો કાયદો લાગુ પડે. સમયાંતરે જંગમ મિલકત તેમજ અંગત વ્યવહારો માટે અધિવાસનો કાયદો સ્વીકારાયો. ત્યારબાદ કુમોલીન દ’ આર્જેન્ત્રે, સેવીનો, સ્ટોરી, નાન્સીની, ડાઈસી, વેસ્ટલેક અને ચેશાયર જેવા કાયદાશાસ્ત્રીઓએ વિધિસંઘર્ષના નિયમોનું ઘણું સંશોધન કર્યું છે. ભારતે બ્રિટિશ ન્યાયપદ્ધતિ અપનાવી હોઈ ત્યાંના વિધિસંઘર્ષોના નિયમોનું જ મોટે ભાગે અનુસરણ કર્યું છે.
વિધિસંઘર્ષના સિદ્ધાંતો અને કાર્યપદ્ધતિ : પરદેશી તત્વવાળા વાદમાં ત્રણ પ્રશ્નો હોય છે : (1) હકૂમતની પસંદગી, (2) કાયદાની પસંદગી અને (3) પરદેશની અદાલતના ચુકાદાનો સ્વીકાર અને અમલ. પહેલાં અદાલત વાદગ્રસ્ત પ્રશ્નનો નિકાલ કરવાની પોતાને હકૂમત છે કે નહિ તે જુએ. જો હોય તો કયા રાજ્યનો કાયદો લાગુ પાડવો તે નક્કી કરે. જો પરદેશની અદાલતના હુકમનામાનો અમલ કરવાની અરજી હોય તો તે અદાલતને વાદગ્રસ્ત પ્રશ્ન માટેની હકૂમત હતી તેમ જણાય તો જ તેનો અમલ કરાવે છે; તેમાંય છળથી મેળવેલ હુકમનામાનો અમલ નહિ કરાવે.
જુદા જુદા દેશોની અદાલતો વિધિસંઘર્ષના જુદા જુદા સિદ્ધાંતોનો સમન્વય કરીને પરદેશી તત્વવાળા પ્રશ્નો ઉકેલે છે. ડાઈસીના મતે અંગ્રેજી અદાલતો ‘પ્રાદેશિક અને સ્થાપિત અધિકાર’નો સિદ્ધાંત અપનાવે છે. તે મુજબ દેશની અદાલતો દેશના જ કાયદાનો અમલ બધી બાબતોમાં કરે છે. પરદેશી કાનૂન મુજબ નિકાલ કરવાનો અર્થ એ નહિ કે તે પરદેશી કાયદાને અધીન છે, પણ તે ફક્ત પરદેશમાં સ્થાપિત થયેલા અધિકારો સ્વીકારે છે. પ્રાધ્યાપક કૂકના ‘સ્થાનિક કાયદા’ના સિદ્ધાંત મુજબ કોઈ પણ અદાલત પરદેશી અધિકારોનો અમલ કરાવતી નથી; પરંતુ તે સરળતા અને સગવડ ખાતર પોતાના દેશના કાનૂની સંઘર્ષના નિયમો અનુસાર પરદેશી કાયદાની મદદ લઈ ન્યાય આપે છે.
કોઈ પણ પરદેશી તત્વ ધરાવતા વાદમાં વાદના કારણ બાબતે પોતાને હકૂમત હોય તો અદાલત તેની હકીકતો તપાસે છે અને તે કાયદાની કઈ વ્યાખ્યા બંધ બેસે છે તે જુએ છે. યુરોપની મિલકતનું ભારતમાં ટ્રસ્ટ કર્યું હોય તો તેને ‘ટ્રસ્ટ’ ગણવું કે ‘મિલકતની ફેરબદલી’ ગણવી તે પહેલાં નક્કી કરવું પડે, કેમ કે યુરોપમાં ટ્રસ્ટ બનાવવામાં આવતાં નથી; તેથી તેની કોઈ વ્યાખ્યા નથી. ત્યારબાદ વિવાદી પ્રશ્નનો કયા કાયદા મુજબ નિર્ણય કરવો તે જોવાય છે; દા.ત., રી કોર્વિન ટ્રસ્ટ કેસમાં રશિયન અધિવાસ ધરાવતા અંગ્રેજ નાગરિકે મરણ વખતે જંગમ મિલકત બક્ષિસ કરી. ઇંગ્લિશ કાયદા મુજબ તે મરણોન્મુખ બક્ષિસ હતી પણ અધિવાસના રશિયન કાનૂન મુજબ તે વારસો ગણાય. કોર્ટે અંગ્રેજી વ્યાખ્યા સ્વીકારી મિલકત ઇંગ્લૅન્ડમાં હોવાથી તેને મિલકતની બક્ષિસ ઠરાવી.
પ્રતિપ્રેષણ (renvoi) : ઉપર મુજબ હકીકતોને કાયદાની વ્યાખ્યામાં સમાવ્યા બાદ જ્યારે બીજા દેશનો કાયદો લાગુ પાડવાનું નક્કી કરવામાં આવે ત્યારે બીજા દેશની અદાલત તેમાં શું કરશે તે નક્કી કરવું પડે. ફોર્ગોના કેસમાં ફ્રાન્સમાં રહેતો બેવેરિયાનો અનૌરસ બાળક ફ્રાન્સમાં જંગમ મિલકત મૂકી મરણ પામ્યો. ફ્રાન્સના અધિવાસના વિધિસંઘર્ષના નિયમ મુજબ આમાં નાગરિકત્વના દેશ બેવેરિયાનો કાયદો લાગે, પણ બેવેરિયાના એવા જ એક નિયમ મુજબ તેને અધિવાસનો કાયદો લાગે એટલે જાણે કેસ બેવેરિયા ગયો હોય અને બેવેરિયાની કોર્ટે તેને પાછો મોકલ્યો હોય એમ ગણાય. હવે જો ફ્રાન્સની અદાલત ફરી બેવેરિયાનો આંતરિક કાયદો લગાડે તો તે પૂર્ણ પ્રતિપ્રેષણ કહેવાય. આનો અંત આણવા ફ્રાન્સે આંશિક પ્રતિપ્રેષણનો સિદ્ધાંત સ્વીકારી પોતાના દેશના કાયદા પ્રમાણે મિલકત રાજ્યને સોંપી.
અધિવાસ : ‘વિધિસંઘર્ષ’ના ઘણાખરા કેસોમાં અધિવાસ નક્કી કરવો પડે છે. કોઈ વ્યક્તિ કાયમ રહેવાના ઇરાદા સાથે બીજા દેશમાં વસે તો તેને ત્યાંનો અધિવાસ મળે. સામાન્ય રીતે અંગત દરજ્જા(status)ના અને વારસાઈના પ્રશ્નોનો અધિવાસના કાયદા પ્રમાણે નિકાલ થાય છે. અધિવાસ ત્રણ પ્રકારનો છે : (1) જન્મનો, (2) પસંદગીનો અને (3) કાયદા અન્વયે. પોતાના દેશનો જન્મનો અધિકાર બીજા દેશમાં કાયમી વસવાટ કરવાથી પસંદગીના અધિવાસમાં ફેરવાય છે. જ્યારે કાયદાથી બાળકને પિતાનો અને પત્નીને પતિનો અધિવાસ મળે છે. અનૌરસ બાળકને માતાનો અધિવાસ મળે છે. લૉઇડ ઇવાન્સના કેસમાં બેલ્જિયમનો અધિવાસી અંગ્રેજ નાગરિક બીજા વિશ્વયુદ્ધ(1939–45)માં નાસીને ઇંગ્લૅન્ડ આવી મરણ પામ્યો. તેની વસિયત(property)નું નિરાકરણ અધિવાસના બેલ્જિયમના કાયદા અનુસાર થયું કેમ કે તેણે સ્વૈચ્છિક રીતે ઇંગ્લૅન્ડનો અધિવાસ મેળવ્યો નહોતો. સંસ્થા કે નિગમનો અધિવાસ જ્યાં તેની સ્થાપના થઈ હોય ત્યાંનો ગણાય છે.
લગ્ન અને લગ્નવિષયક હકો : આમાં લગ્નની ઔપચારિકતા અને તાત્વિક વાસ્તવિકતા એમ બે પ્રશ્નો હલ કરવાના હોય છે. જ્યાં લગ્ન થયું હોય ત્યાંની ઔપચારિકતાનું અને જ્યાંનો અધિવાસ હોય ત્યાંના કાનૂન મુજબ તાત્વિક કાયદેસરપણું નક્કી કરાય છે. મહેતા વિ. મહેતાના કેસમાં ઇંગ્લૅન્ડની અધિવાસી સ્ત્રીએ મુંબઈના એક હિંદુ સાથે આર્યસમાજી વિધિથી લગ્ન કર્યા બાદ ઇંગ્લૅન્ડ જઈ પોતે તે વિધિ લગ્નની હતી તેમ સમજી નહોતી તે કારણસર લગ્ન ફોક કરાવવાની અરજી કરી. અદાલતે લગ્ન એકપત્નીત્વવાળા ખ્રિસ્તી લગ્ન જેવું ગણી માન્ય રાખ્યું, પરંતુ તેનો અધિવાસ સ્વૈચ્છિક રીતે બદલાયો નથી એમ ગણી ઇંગ્લૅન્ડના અધિવાસના કાનૂન મુજબ નિરર્થક ઠરાવ્યું.
કરાર : કરારના પ્રશ્નોમાં તેનો યોગ્ય કાનૂન ‘ઇરાદાના સિદ્ધાંત’ મુજબ નક્કી થાય છે. કરારમાં પક્ષકારોએ જે કાયદો સ્વીકાર્યો હોય તે મુજબ ચુકાદો અપાય; પરંતુ તેમાં ‘સૌથી વધુ વાસ્તવિક સંબંધ’નો સિદ્ધાંત ઉમેરાયો છે. વીટા ફૂડ પ્રોડક્ટ્સના કેસમાં ન્યૂ ફાઉન્ડલૅન્ડના વેપારીએ કૅનેડાના વહાણમાં માલ ભરીને ન્યૂયૉર્ક ઉતારવાનો હતો. કરારમાં પક્ષકારોએ ઇંગ્લિશ કાયદો સ્વીકાર્યો હતો. પ્રિવી કાઉન્સિલે આમાં ‘ઇરાદાના સિદ્ધાંત’ મુજબ ચુકાદો આપ્યો; પરંતુ કરારમાં ક્યાંય ઇંગ્લૅન્ડને સંબંધ ન હોવાથી તેની ઉગ્ર ટીકા થઈ. હવે કરારનો વાસ્તવિક સંબંધ જોવાય છે.
વિદેશી અપકૃત્ય (tort) : પરદેશમાં થયેલા અપકૃત્યમાં મુખ્ય બે હકીકત જોવાય છે : (1) અદાલતના કાયદા મુજબ તે અપકૃત્ય ગણાવું જોઈએ અને (2) જે દેશમાં તે થયું હોય ત્યાં તે કૃત્ય અન્યાયી હોવું જોઈએ, પછી ભલે તે ત્યાં અપકૃત્યની વ્યાખ્યામાં ન આવે. મચાડો વિ. ફોન્ટેસના કેસમાં બ્રાઝિલમાં થયેલી બદનક્ષી માટે બ્રિટનમાં થયેલા નુકસાનીના દાવામાં તે ઇંગ્લૅન્ડમાં અપકૃત્ય ગણાતું હોઈ અને બ્રાઝિલમાં ફોજદારી ગુનો ગણાતું હોઈ નુકસાની આપવામાં આવી.
મર્યાદા : અદાલતો સામાન્ય રીતે પોતાના દેશની જાહેર વ્યવહારનીતિ કે ન્યાય અને આદર્શો વિરુદ્ધના અને પરદેશના દંડાત્મક કે મહેસૂલી કાનૂનો પર આધારિત દાવા સ્વીકારતી નથી.
છોટાલાલ છગનલાલ ત્રિવેદી