ખાડિલકર, રામકૃષ્ણ રઘુનાથ (જ. 1914 કાશી અ. 1960 લખનૌ) : સંપાદક, પત્રકાર, લેખક. બી.એસસી. થયા પછી દૈનિક- ‘આજ’ના સંપાદન વિભાગમાં જોડાયા, થોડો વખત દૈનિક- ‘સંસાર’ના સહસંપાદક તરીકે સેવાઓ આપી, પરંતુ ત્યાર બાદ આજના સહસંપાદક તરીકે અને 1956થી 1959 મુખ્ય સંપાદક તરીકે સેવાઓ આપતા રહ્યા. દરમિયાનમાં જ્ઞાનમંડલ, લિમિટેક, બનારસના બોર્ડ ઑફ ડાયરેક્ટર્સના ચૅરમૅન તરીકે રહ્યા. એમણે એક વાર હોલૅન્ડની અને બીજી રશિયાની વિદેશયાત્રા કરી હતી. એમની કૃતિઓ આ મુજબ છે : ‘પરમાણુબૉંબ’, ‘હાઇડ્રોજન બૉંબ’, ‘આધુનિક પત્રકારકલા’, ‘હોલૅન્ડમેં 25 દિન’, ‘कलकी दुनिया’, ‘ગાંધી હત્યાકાંડ’, ‘દો સિપાહી’, ‘રેડિયો’ અને ‘બદલતે રૂસમેં’ ઉત્તરપ્રદેશ સરકારે તેમને વિજ્ઞાનને લગતાં પુસ્તકોના સંપાદનની કામગીરી સોંપી હતી. એમના ‘આધુનિક પત્રકારકલા’ પુસ્તકને બિહાર રાષ્ટ્રભાષા પરિષદે પુરસ્કારથી નવાજ્યું હતું.
પ્રવીણચંદ્ર પરીખ