ખાડિલકર, રોહિણી નીલકંઠ

January, 2010

ખાડિલકર, રોહિણી નીલકંઠ (જ. 1 એપ્રિલ 1963, મુંબઈ) : ચેસની રમતમાં આંતરરાષ્ટ્રીય નામના મેળવનારાં ભારતનાં મહિલા ખેલાડી.

રોહિણી નીલકંઠ ખાડિલકર

ભારતનાં મહિલા ચેસ-ખેલાડીઓમાં ખાડિલકર બહેનો – વાસંતી, જયશ્રી અને રોહિણી-નું મહત્વનું યોગદાન રહ્યું છે. આ બહેનોને એમના પિતા તરફથી ખૂબ પ્રોત્સાહન મળ્યું. સહુથી નાની રોહિણીએ 11 વર્ષની વયે મુંબઈમાં રમાયેલી પેટીટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. 1976માં 13 વર્ષની વયે રાષ્ટ્રીય વિજેતાપદ. સતત ત્રણ વર્ષ સુધી  વિજેતાપદ જાળવી રાખ્યું. 1977માં મહારાષ્ટ્ર સ્ટેટ સ્પૉર્ટ્સ કાઉન્સિલનો છત્રપતિ ઍવૉર્ડ મળ્યો. 1979માં આર્જેન્ટિનામાં યોજાયેલી ચેસ-સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. 1980માં એશિયાનાં શ્રેષ્ઠ મહિલા ચેસ-ખેલાડી અને 1981માં ફરી વાર રાષ્ટ્રીય ચેસ-ચૅમ્પિયન બન્યાં. 1983માં કુઆલાલુમ્પુરમાં એશિયન ચૅમ્પિયનશિપ મેળવી. 1984માં અર્જુન ઍવૉર્ડ મળ્યો. 1985માં દુબઈમાં એશિયન ઝોનલ ટુર્નામેન્ટમાં વિજેતા બન્યાં. ભારતના રવિ શેખર અને અબ્દુલ જબર જેવા પુરુષ ખેલાડીઓને રોહિણીએ હરાવ્યા છે. અત્યંત સ્વસ્થતાથી કિંતુ સાહસભેર શેતરંજના દાવ ખેલતી રોહિણીનો ચેસની વિશ્વપ્રસિદ્ધ સંસ્થા એફ.આઈ.ડી.ઈ. તરફથી જાહેર કરાયેલી વિશ્વની મહિલા ખેલાડીઓની ટીમમાં સમાવેશ કરાયો હતો.

કુમારપાળ દેસાઈ