ખાંસી : શ્વસનમાર્ગમાંનો કચરો, પ્રવાહી, અતિશય સ્રાવ, પરુ કે બાહ્ય પદાર્થને દૂર કરવા માટેની સ્વૈચ્છિક કે પ્રતિવર્તી (reflex) સુરક્ષાલક્ષી ક્રિયા. તેને ઉધરસ (ઉત્કાસ, cough) પણ કહે છે. માણસની શ્વસનનલિકાઓમાં થોડા પ્રમાણમાં સ્રાવ (secretion) થાય છે જે શ્વસનમાર્ગમાંની કશા(cilia)ના હલનચલન વડે ઉપર તરફ ધકેલાય છે અને ગળામાં આવે ત્યારે અજાણપણે તેને ગળી જવામાં આવે છે. શ્વસનમાર્ગમાંનો સ્રાવ વધે તો તેને દૂર કરવા ખાંસી ઉત્પન્ન થાય છે. ખાંસીને રોગનું લક્ષણ (symptom) માનવામાં આવે છે અને તે દર્દીઓ દ્વારા જણાવાતી તકલીફોમાં બીજા ક્રમે આવે છે.

ક્રિયા-પ્રવિધિ (mechanism of action) : તે સ્વૈચ્છિક કે પ્રતિવર્તી ક્રિયા છે. નાક, ગળું, સ્વરપેટી, શ્વાસનળી (trachea) અને મોટી શ્વસનનલિકાઓ(bronchi)ના અંદરના આવરણમાં ચેતા(nerves)ના સંવેદનશીલ સ્વીકારકો (receptors) આવેલા છે. અતિશય સ્રાવ અથવા બાહ્ય પદાર્થ તેમને ઉત્તેજિત કરે ત્યારે વિવિધ ચેતાઓ દ્વારા સંવેદના-આવેગો (sensory impulses) મગજ સુધી પહોંચે છે. મગજ કર્પરીચેતા (cranial nerve) કે કરોડરજ્જુની ચેતા દ્વારા સ્વરપેટી, ઉરોદરપટલ (diaphragm) અને છાતીના શ્વાસોચ્છવાસના સ્નાયુઓને સંદેશો પહોંચાડે છે. તેને કારણે ચોક્કસ ક્રમમાં કેટલીક ક્રિયાઓ થાય છે. સૌપ્રથમ વ્યક્તિ ઊંડો શ્વાસ લે છે. ત્યાર બાદ સ્વરપેટીનું છિદ્ર બંધ થાય છે, ઉરોદરપટલ શિથિલ (relax) થાય છે અને ઉચ્છવાસ બહાર કાઢવાના સ્નાયુઓ સંકોચાય છે. તેને કારણે છાતીમાં દબાણ વધીને પારાના 100થી 300 મિમી. જેટલું થાય છે. આ સમયે સ્વરપેટીનું છિદ્ર એકદમ ખૂલે છે અને ફેફસાંમાંની હવા જોરથી બહાર નીકળે છે. તે સમયે અવાજ ઉત્પન્ન થાય છે. શ્વાસની મોટી નળીઓની પાછળની દીવાલ તેના પોલાણમાં ધકેલાય છે. પોલાણ નાનું થાય ત્યારે એમાં પસાર થતો હવાનો રૈખિક (linear) પ્રવાહ ઝડપી બને છે. તેને કારણે ઉન્મૂલન બળ (shearing force) ઉત્પન્ન થાય છે જે દીવાલ સાથે ચોંટેલો ચીકણો સ્રાવ અને બાહ્ય પદાર્થના કણોને છૂટા પાડે છે. ચીકણો સ્રાવ અને કણો હવાના વેગવાન પ્રવાહ સાથે બહાર ફેંકાય છે. તેને ગળફો (sputum) કહે છે. નીચલા શ્વસનમાર્ગના સ્રાવનું પ્રમાણ વધે, તે ચીકણું હોય કે તેને દૂર કરવાની પ્રક્રિયામાં અવરોધ હોય ત્યારે તે ફેફસાંમાં જમા થાય છે. તેને કફ કહે છે. ગળફો બહાર નીકળવાની ક્રિયાને કફોત્સાર (expectoration) કહે છે. કફ જમા થવાની ક્રિયા ઉગ્ર (acute) કે દીર્ઘકાલી (chronic) શોથ સૂચવે છે. શોથ (inflammation) બાહ્ય પદાર્થ કે ચેપ (infection) સામે ઉદભવતો પેશીનો સ્થાનિક પ્રતિભાવ છે. તેને કારણે ત્યાં લોહીનું પરિભ્રમણ વધે છે, લોહીના કોષો અને પ્રતિકારક પ્રોટીન-દ્રવ્યો જમા થાય છે અને તે ભાગ લાલ અને ગરમ થઈ સૂજી જાય છે. આ પ્રક્રિયાને શોથ કહે છે. બેભાન દર્દીમાં, શ્વસનલક્ષી સ્નાયુના લકવા પછી કે શ્વસનમાર્ગમાં નળી મૂકવાથી ખાંસી ખાવામાં તકલીફ પડે છે અને કફ જમા થાય છે. તેને કારણે ફેફસાંનો તે ભાગ-વાતવિહીન થાય છે અને દબાઈ જાય છે. તેને નિર્વાતાસ્ફારણ (atelectasis) કહે છે. તેમાં ચેપ પણ લાગે છે. ક્યારેક ગળફામાં લોહી આવે છે. જેને રુધિરોત્સાર (haemoptysis) કહે છે.

શ્વસનમાર્ગમાં ભૌતિક, રાસાયણિક, દાહજન્ય (thermal) કે શોથજન્ય ચચરાટ કે સંક્ષોભન (irritation) થાય ત્યારે ચેતાના સંવેદનશીલ સ્વીકારકો ઉત્તેજિત થાય છે. પ્રતિવર્તી ક્રિયા રૂપે ખાંસી આવે છે. આ સ્થિતિમાં શ્વસનમાર્ગમાં કફ હોતો નથી માટે સૂકી ખાંસી આવે છે. કેટલીક વ્યક્તિઓમાં આ સ્વીકારકો અતિસંવેદિત (hypersensitive) થયા હોય છે અને તેને કારણે નજીવી ઉત્તેજના(stimulus)ની હાજરીમાં પણ લાંબા સમય સુધી સૂકી ખાંસી આવે છે. રાત્રિ દરમિયાન વારંવાર આવતી આવી ખાંસી દમ કે ઍલર્જી વિકારનું સૂચક લક્ષણ છે. એન્જિયોટેન્સિન કન્વર્ટિંગ એન્ઝાઇમ(ACE)ના નિગ્રહકો (inhibitors) પ્રકારનાં ઔષધોની આડ અસર રૂપે લાંબા ગાળાની સૂકી ખાંસી થાય છે.

ઉટાંટિયાના દર્દીને વારંવાર જોરદાર ખાંસીના લઘુ હુમલા (paroxysms) થાય છે. લઘુ હુમલાને અંતે ઊલટી થાય છે. ક્યારેક જોરદાર ખાંસી આવવાથી છાતીમાંનું દબાણ વધે છે અને હૃદયમાં પાછા આવતા લોહીનું પ્રમાણ ઘટે છે. તેને કારણે હૃદય દ્વારા મગજને ઓછું લોહી પહોંચે છે અને તેથી જોરદાર ખાંસીના હુમલા પછી આંખે અંધારાં આવી જાય છે. તેને ખાંસીજન્ય મૂર્છા (cough syncope) કહે છે. અતિશય ખાંસીને લીધે ક્યારેક પાંસળીનું હાડકું ભાંગે છે. કરોડના મણકાનો અસ્થિભંગ (fracture) પણ ક્યારેક જોવા મળે છે. ફેફસાંના પાતળા અને ફૂલી ગયેલા વાયુપોટા (alveoli) ફાટી જાય તો ફેફસાંની આસપાસના આવરણ(pleura)માં હવા ભરાય છે. તેને વાતવક્ષ (pneumothorax) કહે છે.

કારણો : થોડા સમયની ખાંસી મોટે ભાગે નિર્દોષ હોય છે અથવા તો તે સામાન્ય ચેપ સૂચવે છે. ખાંસીનું કારણ નિશ્ચિત કરવા માટે તેનો સમયગાળો, તીવ્રતા (severity), પ્રકાર તથા તે સૂકી છે કે કફોત્સારી, કયા સમયે થાય છે તે તથા તેના ગળફાનો પ્રકાર અને તેનું પ્રમાણ જાણવામાં આવે છે. ખાંસી ઉપરાંત અન્ય કયાં લક્ષણો ઉદભવેલાં છે તે પણ જાણવામાં આવે છે.

તરતની થયેલી ઉગ્ર (acute) ખાંસી શ્વસનમાર્ગમાં ચેપ કે બાહ્ય પદાર્થથી થયેલો ચચરાટ સૂચવે છે. લાંબા ગાળાની અથવા દીર્ઘકાલી ખાંસી કેટલાક મહત્વના રોગોમાં જોવા મળે છે; દા. ત., સ્વરપેટીના રોગો, ક્રોનિક બ્રૉન્કાઇટિસ, દમ, ક્ષય, બ્રૉન્કિયેક્ટેસિસ, ફેફસાંનું ગૂમડું (abscess), ફેફસાંનું કૅન્સર વગેરે. ધૂમ્રપાન કરતી કે વધુ બોલવાનો વ્યવસાય કરતી વ્યક્તિ(દા.ત. શિક્ષક)માં સ્વરપેટી કે નીચલા શ્વસનમાર્ગનું ક્ષોભન થાય છે અને તેથી દીર્ઘકાલી ખાંસી થાય છે. લાંબા સમયની ખાંસીના પ્રકાર કે પ્રમાણમાં ફેરફાર આવે તો ફેફસાંનું કૅન્સર હોવાની શક્યતા રહે છે અને તેની નિદાનલક્ષી તપાસ કરાય છે.

શોથજન્ય ખાંસીમાં ગળફો પડે છે; દા. ત., ક્રોનિક બ્રૉન્કાઇટિસ, બ્રૉન્કિયેક્ટેસિસ, ફેફસાંનું ગૂમડું, ન્યુમોનિયા વગેરે. શ્વાસનળીના ક્ષોભનથી કર્કશ અને ધાતુ-ઘર્ષણ જેવી (brassy) ખાંસી આવે છે, જ્યારે સ્વરપેટીના રોગમાં શ્વાનસ્વરીય (barking) ખાંસી થાય છે. રાત્રે આવતી ખાંસી દમ કે ઍલર્જીજન્ય વિકારોમાં, હાથીપગો- (filariasis)ના જીવાણુના ચેપને કારણે કે હૃદયના ડાબા ક્ષેપકની નિષ્ફળતા(left ventricular failure)માં જોવા મળે છે. જમ્યા પછી આવતી ખાંસી અન્નનળી કે જઠરનો વિકાર સૂચવે છે. જ્યારે પાણી પીતાં આવતી ખાંસી અન્નનળી અને શ્વાસનળી વચ્ચે સંયોગનળી(fitula)થી જોડાણ થયેલું સૂચવે છે જે અન્નનળીના પાછલા તબક્કામાં જોવા મળે છે. ગળાના સ્નાયુના લકવામાં પણ અંતરસ જવાથી આવી તકલીફ થાય છે. ખૂબ ખાંસી પછી ઊલટીના વારંવાર થતા લઘુ હુમલા ઉટાંટિયાના બાળદર્દીમાં જોવા મળે છે. ફેફસાંમાં ખૂબ કફ જમા થયો હોય (દા. ત., બ્રૉન્કિયેક્ટેસિસ, ફેફસાંનું ગૂમડું) તો ઊઠતાં-બેસતાં, પાસું ફેરવતાં કે ઊંઘીને ઊઠ્યા પછી જોરદાર ખાંસી સાથે પુષ્કળ કફ પડે છે. ન્યુમોનિયાના દર્દીને કાટના રંગનો કફ પડે છે. જ્યારે અજારક (anaerobic) જીવાણુના ચેપને કારણે થતો કફ ગંધ મારે છે. દમ અને ક્રોનિક બ્રૉન્કાઇટિસમાં ચીકણો અને તાંતણાવાળો કફ પડે છે. હૃદયની નિષ્ફળતાવાળા દર્દીને ફેફસીશોફ (pulmonary oedema) થાય છે અને તે સમયે લોહીવાળો ફીણ જેવો કફ પડે છે. ખાંસી સાથે શ્વાસ ચઢતો હોય તો દમ અથવા ઍલર્જીનો વિકાર સૂચવે છે. (દા. ત., ઍલર્જિક બ્રૉન્કાઇટિસ, દમ) શ્વાસ અંદર લેવાની તકલીફ સ્વરપેટી, શ્વાસનળી કે મોટી શ્વસનનલિકા(bronchus)માં કૅન્સર કે બાહ્ય પદાર્થથી અવરોધ થયેલો સૂચવે છે. તે સમયે ઘરેરાટી (stridor) થાય છે. ખાંસી, કફ અને તાવ ચેપ(infection)ની હાજરી સૂચવે છે. શારીરિક તપાસ, વિવિધ નિદાનલક્ષી કસોટીઓ તથા એક્સ-રે-ચિત્રણો વડે નિદાન કરાય છે.

સારવાર : ખાંસીના મૂળ કારણની સારવાર કરવાથી તે મટે છે (દા.ત., જીવાણુજન્ય ચેપ હોય તો ઍન્ટિબાયૉટિક દવા). ધૂમ્રપાન બંધ કરવાની સલાહ અપાય છે. ચીકણા કફને દૂર કરવા ઊંડા ઊંડા શ્વાસ લેવાની, છાતી પર શેક કરવાની, તેને થાબડીને ધ્રુજારી ઉત્પન્ન કરવાની, યોગ્ય સ્થિતિમાં સૂઈને કે બેસીને કફ કાઢવાની તથા અન્ય શ્વસનક્રિયાલક્ષી કસરતો કરવાનું સૂચવાય છે. યોગ્ય પ્રમાણમાં પાણી પીવાથી કે નસ વાટે પ્રવાહી લેવાથી કફ પાતળો પડે છે અને સહેલાઈથી નીકળી જાય છે. ક્યારેક એન-એસિટાઇલ સિસ્ટિન નામની દવા આપીને કફ પાતળો કરાય છે. હાલ એરોસોલ અને નેબ્યુલાઇઝર પદ્ધતિથી શ્વસનમાર્ગમાં દવાઓ આપવાની પદ્ધતિ વિકસી છે. સૂકી ખાંસીના શમન માટે કોડિન વપરાય છે. કફોત્સારી દવાઓની ઉપયોગિતા પુરવાર કરાયેલી નથી.

નરેન્દ્ર રાવળ

શિલીન નં. શુક્લ