ખલીફા : મુસ્લિમોના ધાર્મિક અને દુન્યવી બાબતોના વડા. મહમ્મદ પયગંબરના 632માં મૃત્યુ બાદ તેમના વારસો તરીકે તેઓ મુસ્લિમ કોમની રાજકીય, દુન્યવી અને ધાર્મિક બાબતો અંગે નિર્ણાયક સત્તા ધરાવતા હતા. પ્રારંભના ખલીફાઓની ચૂંટણી થતી પણ પાછળથી આ પદ વંશપરંપરાગત બની ગયું. તેમને ધાર્મિક બાબતો અંગે અર્થઘટન કરવાની સત્તા ન હતી પણ તેઓ ધાર્મિક કાયદાના રક્ષક અને અમલકર્તા હતા. એક જ હોદ્દામાં રાજકીય અને ધાર્મિક સત્તાનું કેન્દ્રીકરણ થયું હોવાથી તેમનું વર્ચસ્ અમર્યાદ હતું.
અબુબકર પહેલા ખલીફા હતા. મહમ્મદસાહેબના મૃત્યુ પછી છૂટા પડવા માગતા લોકાના બળવાઓને તેમણે સખત હાથે દાબી દીધા. આ માટેની લડાઈઓ ‘રીડ્ડાના યુદ્ધ’ તરીકે ઓળખાય છે. 634માં અબુબકરનું મૃત્યુ થયું.
અબુબકર પછી ઉમર કોઈ જાતના વિરોધ વિના ખલીફા બન્યા. તેમના શાસન દરમિયાન રાજ્યમાં ખૂબ વધારો થયો. તેમણે સીરિયા (636), ઈરાન (637) અને ઇજિપ્ત (640) જીતી લીધાં હતાં. 644માં તેમનું મૃત્યુ થયું.
ઉમરના અનુગામીને પસંદ કરવા સમિતિ નિમાઈ હતી. ખલીફાપદ માટે છ નામો સૂચવાયાં હતાં. તે પૈકી મહમ્મદ પયગંબરના જમાઈ ઉસ્માન ખલીફા બન્યા. તેમની સામે ઇજિપ્તમાં બળવો થયો અને બસરા તથા કુફાવાળા તેમની સાથે ભળી ગયા. તેમનો વિદ્રોહ તેમણે દબાવી દીધો. ઉસ્માનના શાસનકાળ દરમિયાન ખલીફાપદ માટે વિવાદ થતાં આંતરવિગ્રહ થયો અને ઉસ્માનનું ખૂન થયું.
ઉસ્માન પછી અલી ખલીફા થયા. ઉસ્માનના અસંતુષ્ટ સગાંનું નેતૃત્વ સીરિયાના સૂબા મુઆવિય્યાહે લીધું. આ વિગ્રહનું નિર્ણાયક પરિણામ આવે તે પહેલાં અલીનું 661માં ખૂન થયું. અલીના પુત્ર હસને ખલીફાપદનો હક જતો કરતાં મુઆવિય્યાહ ખલીફા થયા.
ઉમય્યા ખિલાફત (661–750) : મુઆવિય્યાહના શાસનકાળમાં અરબસ્તાનની લાગવગ ઓછી થઈ અને સીરિયાનું મુખ્ય શહેર દમાસ્કસ ખિલાફતનું કેન્દ્ર બન્યું. આરબો વચ્ચેના ઘર્ષણના કારણે તેમની સત્તામાં ઘટાડો થયો. ધર્માન્તર કરનારને સમાન દરજ્જો ન અપાતાં તેમનો અસંતોષ વધી ગયો. અબ્બાસીઓના બળવાને કારણે 750માં આ વંશનો અંત આવ્યો. આ વંશમાં ચૌદ ખલીફા થયા હતા.
અબ્બાસી ખિલાફત (750–1258) : આ વંશના પ્રથમ ખલીફા અબુલ અબ્બાસ હતા. તેમની રાજધાની બગદાદ હતી. ઈરાનના ખોરાસાની લોકોનો તેમને સબળ ટેકો હતો. ઇસ્લામનું કેન્દ્ર સીરિયાથી ખસી ઇરાક ગયું. અબુ અબ્બાસનું 754માં મરણ થયું.
આ દરમિયાન ઉમય્યા વંશના રાજપુરુષ રહેમાને 755માં સ્પેનના કોર્ડોવા ખાતે ખલીફાપદ ગ્રહણ કર્યું. આ વંશના 20 ખલીફાઓએ 300 વર્ષ રાજ્ય કર્યું. અબ્બાસી ખલીફાઓના શાસન દરમિયાન શિયાઓનો ઇસ્માઇલી પંથ અસ્તિત્વમાં આવ્યો. 842 સુધી અબ્બાસી ખલીફાઓનું પ્રભુત્વ ટકી રહ્યું. મૉંગલોની ચડાઈને કારણે 1258માં આ વંશનો અંત આવ્યો.
ફાતિમા ખિલાફત (909–1171) : આ વંશના ખલીફા ઇજિપ્તમાં થઈ ગયા. તે મામેલુક કબીલાના હતા. આ વંશના સ્થાપક ઓબેદુલ્લા પયગંબરની પુત્રી ફાતિમાના વંશજ હોવાનો દાવો કરતા હતા; તેથી તેમનું નામ આ વંશ સાથે જોડાયેલું છે. એશિયા માઇનોરના તુર્કોએ 1516–17માં સુલેમાન પહેલાની આગેવાની નીચે ચડાઈ કરતાં તેમણે તેમની તાબેદારી 1520માં સ્વીકારી અને ઇજિપ્તની પૂતળાખિલાફતનો અંત આવ્યો.
ઑટોમન ખિલાફત (1520–1922) : આ વંશના ખલીફાઓ વિયેના સુધીનો ગ્રીસ અને બાલ્કન રાજ્યોનો પ્રદેશ કબજે કર્યો હતો. અરબસ્તાન, ઇરાક, પૅલેસ્ટાઇન અને સીરિયાનો સમગ્ર મધ્યપૂર્વનો પ્રદેશ તેમને કબજે હતો. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધ દરમિયાન ‘સિક મૅન ઑવ્ યુરોપ’ તરીકે તે ટકી રહ્યા હતા. 1914–18 દરમિયાન પ્રથમ વિશ્વયુદ્ધમાં તેમણે જર્મનીને સાથ આપ્યો હતો. ‘લૉરેન્સ ઑવ્ અરેબિયા’ તરીકે ઓળખાતા બ્રિટિશ સેનાપતિએ હુસેનઅલીનો ટેકો તથા ફ્રાન્સનો સાથ લઈને તુર્કસ્તાનને હાર આપી હતી. દરમિયાન તુર્કીમાં કમાલ આતાતુર્કે સુલતાનને પદભ્રષ્ટ કરી પ્રજાસત્તાક રાજ્યની સ્થાપના કરી. માર્ચ, 1924માં ખલીફાપદ નાબૂદ કરવામાં આવ્યું. હુસેનઅલીએ આ પદનો દાવો કર્યો. પણ ઇબ્ન સૌદે તેમને હરાવ્યા. ઇસ્લામી પરિષદો દ્વારા આ પદ પુનર્જીવિત કરવાના પ્રયત્નો થયા હતા પણ તેમાં તેમને સફળતા મળી ન હતી.
શિવપ્રસાદ રાજગોર