ખલજી વંશ : ઈ.સ. 1290માં જલાલુદ્દીન ફિરોજશાહે દિલ્હીમાં સ્થાપેલો વંશ. ખલજી લોકો હેલમંડ નદીના બંને કાંઠે વસતા હતા. મધ્ય એશિયામાંથી તેમને મૉંગલોના આક્રમણને કારણે સ્થળાંતર કરીને અફઘાનિસ્તાનમાં ખલ્જ પ્રદેશમાં વસવું પડ્યું હતું. આથી તેમનો વંશ ખલજી વંશ કહેવાયો. તેઓ મૂળ તુર્ક જાતિના હતા પણ અફઘાનિસ્તાનમાંના લાંબા વસવાટને કારણે તેમણે અફઘાન રીતરિવાજો અપનાવ્યા હતા અને તેથી તેઓ અફઘાન જાતિના છે એવી માન્યતા ભારતના લોકોની હતી. ગઝનવી અને ઘોરી વંશના સુલતાનોના તેમના પ્રદેશ ઉપરના આક્રમણને કારણે તેમણે હિંદુસ્તાનમાં સ્થળાંતર કર્યું.

જલાલુદ્દીન વૃદ્ધ, ભલો અને નિર્બળ હતો તેનો લાભ લઈ અલ્લાઉદ્દીને ગાદી પચાવી પાડી. અલ્લાઉદ્દીને ગુજરાત, માળવા, મેવાડ, મારવાડ તથા દેવગિરિ વગેરે રાજ્યો જીતી લીધાં. તેના સમયમાં પ્રથમ વાર મુસલમાનો દક્ષિણ ભારતમાં રામેશ્વર સુધી વિજયકૂચ કરી ગયા. તેનો સેનાપતિ મલેક કાફૂર તેના શાસનના અંતિમ તબક્કામાં ખૂબ પ્રબળ બની ગયો હતો. તેણે પાંચ કે છ વરસના શિહાબુદ્દીન ઉમરને ગાદીએ બેસાડ્યો, પણ તેના અમલના પાંત્રીસમા દિવસે કાફૂરનું ખૂન થયું. મુબારકને અમીરોએ પાલક તરીકે નીમ્યો. 19 એપ્રિલ, 1316ના રોજ શિહાબુદ્દીનને અંધ બનાવી, કુતુબુદ્દીન ‘મુબારકશાહ’ નામ ધારણ કરી તે ગાદીએ બેઠો. તે વ્યસની અને ક્રૂર હતો. તેના સમયમાં મારવાડ અને દેવગિરિ સ્વતંત્ર થઈ ગયાં. ગાઝી મલિકે બળવો કરી તેને મારી નાખતાં ખલજી વંશનો અંત આવ્યો.

ખલજી શાસન દરમિયાન ભારત ઉપર મૉંગલો ચઢી આવેલા તેમને હરાવવામાં આવ્યા. સુલતાનોનું રાજ્ય કન્યાકુમારી સુધી ફેલાયેલું હતું. સુપ્રસિદ્ધ કવિ અમીર ખુશરૂ ખલજી દરબારનું રત્ન હતા. તેઓ સંગીતકાર અને ઇતિહાસકાર હતા. ખલજી સુલતાનો સંગીતના ચાહક હતા. તેમના વખતમાં બંધાયેલ મકાનો હિંદુ-ઇસ્લામી સ્થાપત્યનો સમન્વય સૂચવે છે. અલાઉદ્દીને મોંઘવારી કાબૂમાં રાખવા ભાવનિયમન દાખલ કર્યું હતું. તેના સેનાપતિઓએ ગુજરાતમાં રુદ્રમાળનો તથા સોમનાથનો ધ્વંસ કર્યો હતો. અવારનવાર સૂબાઓની ફેરબદલીને કારણે ગુજરાતમાં ખલજી સત્તા સ્થિર થઈ શકી નહિ.

શિવપ્રસાદ રાજગોર