ખરાબો : વનસ્પતિવિહીન ભાગો. પૃથ્વીની સપાટી પરના કેટલાક ભાગો લગભગ  વનસ્પતિવિહીન હોય છે, ત્યાં ઘસારાની ક્રિયાને કારણે સામાન્ય પ્રકારની ટેકરીઓ અને ખીણોને બદલે વાંકાચૂકાં સાંકડાં, ઊંડાં કોતરો અને ધારદાર ટોચ અસ્તિત્વમાં આવેલાં હોય છે. આ પ્રકારના લક્ષણવાળા જમીનવિસ્તારો ‘ખરાબો’ના નામથી ઓળખાય છે. આવા વિસ્તારોમાં મુસાફરી કરવાનું અશક્ય બની જાય છે અને તેથી જ આ પર્યાય ઉપયોગમાં લેવાય છે. ડાકોટાના આવા વિસ્તારો માટે ‘મોવાઇસ ટેરેસ’ પર્યાય વિશિષ્ટપણે વપરાય છે.

ખરાબો : સમુદ્રશાસ્ત્ર અને જમીનમહેસૂલની પરિભાષાનો શબ્દ.

() પરવાળાંનો ખરાબો : સમુદ્રની સપાટી નીચે રહેતા સૂક્ષ્મ જીવો પાણીમાં ઓગળેલા ચૂના અને અન્ય પદાર્થોનો ઉપયોગ કરીને વિશિષ્ટ ખડકો રચે છે તે પરવાળાંના ખરાબા કહેવાય છે. આ જીવો કોષ્ઠાંત્રસમુદાય અને દરિયાઈ ફૂલને મળતા સૂત્રાંગી જીવો છે. આવા જીવોની આશરે 2,400 જેટલી જાતો છે. આ જીવોએ રચેલ ખડકોનો આકાર કાંટા જેવો, પાંદડાંવાળી વૃક્ષની ડાળી જેવો અને અનિયમિત આકારના પથ્થર જેવો હોય છે. આ જીવોના રંગ પણ વિવિધ હોય છે; જેમ કે, ગુલાબી, જાંબલી, પીળો, લીલો અને સફેદ.

આ જીવોમાં પ્રજનન કલિકાપદ્ધતિથી થાય છે. વાતાવરણને અત્યંત સંવેદનશીલ પરવાળાના જીવોની વૃદ્ધિ માટે 20oથી 21oસે.થી વધુ સમુદ્રજળનું તાપમાન, 45થી 55 મીટર ઊંડાઈવાળો સમુદ્રવિસ્તાર, 27 %થી 40 % ક્ષારવાળું અને સ્વચ્છ ઑક્સિજનયુક્ત જળ આવશ્યક છે. આ અનુકૂળતા 30o ઉત્તર અક્ષાંશથી 30o દક્ષિણ અક્ષાંશ વચ્ચેના પ્રદેશોમાં પૂરી થતી હોવાથી પૅસિફિક અને હિંદી મહાસાગરમાં તેનાં ક્ષેત્રો મોટી સંખ્યામાં જોવા મળે છે.

પરવાળાંના ખરાબા સમુદ્રની ખંડીય છાજલીના છીછરા વિસ્તારો અને ટાપુઓના કિનારા પાસે કેન્દ્રિત થયેલા હોય છે, જેને તેના સ્થાન અને દેખાવ પ્રમાણે ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે છે :

(1) સમુદ્રકિનારાની પાસે ખંડીય છાજલી પર પરવાળાંના જીવો ઓટ વખતની સમુદ્રસપાટીની ઊંચાઈ સુધીનું ખરબચડી સપાટીવાળું પટ્ટા જેવું પ્લૅટફૉર્મ બનાવે છે. આને પરાતટીય ખરાબો (fringing reef) કહે છે.

(2) પરાતટીય ખરાબા અને કિનારા વચ્ચે પહોળું સામુદ્રિક સરોવર બને ત્યારે તેને બાધક ખરાબો (barrier reef) કહે છે. ઑસ્ટ્રેલિયાના પૂર્વ કિનારાને સમાંતર કૉરલ સમુદ્રની ‘ગ્રેટ બૅરિયર રીફ’ જગવિખ્યાત છે.

(3) ખરાબો કંકણ જેવો આકાર ધરાવતો હોય ત્યારે તેને કંકણ-દ્વીપ ખરાબો અથવા કંકણાકાર પ્રવાળદ્વીપ (atoll) કહે છે.

પરવાળાના ખરાબાનું વિતરણ વૈવિધ્યપૂર્ણ છે. આટલાન્ટિકના કૅરિબિયન સમુદ્રમાં, બ્રાઝિલના કિનારે અને બર્મુડા પાસે તે કેન્દ્રિત થયેલા છે.

ઇન્ડોનેશિયાના સમુદ્રો તથા રાતા સમુદ્રમાં તે ખૂબ સારા પ્રમાણમાં જોવા મળે છે. માલદીવ અને લક્ષદ્વીપ પણ આવા પરવાળાંના ખરાબાની વિશાળ રચના ધરાવે છે.

પરવાળાંના ખરાબાની ઉત્પત્તિ વિવાદાસ્પદ છે. તેને અંગે કોઈ એક ચોક્કસ સિદ્ધાંત સ્વીકાર્ય બન્યો નથી. આ સિદ્ધાંતોમાં ડાના-ડાર્વિન, મુરે અને ડાલીના સિદ્ધાંતો મુખ્ય છે જેમાં ડાલીનો હિમકૃત અંકુશનો સિદ્ધાંત સૌથી વિશેષ લોકપ્રિય છે.

પરવાળાંના ખરાબા વહાણવટા માટે જોખમરૂપ સાબિત થયા છે; પરંતુ આર્થિક રીતે ઉપકારક છે.

પરવાળાંના કેટલાક જૂના ખરાબા પંખીઓનાં ધામો છે. આવા ખરાબા પર પંખીઓની હગારનો સંચય થતાં તેનું ફૉસ્ફેટમાં રૂપાંતર થાય છે જેમાંથી ખાતર બનાવવામાં આવે છે. પૅસિફિકના ‘નૉરૂ’ ઓશન આઇલૅન્ડ તથા ક્રિસ્ટમસ ટાપુઓ આવા ટાપુઓ છે. ત્યાંથી ફૉસ્ફેટ ખોદી કાઢી ઉપયોગમાં લેવામાં આવે છે.

પરવાળાંના ખરાબામાં રહેલા સિમેન્ટ જેવા ગુણને લીધે તે મકાનોનાં બાંધકામ તેમજ હવાઈ પટ્ટી અને રસ્તા બનાવવાના ઉપયોગમાં લેવાય છે.

() પોત ખરાબો : મહેસૂલી પરિભાષાનો આ શબ્દ છે. સરવે નંબરનું સર્વેક્ષણ કરીને વર્ગીકરણ કરતી વખતે ખેતરનો જેટલો ભાગ ખેતી માટે લાયક ન જણાય તેટલા ભાગને ખેતીમાંથી બાકાત રાખવાની મંજૂરી આપવામાં આવે છે. ખેતીમાંથી બાકાત રાખવામાં આવેલ આવા ભાગને પોત ખરાબો કહેવાય છે.

પોત ખરાબા બે પ્રકારના હોય છે : (1) ખેતી ન કરી શકાય તેવી જમીન અને (2) જમીન ખેતીલાયક હોવા છતાં તે જાહેર હેતુ માટે નિયત થયેલ (reserved land) હોય.

સરવે નંબરની હદમાં આવેલ છૂટા ખડકો કે પથરાળ જમીન, નાળાં, ખાડા કે જૂની ખાણ હેઠળની જમીનનો ઉપર જણાવેલ વર્ગીકરણના ભાગ-1માં સમાવેશ થાય છે. આવી જમીનો પર મહેસૂલ આકારવામાં આવતું નથી.

બુદ્ધિયુક્ત આયોજન કરીને આવી જમીનોને ખેતી માટે નવસાધ્ય કરીને તેમાં ખેતી કરવા માટે સરકારની મંજૂરી લેવાની રહેતી નથી.

વર્ષ દરમિયાન ટૂંકા સમયગાળા માટે ખેતી માટે ઉપયોગમાં ન લઈ શકાતી હોય તેવી અથવા જેનો અન્ય ઉપયોગ થતો હોય (દા.ત., કાચા રસ્તા તરીકે ઉપયોગમાં લેવાતી જમીન) તેવી જમીનોનો પોત ખરાબામાં સમાવેશ થતો નથી.

જાહેર માર્ગ, તળાવ, નહેર કે અન્ય જાહેર હેતુ માટે અનામત રાખેલ જમીન ભાગ (2) હેઠળ આવે છે. તે જમીન ખેતીલાયક હોય તોપણ તેમાં ખેતી કરવા સામે પ્રતિબંધ હોય છે.

વ્રિજવિહારી દીનાનાથ દવે

નિયતિ મિસ્ત્રી