ખરીદનારનો ઇજારો

January, 2010

ખરીદનારનો ઇજારો (monopsony) : કોઈ વસ્તુ કે સેવાના અનેક વેચનારા સામે ખરીદનાર એક જ હોય તેવું બજાર. વેચનારના ઇજારા- (seller’s monopoly)માં સમગ્ર ઉત્પાદન પર એક જ વેચનારનો એકાધિકાર હોય છે તો ખરીદનારના ઇજારામાં વસ્તુ કે સેવાના સમગ્ર અથવા મોટા ભાગના જથ્થાની ખરીદી પર એક જ ગ્રાહકનો એકાધિકાર હોય છે અને તેને લીધે વેચનારા વચ્ચે વેચાણ અંગે પરસ્પર હરીફાઈ થતી હોય છે, જેનો લાભ લઈ ખરીદનાર વસ્તુ કે સેવાની વેચાણકિંમત નીચી લાવી શકે છે. ઘણી વાર એક કરતાં વધુ ગ્રાહકો જોડાણ કરે અને ગ્રાહક સંઘ રચે ત્યારે પણ ખરીદનારનો ઇજારો સ્થાપિત થાય છે; દા.ત., કપાસનાં કારખાનાંના માલિકો પોતાનું સંગઠન રચે તો કપાસના સમગ્ર જથ્થા પર તેનો એકાધિકાર દાખલ થાય. કેટલીક વાર કોઈ એક વસ્તુ કે સેવાના વેચાણ અને ખરીદી પર એક તરફ કોઈ એક વિક્રેતા અને બીજી તરફ કોઈ એક ગ્રાહકનો એકાધિકાર સ્થાપિત થાય ત્યારે ઉભયપક્ષી ઇજારા(bilateral monopoly)ની સ્થિતિ ઊભી થાય છે.

વેચનારના ઇજારાની જેમ ખરીદનારનો ઇજારદાર પણ કિંમતમાં ભેદભાવ દાખલ કરી શકે છે; દા. ત., તે કોઈ એક વેચનાર પાસેથી ઊંચી કિંમતે અને બીજા વેચનાર પાસેથી તે જ વસ્તુ નીચી કિંમતે ખરીદી શકશે. આને ખરીદનારનો ભેદભાવયુક્ત ઇજારો (discriminating monopsony) કહેવામાં આવે છે.

ભારતમાં જે ઉદ્યોગોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું છે તે ઉદ્યોગોને લગતા કાચા માલ તથા અન્ય નિવેશોની બાબતમાં ખરીદનારનો ઇજારો દાખલ થયો છે તેમ કહેવાય; દા.ત., રેલવે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે