ખરવાસા અને મોંવાસાનો રોગ (foot and mouth disease) : ખરીવાળા દરેક જાનવરને થતો વિષાણુજન્ય ચેપી રોગ. આ રોગ મુખ્યત્વે ત્રણ પ્રકારના વિષાણુઓ(O, A અને C)થી થાય છે. જોકે આ રોગ માટે કારણભૂત ગણાતા અને એકબીજાથી જુદા તરી આવતા આશરે 60 પ્રકારના વિષાણુઓ શોધાયેલા છે. સામાન્ય રીતે આ રોગ આફ્રિકા, યુરોપ અને એશિયા ખંડનાં જાનવરોમાં જોવા મળે છે.
આ રોગમાં જાનવરના સંસર્ગમાં આવેલા વિષાણુઓ રુધિરમાં ઝડપથી પ્રવેશે છે અને છેવટે મોં અને પગની ચામડી તથા ક્યારેક આંચળ ઉપર પ્રસ્થાપિત થાય છે. સામાન્ય સંજોગોઆં ચેપ લાગ્યા પછી 3થી 8 દિવસમાં આ જગ્યા ઉપર રોગનાં ચિહનો દેખાય છે. જાનવરને આ રોગમાં તાવ આવે છે અને દૂધ-ઉત્પાદન ઘટી જાય છે. જાનવરના મોંની અંદર લાલાશ આવે છે અને ચાંદી પડે છે. મોંમાંથી સતત લાળ પડે છે જેથી જાનવર ખાવાપીવાનું બંધ કરે છે. પગની ખરી વચ્ચે પણ ચાંદી પડે છે જેથી જાનવર લંગડાતું ચાલે છે. વિપરીત સંજોગોમાં તે ઊભું પણ થઈ શકતું નથી. જો આ સમય દરમિયાન તેને બૅક્ટેરિયાનો વધારાનો ચેપ લાગે તો શરીર પર થયેલી ચાંદી જલદીથી રુઝાતી નથી. કાળજી ન લેવામાં આવે તો તેના પગની ખરીમાં કીડા પણ પડી જાય છે. સામાન્ય સંજોગોમાં એક-બે અઠવાડિયાંમાં તે સાજું થઈ જાય છે.
બૅક્ટેરિયાથી થતા બીજા ચેપનો અટકાવ કરવો અને વિષાણુઓથી થયેલી ચાંદીને રૂઝ આવે તેવી દવા કરવા સિવાય કોઈ ખાસ સારવાર આ રોગ માટે નથી.
દેશી ઓલાદનાં જાનવરો કરતાં પરદેશી અને સંકર ઓલાદનાં જાનવરોમાં આ રોગનું પ્રમાણ વધારે હોય છે. આ રોગ ન થાય તે માટે રસીનો ઉપયોગ કરવામાં આવે છે.
કે. એસ. પટેલ