ખમાજ : હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતમાંના ‘ખમાજ’ થાટ પરથી સર્જાયેલો રાગ. ભારતીય શાસ્ત્રીય સંગીતના સ્વરમય અને ભાવમય રૂપ અનુસાર થાટ અને રાગોની નિર્મિતિ થયેલી છે. તેમાં ખમાજ થાટ અને ખમાજ રાગ આગવું સ્થાન ધરાવે છે. હકીકતમાં આ થાટનો રાગ ઝિંઝોટી હોવા છતાં તેને ખમાજ રાગ કહે છે. હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં પ્રચલિત દસ થાટને મૂળ જનક રાગ માનીને જે તે થાટ અનુસાર જુદા જુદા રાગોની સ્વરરચના કરવામાં આવી છે. ખમાજ થાટ અંતર્ગત વિકૃત સ્વર – કોમલ નિષાદ – અને બાકીના સ્વર શુદ્ધ લેવામાં આવે છે અને તેને અનુરૂપ સ્વર-સાધર્મ્ય સાધતા બધા જ રાગો ખમાજ થાટના રાગ ગણાય છે. વિષ્ણુ નારાયણ ભાતખંડેની સંગીત-શાસ્ત્રીય પદ્ધતિ અનુસાર ખમાજ થાટમાં મુખ્યત્વે સોળ રાગોનો સમાવેશ કરવામાં આવે છે : (1) ઝિંઝોટી, (2) ખમાજ, (3) તિલંગ, (4) ખંબાયતી, (5) બડહંસ, (6) નારાયણી, (7) પ્રતાપવરાળી, (8) નાગસ્વરાવલિ, (9) સોરઠી, (10) જયજયવંતી, (11) દેસ, (12) તિલકકામોદ, (13) ગૌડમલ્હાર, (14) દુર્ગા, (15) રાગેશ્વરી અને (16) ગારા.
ખમાજ થાટની અંતર્ગત ઉમેરવામાં આવતા બે મુખ્ય વર્ગો છે : (1) ગંધાર સ્વરને વાદી માનનારા રાગોનો પહેલો વર્ગ જેમાં ખમાજ, ઝિંઝોટી, રાગેશ્વરી, ખંબાયતી, તિલંગ વગેરેનો સમાવેશ થાય છે. (2) ગંધાર સ્વરને સંવાદી માનનારા રાગો જેમાં દેશ, સોરઠી, તિલકકામોદ, જયજયવંતી, નારાયણી, પ્રતાપવરાળી વગેરે રાગોનો સમાવેશ થાય છે. પ્રાચીન ગ્રંથોમાં આ થાટનો ઉલ્લેખ ‘કાંભોજી’ અથવા ‘હરિ કામ્ભોજી’ નામથી કરવામાં આવેલો છે.
ખમાજ રાગના આરોહમાં રિષભ વર્જિત છે અને અવરોહમાં સાતે સ્વર આવે છે. આરોહમાં શુદ્ધ અને અવરોહમાં કોમલ નિષાદનો પ્રયોગ થાય છે; અવરોહમાં બીજા સ્વર શુદ્ધ છે. તેનો વાદી સ્વર ગંધાર અને સંવાદી સ્વર નિષાદ છે. આ રાગ ગાવાનો સમય રાત્રિનો બીજો પ્રહર છે.
પંડિત વિષ્ણુ દિગંબર પલુસ્કર પદ્ધતિ મુજબ –
આરોહ : સા ગ મ પ ધ ની |
અવરોહ : સા નિ ધ, મ પ ધ, પ મ ગ રે સા |
પકડ : નિ ધ, મ પ ધ મ ગ, પ મ ગ રે સા |
પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે પદ્ધતિ મુજબ ¾
આરોહ : સા, ગ મ પ ધ નિ સા ।
અવરોહ : સાં નિ ધ, મ પ ધ ડ મ ગ પ મ ગ રે ।
આ ચંચલ પ્રકૃતિનો રાગ હોવાથી આમાં અધિકતર ઠૂમરી તથા ઉપશાસ્ત્રીય સંગીત વધારે ગવાય છે. આમાં વિલંબિત ખ્યાલ ગાવાનો રિવાજ નથી. વાદનમાં મસીતખાની એટલે કે વિલંબિત અને રજાખાની એટલે કે દ્રુત બંને પ્રકારની ગતો વગાડવામાં આવે છે. આરોહમાં રિષભ વર્જિત હોવા છતાં ઠૂમરી રજૂ કરતી વખતે આરોહમાં રિષભનો પ્રયોગ કરવામાં આવે છે; એટલું જ નહિ, પરંતુ રજૂઆતનું કૌશલ વધારવા માટે ક્યાંક અન્ય રાગોની છાયા પણ બતાવવામાં આવે છે. આ રાગ ગાતી વખતે અવરોહમાં પંચમનો વક્ર પ્રયોગ કરવામાં આવે છે; જેમ કે, ધ, પ મ ધ ડ મ ગ ¾
આ રાગના ન્યાસ સ્વર : સા ગ અને પ.
આ રાગનો સમપ્રાકૃતિક રાગ તિલંગ છે.
ઠૂમરી ઉપરાંત આ રાગમાં ભજન, ટપ્પા જેવા પ્રકારો પણ ગવાય છે. ચિત્રપટ સંગીતમાં આ રાગનો પ્રયોગ વધારે પ્રચલિત છે. ભક્ત નરસિંહ મહેતાએ રચેલું, ગાંધીજીનું પ્રિય ભજન ‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ…’ આ રાગમાં સ્વરબદ્ધ છે.
મંદાકિની અરવિંદ શેવડે