ખબરદાર, અરદેશર ફરામજી

January, 2010

ખબરદાર, અરદેશર ફરામજી (જ. 6 નવેમ્બર 1881, દમણ; અ. 30 જુલાઈ 1953, ચેન્નાઈ) : ગુજરાતના એક અગ્રગણ્ય કવિ. માતાનું નામ શિરીનબાઈ. મૂળ અટક હિંગવાળા પછી પોસ્ટવાળા અને છેલ્લે ખબરદાર. પાંચ વર્ષની વયે પિતાનું અવસાન થતાં માતા, દાદી અને પિતામહ દ્વારા ઉછેર. પ્રાથમિક શિક્ષણ દમણમાં. માધ્યમિક શિક્ષણ મુંબઈની ન્યૂ ભરડા હાઈસ્કૂલમાં. મુંબઈમાં મરકીનો ઉપદ્રવ થતાં અભ્યાસ છૂટ્યો. દમણ પાછા ફર્યા અને કૉલેજશિક્ષણથી વંચિત રહ્યા. 1898માં પીરોથબાઈ સાથે લગ્ન થયું. 1909માં ચેન્નાઈમાં આર. પટેલ ઍન્ડ કંપનીના નામે મોટર અને સાઇકલના સામાનનો ધંધો શરૂ કર્યો. 1938માં ખોટને કારણે ધંધો બંધ કરી ફરી મુંબઈમાં વસવાટ કર્યો. 1951માં પાછા ચેન્નાઈ ગયા.

કાવ્યરુચિના પોષણ અને સંવર્ધનમાં વિદ્યાપ્રેમી માતા, ધાર્મિક વૃત્તિના પિતામહ કાવસજી, મામા કવિ રુસ્તમજી પેમાસ્તર, શિક્ષણશાસ્ત્રી જાલભાઈ ભરડા અને અધ્યાત્મગુરુ કુબેરદાસનો ફાળો ગણાવી શકાય.

અરદેશર ફરામજી ખબરદાર

અભ્યાસ દરમિયાન ‘આલુ કવિ’ અને 1895માં ‘માસિક-મજાહ’ની કાવ્યસ્પર્ધામાં પહેલવહેલી ‘સો ર્દષ્ટાંતિક દોહરા’ની રચના સર્વોત્તમ ઠર્યાથી ‘પારસી બૂચા કવિ’ તરીકે જાણીતા થયા.

19 વર્ષે 1901માં પહેલો કાવ્યસંગ્રહ ‘કાવ્યરસિકા’ દલપતશૈલીને અનુસરીને આપ્યો. 1905માં ‘વિલાસિકા’ નરસિંહરાવ દિવેટિયાને અનુસરીને લખાયેલાં પ્રકૃતિકાવ્યોનો સંગ્રહ આપ્યો. 1908માં ‘પ્રકાશિકા’માં અન્ય કાવ્યો સાથે કાન્ત અને કલાપીની શૈલીનાં ખંડકાવ્યો પણ મળે છે. 1919માં રાષ્ટ્રભક્તિ અને ભારતોદ્ધારનાં પ્રેરક કાવ્યો ‘ભારતનો ટંકાર’માં આપી પહેલા રાષ્ટ્રશાયર બન્યા. ‘પ્રભાતનો તપસ્વી’ અને ‘કુક્કુટદીક્ષા’(1920)માં ન્હાનાલાલની ડોલનશૈલીના ઉપહાસરૂપ પ્રતિકાવ્યો મળ્યાં. 1925માં દેશભક્તિનાં કાવ્યો ‘સંદેશિકા’માં મળે છે. ‘કલિકા’ (1926), ‘બ્લૅન્ક વર્સ’(અગેય પદ્યરચના)માં રચેલું કલ્પનાપ્રધાન દીર્ઘ પ્રેમકાવ્ય છે. ‘ભજનિકા’- (1928)માં પંચોતેર જેટલાં ભક્તિકાવ્યો છે. ન્હાનાલાલ અને બોટાદકરની ઢબે લખાયેલા સવાસો જેટલા રાસ ‘રાસચંદ્રિકા’ ભાગ-1 (1929) અને ભાગ-2(1941)માં સંગ્રહાયેલા છે. પુત્રી તેહમીનાના દુ:ખદ અવસાન નિમિત્તે ‘દર્શનિકા’(1931)માં કવિએ સળંગ ઝૂલણા છંદમાં ધર્મ અને તત્વજ્ઞાનની ર્દષ્ટિએ અધ્યાત્મજીવનના પ્રશ્નો અને શુદ્ધ સ્નેહનું નિરૂપણ કરી વિશ્વધર્મ પ્રબોધ્યો છે. શૌર્ય અને સમર્પણની પ્રેરણા આપતાં રાષ્ટ્રગીતો ‘રાષ્ટ્રિકા’(1940)માં મળે છે. ‘કલ્યાણિકા’ (1940) તત્વદર્શનયુક્ત ભક્તિકાવ્યોનો સંગ્રહ છે. ઈરાનશાહ ને પારસી કોમના ઇતિહાસનું વર્ણનકાવ્ય ‘શ્રીજી ઈરાનશાહનો પવાડો’ (1942) મરાઠી પોવાડા ઢબનું છે. એ જ ઢબે ગાંધીજીનો મહિમા ગાતું કાવ્ય ‘ગાંધી બાપુનો પવાડો’ (1948) છે અને ‘ગાંધી બાપુ’(1948)માં એ જ પ્રકારનાં એકત્રીસ કાવ્યો છે. ‘નંદનિકા’(1944)માં ઈશ્વરવિષયક વિવિધ ભાવોર્મિ દર્શાવતાં ચૌદ પંક્તિઓનાં કાવ્યો છે. અવસાનવર્ષના છેલ્લા કાવ્યસંગ્રહ ‘કીર્તનિકા’(1953)માં પ્રભુભક્તિનાં પંચોતેર કાવ્યો છે.

‘ધ સિલ્કન ટેસલ’(1918)માં પ્રકૃતિ, જીવન અને કાવ્યદેવી અંગે ઓગણસાઠ અંગ્રેજી રચનાઓ છે. પયગંબર જરથુષ્ટ્ર વિશે 101 સૉનેટ અને અન્ય કાવ્યો મળીને 120 અંગ્રેજી કાવ્યો ‘જરથુષ્ટ્ર – ધ ફર્સ્ટ પ્રૉફેટ ઑવ્ ધ વર્લ્ડ’(1950)માં મળે છે. ગુજરાતીમાં ગાથા વિશેના વિદ્વત્તાપૂર્ણ અભ્યાસલેખો ‘અષો જરથુષ્ટ્રની ગાથાઓ પર નવો પ્રકાશ’ (1929) એ શીર્ષકથી આપ્યા અને તેનો અંગ્રેજી અનુવાદ 1951માં કર્યો. ‘મલબારીનાં કાવ્યરત્નો’(1917)માં લાંબા અભ્યાસલેખ સાથે પસંદ કરેલાં કાવ્યો છે. ભાવનાપ્રધાન નાટ્યશૈલીમાં અખંડ પદ્યમાં 1935માં લખવા માંડેલું નાટક ‘મનુરાજ અથવા વિશ્વનાટિકા’ અપૂર્ણ જ રહ્યું છે. 1990માં તેનું સંપાદન ધર્મેન્દ્ર માસ્તરે કર્યું છે. ઉપરાંત ‘ધ રેસ્ટ હાઉસ ઑવ્ ધ સ્પિરિટ’ (1990), ‘ધ લીફ ઍન્ડ ફ્લાવર્સ’ અને ‘ધ માઇગ્રેટિંગ બર્ડ્ઝ’ તેમજ 1992માં ‘કવિ ખબરદારના પત્રો’ પણ પ્રકાશિત થયેલા છે.

1924માં ગુજરાતી સાહિત્ય પરિષદના સાતમા અધિવેશનના સાહિત્યવિભાગના પ્રમુખ તરીકે અને 1941માં ગુજરાતી સાહિત્ય પરિષદના ચૌદમા અધિવેશનના પ્રમુખ તરીકે આપેલાં વ્યાખ્યાનો તથા 1938માં મુંબઈ યુનિવર્સિટીના ઉપક્રમે આપેલાં ‘ઠક્કર માધવજી વસનજી વ્યાખ્યાનમાળા’નાં ‘ગુજરાતી કવિતાની રચનાકળા’ પરનાં પાંચ વ્યાખ્યાનો એમની વિદ્વત્તાનાં નિર્દેશક છે. ઉપરાંત 1927માં વિલે પાર્લેમાં ‘વસંતોત્સવ’ના અધ્યક્ષપદે અને 1937માં મદ્રાસમાં હિંદી સાહિત્ય-સંમેલનના કવિસંમેલનના પ્રમુખપદે તેમની વરણી થઈ હતી. 1931માં કવિ ખબરદારનો સુવર્ણ મહોત્સવ ઊજવાયો ત્યારે ‘સાહિત્ય’ અને ‘વીસમી સદી’ સામયિકોએ ખબરદાર અંકો પ્રકાશિત કર્યા હતા. તેમની સાહિત્યસેવા બદલ સંસ્કૃત વિદ્યામંદિર, કાશી તરફથી ‘સાહિત્યભૂષણ’ની પદવી તેમને આપવામાં આવી હતી.

કવિરચિત ‘ગુણવંતી ગુજરાત’ કાવ્ય અને ‘અમે હિંદી, હિંદી, હિંદી’ તથા ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ જેવી પંક્તિઓ લોકપ્રિય નીવડી છે.

ધર્મેન્દ્ર માસ્તર