ખન્ના, વિનોદ (જ. 6 ઑક્ટોબર 1946, પેશાવર, બ્રિટીશ ઇન્ડિયા; અ. 27 એપ્રિલ 2017, મુંબઈ) : હિંદી ચલચિત્રોના લોકપ્રિય અભિનેતા, નિર્માતા, સક્રિય રાજકારણી અને સાંસદ. ભારતના ભાગલા પડ્યા પછી ખન્ના પરિવારે પેશાવરથી અમૃતસર સ્થળાંતર કર્યું અને ત્યાર બાદ તે પરિવાર લુધિયાનામાં સ્થિર થયો. તેમણે દેવલાલી (મહારાષ્ટ્ર) ખાતેની બાર્ન સ્કૂલમાં શાળાકીય શિક્ષણ લીધું. બી.કૉમ. સુધીનું ઉચ્ચ શિક્ષણ મુંબઈની સિડેનહામ કૉલેજમાં પૂરું કર્યું. સુનીલ દત્ત દ્વારા 1968માં તૈયાર કરેલ ‘મન કા મીત’ ચલચિત્રથી અભિનેતા તરીકેની કારકિર્દીનો તેમણે પ્રારંભ કર્યો. 1971માં નિર્મિત ‘મેરે અપને’ ચલચિત્રે તેમને એકાએક લોકપ્રિયતા બક્ષી. આ ચલચિત્રનું દિગ્દર્શન ગુલઝારે કર્યું હતું. 1973માં નિર્મિત ‘અચાનક’ ચલચિત્રે વિનોદ ખન્નાની લોકપ્રિયતામાં વધારો કર્યો. આ ચલચિત્રની પટકથા અને દિગ્દર્શન પણ ગુલઝારે કર્યું હતું. ગીતો વિનાના આ ચલચિત્રની કથા વાર્તા નૌકાદળના સેનાપતિ કાવસ નાણાવટીના જીવન પર આધારિત હતી. નાણાવટીએ પોતાની પત્ની સિલ્વિયાના છદ્મ પ્રેમી આહુજાનું ખૂન કર્યું હતું. કાયદાની ચુસ્ત પરિભાષા મુજબ ખૂન એ જઘન્ય કૃત્ય હોવા છતાં લોકલાગણીનો જુવાળ નાણાવટીના પક્ષમાં હતો. આ જ કથાવસ્તુ પર આધારિત ‘યહ રાસ્તે હૈ પ્યાર કે’ ચલચિત્રનું નિર્માણ પણ થયું હતું. ‘અચાનક’ ચલચિત્રમાં વિનોદ ખન્નાએ કમાન્ડર નાણાવટીની ભૂમિકા ભજવી હતી. 1970-80ના દાયકામાં ખન્નાએ બૉક્સ ઑફિસ પર સફળ થયેલાં કેટલાંક ચલચિત્રોમાં અભિનય કર્યો હતો તેમાં ‘પરવરીશ’ (1977), ‘અમર, અકબર, ઍન્થની’ (1977) (જેનું સંગીત ખૂબ લોકપ્રિય બન્યું હતું), ‘મુકદ્દર કા સિકંદર’ (1978), ‘ધ બર્નિંગ ટ્રેન’ (1980) અને ‘કુરબાની’ (1980)નો સમાવેશ થાય છે.

વિનોદ ખન્ના

વર્ષ 1979માં વીસમી સદીના મહાન પણ વિવાદાસ્પદ દાર્શનિક રજનીશના પ્રભાવમાં આવ્યાથી વિનોદ ખન્નાએ અભિનેતા તરીકેની પોતાની કારકિર્દી થંભાવી દીધી અને અમેરિકા ખાતેના રજનીશ આશ્રમમાં આશ્રય લીધો. (1979-87). આઠ વર્ષ બાદ સ્વદેશ પાછા ફર્યા પછી તેમણે ફરીથી ચલચિત્રના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો અને 1988-94ના ગાળામાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું; જેમાં ‘દયાવાન’ (1988), ‘ચાંદની’ (1989), ‘ઇના મીના ડિકા’ (1994) અને ‘એક્કા રાજા રાની’ (1994)નો સમાવેશ થાય છે. 1997માં તેમણે ‘હિમાલય પુત્ર’ ચલચિત્રનું નિર્માણ કર્યું, જેમાં પોતે તો અભિનય કર્યો જ પરંતુ નાયકની ભૂમિકા માટે તેમણે પોતાના પુત્ર અક્ષય ખન્નાની પસંદગી કરી. વિનોદ ખન્નાની ફિલ્મો ‘દીવાનાપન’ (2002) અને ‘રિસ્ક’ (2007) છે. 1999માં તેમને જીવનભરની સાધના (life time achievement award) માટે ફિલ્મ ફેર ઍવૉર્ડથી નવાજવામાં આવ્યા હતા.

1997માં તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો, ભારતીય જનતા પક્ષના સક્રિય સભ્ય બન્યા અને 1998માં આયોજિત સામાન્ય ચૂંટણીમાં પૂર્વ પંજાબની ગુરદાસપુર બેઠક પરથી લોકસભામાં પ્રવેશ કર્યો. તે બેઠક પરથી તે પૂર્વે સળંગ પાંચ વાર ચૂંટાઈ આવેલા કૉંગ્રેસના ઉમેદવારને વિનોદ ખન્નાએ પરાજય આપ્યો હતો. વર્ષ 2002માં વિનોદ ખન્નાને કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકારમાં સાંસ્કૃતિક ખાતું અને પ્રવાસન-વિભાગના રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા. છ મહિના બાદ તેમને વિદેશ ખાતાનું મંત્રીપદ બહાલ કરવામાં આવ્યું. વર્ષ 2004માં તેમણે ગુરદાસપુર બેઠક ફરી વાર જીતી લીધી હતી.

વર્ષ 1990-91માં તેમણે મુંબઈના નિવાસીઓમાં સર્વાધિક આવકવેરો ભરનાર નાગરિક તરીકે ખ્યાતિ મેળવી હતી. 1974માં તેમને ‘હાથ કી સફાઈ’માં અભિનય માટે સહાયક અભિનેતા (supporting actor) માટેનો ફિલ્મ ફેર ઍવૉર્ડ એનાયત થયો હતો, જ્યારે 1976માં નિર્મિત ‘હેરાફેરી’ના અભિનય માટે; ‘શક’ 1977માં અભિનય માટે; 1980ના અભિનય માટે ‘કુરબાની’માં તેમને સહાયક અભિનેતાનું નામાંકન પ્રાપ્ત થયું હતું. વર્ષ 2007માં તેમને ઝી સિનેમા દ્વારા અપાતા જીવનસાધના ઍવૉર્ડથી નવાજવામાં આવ્યા હતા. વર્ષ 2007માં તેઓ દુબઈ ખાતેના પોતાના ચલચિત્રવ્યવસાયમાં વ્યસ્ત હતા.

ઉપર નિર્દેશિત ચલચિત્રો ઉપરાંત તેમણે અન્ય સોળ ફિલ્મોમાં અભિનય કર્યો છે. તેમના બંને પુત્રો અક્ષય અને રાહુલ હિંદી ચલચિત્રોમાં અભિનય કરતા હોય છે. 2017માં દાદાસાહેબ ફાળકે (મરણોત્તર) એનાયત થયો હતો.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે