ખનિજ-નિર્દેશકો (gossans, iron hats) : ભૂપૃષ્ઠ પરનાં કાટરંગી લોહ-ઑક્સાઇડ આચ્છાદનો. પોપડાના અંદરના ભાગોમાં રહેલા પાયરાઇટ, ચાલ્કોપાયરાઇટ, બોર્નાઇટ વગેરે જેવા લોહયુક્ત ખનિજ સલ્ફાઇડ ધરાવતા નિક્ષેપો કે શિરાઓવાળા જથ્થાઓનું ઑક્સિડેશન થતાં તેમાંનું લોહદ્રવ્ય ઉપર તરફ ખેંચાતું જઈ ભૂપૃષ્ઠ તલ પર આચ્છાદન સ્વરૂપે જમા થાય છે. આવાં આચ્છાદનો, અમુક ઊંડાઈએ સલ્ફાઇડ-સમૃદ્ધ ખનિજ જથ્થાઓના અસ્તિત્વનો સંકેત કરતા હોઈ, ખનિજ-નિર્દેશકો કહેવાય છે. તે મુખ્યત્વે તો લોહના જલીય ઑક્સાઇડ – લિમોનાઇટનું (પરંતુ ક્યારેક અનુષંગી નિર્માલ્ય ખનિજો સહિતનું) બનેલું હોય છે. આચ્છાદન સ્વરૂપે મુખ્યત્વે લોહ-ઑક્સાઇડ હોવાથી તે લોહ-આચ્છાદન(iron hats)ના નામથી વધુ જાણીતું છે. અહીં લિમોનાઇટને ખનિજ તરીકે નહિ પરંતુ લોહ-ઑક્સાઇડના આચ્છાદિત ચૂર્ણ સ્વરૂપે ઘટાવવાનું છે.
ઑક્સિડેશન દ્વારા મૂળ ખનિજોમાંનું લોહદ્રાવણ ઉપર તરફ ખેંચાતી વખતે, તાંબા સહિતનાં અન્ય ધાતુતત્ત્વો તેમજ ગંધક ખડકછિદ્રો કે તડો મારફતે નીચે તરફ ઊતરી પરિણામી સલ્ફાઇડ-સમૃદ્ધ ખનિજોનું નિર્માણ કરે છે. આ ક્રિયામાં ક્વચિત્ સોના કે ચાંદી જેવાં વધુ પડતાં અદ્રાવ્ય તત્વોનું પ્રાકૃત સ્વરૂપે લોહદ્રાવણ સહિત સંકેન્દ્રણ થતું હોય છે. આ દ્રવ્યો સપાટી તરફ ક્રમશ: ખેંચાઈ આવી જમા થતાં રહેતાં હોવાથી આવાં આવરણોનું રચનાત્મક માળખું કોષમય-તંતુમય હોય છે.
જ્યાં આ પ્રકારનાં આચ્છાદનો મળી આવે ત્યાં નીચે તરફ સમૃદ્ધ ખનિજભંડારો હોવાનો નિર્દેશ આપે, તેમ છતાં કેટલાંક બિનઆર્થિક ખનિજદ્રવ્યો દ્વારા પણ આવાં આચ્છાદનો રચાયાં હોવાના દાખલા મળેલા છે. તેથી આચ્છાદન નીચેના વિભાગો આર્થિક-બિનઆર્થિક હોવાના તફાવતો સમજવાનું મહત્વ વધી જાય છે. આવી સમજ અનુભવ, જરૂરી જ્ઞાન, કૌશલ્ય, અભ્યાસ તેમજ બારીકાઈભર્યું અવલોકન માગી લે છે. અનુભવી ક્ષેત્રીય ખનિજશાસ્ત્રી જ આ અંગે ખાતરીપૂર્વક કહી શકે. આ સંદર્ભમાં ખનિજનિર્દેશકોને બે પ્રકારોમાં વર્ગીકૃત કરવામાં આવેલા છે :
1. સ્વસ્થાની પ્રકાર : માતૃ સલ્ફાઇડ નિક્ષેપોવાળા વિભાગોમાં મળે છે, જે ફેરિક સલ્ફાઇડ સ્વરૂપે તે જ વિભાગના ભૂપૃષ્ઠ પર ખેંચાઈ આવે છે. તેનું સ્વરૂપ બહુધા કોષમય-તંતુમય હોય છે, જે લક્ષણ પરથી તેના સ્વસ્થાની પ્રકારની ખાતરી મળે છે.
2. સ્થાનાંતરિત પ્રકાર : એક વખત મૂળ સ્થાને તૈયાર થયેલાં લોહ-આવરણો સ્થાનાંતરિત થઈ અન્ય અનુકૂલ સ્થાનો પર જમા થાય છે, જે કોષમય કે તંતુમય રચનાવાળાં હોતાં નથી.
ગિરીશભાઈ પંડ્યા