ખનિજનિક્ષેપો (mineral deposits) : સંપૂર્ણત: કે અંશત: આર્થિક મૂલ્ય ધરાવતો કુદરતમાં મળી આવતો કોઈ પણ ખનિજ કે ધાતુખનિજનો જથ્થો. આ શબ્દપ્રયોગ મોટે ભાગે મૅગ્નેટાઇટ, હીમેટાઇટ, ક્રોમાઇટ જેવા કોઈ પણ એક પ્રકારના જથ્થા માટે ઉપયોગમાં લેવાય છે. એક કરતાં વધુ ખનિજોના સહયોગમાં મળતા જૂથ માટે કે ચૂનાખડક, રેતીખડક, આરસપહાણ જેવા મૂલ્યવાન બાંધકામ-ખડક એકમ માટે તે પ્રયોજાતો નથી.

ખનિજનિક્ષેપોનું સામાન્ય વર્ગીકરણ નીચે મુજબ કરવામાં આવેલું છે :

I. ખડકોના સંદર્ભમાં ખનિજ ઉત્પત્તિના સમયને અનુલક્ષીને ખનિજ-નિક્ષેપોને બે ભાગમાં વહેંચેલા છે : (1) ખડક-સહજાત નિક્ષેપો, (2) ખડકોત્તર (ખડક-પશ્ચાત્) નિક્ષેપો.

II. ખનિજનિક્ષેપોનું ઉત્પત્તિજન્ય વર્ગીકરણ :

1. મૅગ્માજન્ય સંકેન્દ્રણો : દા.ત., મૅગ્નેટાઇટ, ક્રોમાઇટ, હીરા વગેરે.

2. પૅગ્મેટાઇટજન્ય નિક્ષેપો : દા.ત., અબરખ, કોરંડમ, કેસિટરાઇટ વગેરે.

3. વાયવીય બાષ્પનિક્ષેપો : દા.ત., કલાઈ અને ટંગ્સ્ટનનાં ખનિજો, ટૂર્મેલિન, ક્લોરાઇટ વગેરે.

4. કણશ: વિસ્થાપનનિક્ષેપો : દા.ત., ગૅલેના, સ્ફૅલેરાઇટ, ચાલ્કોપાયરાઇટ જેવાં સીસા-જસત-તાંબાનાં ખનિજો.

5. કોટરપુરણી નિક્ષેપો : ખનિજ-ધાતુખનિજ શિરાઓ, સોપાનશિરાઓ, સ્ટૉકવર્ક્સ, સૅડલરિફ્સ વગેરે.

6. જળકૃત નિક્ષેપો : (ક) પ્રાથમિક કણજન્ય નિક્ષેપો : દા.ત., જળકૃત લોહ ધાતુખનિજ જથ્થા.

(ખ) બાષ્પાયનો : દા.ત., ચિરોડી, મીઠું, પોટૅશિયમ-મૅગ્નેશિયમના ક્ષારો.

(ગ) અવશિષ્ટ સંકેન્દ્રણો દા.ત., બૉક્સાઇટ, માટી.

(ઘ) ભૌતિક સંકેન્દ્રણો : કલાઈ, સોનું, હીરા વગેરે.

7. વિકૃતિજન્ય નિક્ષેપો : દા.ત., ઍસ્બેસ્ટૉસ, ગ્રૅફાઇટ, શંખજીરું વગેરે.

8. ઑક્સિડેશન અને પરિણામી સલ્ફાઇડસમૃદ્ધ નિક્ષેપો : દા.ત., વિવિધ ખનિજ ઑક્સાઇડ-સલ્ફાઇડ.

આ ઉપરાંત લિંડગ્રેન, નીગ્લી, સ્નાઇડર-હૉન વગેરે ખનિજશાસ્ત્રીઓએ આપેલાં તલસ્પર્શી વર્ગીકરણો વધુ જાણીતાં અને ઉપયોગમાં લેવાતાં રહ્યાં છે.

ગિરીશભાઈ પંડ્યા