ખત્રી, જયંત હીરજી

January, 2010

ખત્રી, જયંત હીરજી [જ. 24 સપ્ટેમ્બર 1909, મુન્દ્રા (કચ્છ); અ. 6 જૂન 1968, માંડવી (કચ્છ)] : આધુનિક વાર્તાકાર. એમણે પ્રાથમિક શિક્ષણ ભુજમાં અને માધ્યમિક શિક્ષણ મુંબઈની ન્યૂ ભરડા હાઈસ્કૂલમાં લીધું હતું. 1928માં મૅટ્રિક થયા બાદ ઉચ્ચ શિક્ષણ મુંબઈની નૅશનલ મેડિકલ કૉલેજમાં લઈને 1935માં એલ.સી.પી.એસ. થઈને દાક્તરી વ્યવસાયનો પ્રારંભ કર્યો. પ્રારંભનાં થોડાં વર્ષો મુંબઈ રહ્યા અને પછી કચ્છના માંડવીમાં સ્થિર થયા અને ત્યાં પ્રૅક્ટિસ કરી. મુંબઈમાં મિલવિસ્તારમાં રહેવાનું બન્યું હતું અને એમના મોટા ભાઈ શિવજી મિલમાં હોવાથી કામદારોના પ્રશ્નોનો એમને પ્રત્યક્ષ પરિચય થયો હતો. પરિણામે સમાજના એ વર્ગ પ્રત્યે એમને સહાનુભૂતિ જન્મી હતી અને એમના માનસ પર એની ઘેરી અસર પડી હતી. વળી બકુલેશના પરિચયે વલણ સામ્યવાદી થયું. ‘દાસ કૅપિટલ’ના વાચને સામ્યવાદી વિચારધારા ર્દઢ થઈ. ફ્રૉઇડના અભ્યાસે માણસના મનોભાવને પામવા પ્રયત્ન થયો. આ બંને પરિબળો એમની વાર્તાઓમાં સુપેરે વ્યક્ત થયાં છે. આ વિચારધારાથી પ્રેરાઈ જાહેર જીવનમાં તેઓ રસ લેવા માંડ્યા. નાવિક મંડળના પ્રમુખ થયા. તે એમની મથામણને વાચા આપવા માંડવી નગરપાલિકામાં ચૂંટાઈને શહેરની પ્રગતિ અર્થે મથ્યા; પરંતુ જાહેર જીવનમાં એ બરાબર ગોઠવાઈ શક્યા નહિ. સ્વાસ્થ્ય પણ સારું ન રહ્યું. તેઓ કૅન્સરમાં સપડાયા અને એનાથી મૃત્યુ પામ્યા.

ઈસુના પાંચમા દાયકાના આ વાર્તાકારના ‘ફોરાં’ (1944), ‘વહેતાં ઝરણાં’ (1952) અને ‘ખરા બપોર’ (1968) – એ ત્રણ વાર્તાસંગ્રહો પ્રસિદ્ધ થયા છે. ‘ખરા બપોર’ મરણોત્તર પ્રકાશન છે. એમની સામ્યવાદી વિચારધારાના સંદર્ભે પીડિતો-શોષિતોના મનોભાવ એમની વાર્તામાં પડઘાય છે. એમની પ્રયોગાત્મક રીતિ વાર્તાઓમાં દેખાય છે. વાસ્તવિકતાને એ સુપેરે અભિવ્યક્ત કરી શકે છે. ‘લોહીનું ટીપું’, ‘આનંદનું મોત’, ‘ધાડ’, ‘નાગ’, ‘માટીનો ઘડો’, હીરો ખૂંટ’, ‘અમે બુદ્ધિમાનો’ એમની નોંધપાત્ર વાર્તાઓ છે. પ્રતીકનો સાર્થ વિનિયોગ ‘નાગ’ જેવી વાર્તામાં થયો છે. વસ્તુ અને તેનું નિરૂપણ એમ ઉભય રીતે એમની વાર્તાઓ નોંધપાત્ર છે. એમની અભિવ્યક્તિરીતિમાં નવીનતા જોવા મળે છે. વિવિધ કથનપદ્ધતિના એ માહેર છે. ઘટનાપ્રધાન વાર્તાઓ ભાવકને જકડી રાખે છે. એ સુદીર્ઘ હોય છે; પરંતુ કથળતી નથી. ખત્રીની ચિત્રાત્મક શૈલી અનોખી છે. એમની વાર્તાઓમાં આધુનિકતાનો સ્પર્શ પમાય છે.

1968માં અવસાન પામેલા જયંત ખત્રીને ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક પ્રાપ્ત થયું હતું.

પ્રફુલ્લ રાવલ