ખડકસિંગ, બાબા (જ. 6 જૂન 1867, સિયાલકોટ, પાકિસ્તાન; અ. 6 ઑક્ટોબર 1963, નવી દિલ્હી) : રાષ્ટ્રવાદી શીખ નેતા, સ્વાતંત્ર્યસેનાની તથા શિરોમણિ અકાલી દલના સ્થાપક-પ્રમુખ. તે બાબા ખડકસિંગ તરીકે ઓળખાતા હતા. શરૂઆતનું શિક્ષણ સિયાલકોટ ખાતે. પંજાબ યુનિવર્સિટીના સ્નાતક. પિતાના મૃત્યુને કારણે કાયદાનો અભ્યાસ અધવચ્ચે છોડવો પડ્યો. શીખોને આધુનિક શિક્ષણ આપવાના હિમાયતી. સિયાલકોટ ખાતે 1912માં પાંચમા શિક્ષણ અધિવેશનની સ્વાગત સમિતિના પ્રમુખ તથા 1914માં તરણતારણ ખાતેના સાતમા શિક્ષણ અધિવેશનના પ્રમુખ. શીખ નેતા માસ્ટર તારાસિંગના સંપર્કમાં આવતાં તેમના નેતૃત્વ હેઠળની પ્રવૃત્તિઓમાં સક્રિય બન્યા.
રાષ્ટ્રીય કૉંગ્રેસના અમૃતસર અધિવેશન દરમિયાન 1919માં મહાત્મા ગાંધીના સંપર્કમાં આવ્યા. 1920માં લાહોર ખાતે આયોજિત શીખ લીગના અધિવેશનના પ્રમુખ. આ અધિવેશનમાં મહાત્મા ગાંધી ઉપરાંત અન્ય ઘણા નેતાઓ ઉપસ્થિત હતા. ખડકસિંગની હાકલથી શીખો કૉંગ્રેસના નેતૃત્વ હેઠળની રાષ્ટ્રવાદી ચળવળમાં સામેલ થયા, જેનાથી અસહકારની ચળવળ અને શીખ ગુરુદ્વારા વચ્ચે સંકલન થયું. 1921ના પ્રથમ અકાલી મોરચાને દબાવી દઈને બ્રિટિશ સરકારે બાબા ખડકસિંગની ધરપકડ કરી. તેમના પર કામ ચલાવવામાં આવતાં શીખપંથના પ્રમુખ પર કામ ચલાવવાની સત્તા કોઈ પણ વિદેશી સરકારને નથી એવી રજૂઆત તેમણે કરી. શીખોમાં ફેલાયેલ વ્યાપક અસંતોષ ધ્યાનમાં લઈને તેમને મુક્ત કરવામાં આવ્યા. 1922માં તેઓ પંજાબ કૉંગ્રેસ સમિતિના પ્રમુખ નિમાયા. શીખોએ કાળી પાઘડી તથા અન્ય ભારતીયોએ ગાંધીટોપી પહેરવાના અધિકારના પ્રશ્ને સરકાર સાથે 1923માં થયેલા સંઘર્ષને પરિણામે ફરી તેમની ધરપકડ કરવામાં આવી તથા તેમને 9 માસની સજા ફરમાવવામાં આવી, પરંતુ થોડાક સમય પછી ફરી તેમને બિનશરતે મુક્ત કરવામાં આવ્યા. 1928માં તેમણે સાઇમન કમિશનના વિરોધ સામે દેખાવો કર્યા. 1934-35 દરમિયાન અમૃતસર તથા લાહોર ખાતે શીખ અધિવેશનોનું પ્રમુખપદ સંભાળ્યું હતું. કોમી ચુકાદા(Communal Award)નો વિરોધ કરવા માટે 1935માં તેમની ધરપકડ કરવામાં આવી હતી. 1940થી 1941 દરમિયાન વ્યક્તિગત સત્યાગ્રહની ચળવળ દરમિયાન ફરીથી તેમને કારાવાસ ભોગવવો પડ્યો હતો. 1935ના કાયદા અન્વયે થયેલી ચૂંટણીઓ પછી પંજાબમાં જે મંત્રીમંડળ સત્તા પર આવ્યું તેમાં મંત્રી તરીકે જોડાવાની દરખાસ્ત તેમણે ફગાવી દીધી હતી. ભારતના ભાગલાનો તેમણે સખત વિરોધ કર્યો હતો. 1944માં ગુજરાનવાલા ખાતે મળેલી અખંડ હિંદુસ્તાન પરિષદના તેઓ પ્રમુખ હતા. નેતાજી સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ફૌજ(INA)ને તેમણે જાહેર ટેકો આપ્યો હતો. તેમણે રાજકીય કારકિર્દી દરમિયાન કુલ 20 વર્ષનો કારાવાસ ભોગવ્યો હતો. શીખપંથના ટેકેદાર તથા શિરોમણિ અકાલી દળના સ્થાપક-પ્રમુખ હોવા છતાં તેઓ આજીવન કટ્ટર રાષ્ટ્રવાદી જ રહ્યા.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે