ખડક-સહજાત જળ

January, 2010

ખડક-સહજાત જળ : રેતીખડકની જમાવટ સમયે રેતીકણોની સાથે જકડાયેલું સ્થાયી જળ. આમ ખડક-સહજાત જળની ઉત્પત્તિ રેતીખડકની ઉત્પત્તિ સાથે સંકળાયેલી છે. તેથી આવા જળની ગુણવત્તા રેતીખડકની જમાવટના સ્થળ પર આધારિત રહે છે. મુખ્યત્વે આ પ્રકારનું જળ ખૂબ ઊંડાઈએ આવેલા રેતીખડકોમાં સંગ્રહાયેલું હોય છે અને તે એક વખતના જૂના સમયના સમુદ્રના પાણીના અવશેષરૂપે આ ખડકોમાં જમા થયેલું હોય છે. તેથી ખડક-સહજાત જળ ખારું હોય છે. કરોડો વર્ષ જૂનું ખડક-સહજાત જળ ખૂબ લાંબા ગાળા માટે વાતાવરણના સંપર્કમાં રહેલું હોતું નથી. એવું માનવામાં આવે છે કે ખડક-સહજાત જળ સંપૂર્ણપણે સ્થાયી હોય છે અને તેનું સ્થળાંતર શક્ય નથી પરંતુ કેટલાક દાખલામાં જોવા મળ્યું છે કે આ જળ તૈયાર થયા પછી ઘણા કિલોમીટર દૂર સુધી સ્થળાંતર પામેલું હોય છે. ખડક-સહજાત જળના રાસાયણિક બંધારણમાં I, B, SiO2 તેમજ N, Ca, સંયોજિત હોય છે પરંતુ Mg અને SO4 દરિયાના પાણીના પ્રમાણમાં ઓછાં હોય છે.

આ પ્રકારનું જળ ખારું હોવાથી જો કોઈક કારણસર તે શુદ્ધ (મીઠા) જળના જળસંચયસ્તરમાં દાખલ થઈ જાય તો તે સમગ્ર જળસંચયસ્તરના જળને ખારું કરી શકે છે. પૃથ્વી પરના કુલ પાણીના જથ્થા સામે ખડક-સહજાત જળનું પ્રમાણ નહિવત્ હોય છે.

રાજેશ ધીરજલાલ શાહ