ખગોલીય નકશા : ખગોલીય પદાર્થો અંગેની માહિતી રેખાંકન કે ફોટા રૂપે દર્શાવતા નકશા. ખગોલીય નકશા બે પ્રકારના હોય છે. પહેલા પ્રકારમાં વિવરણ, સારણી અને આલેખ આપવામાં આવે છે જ્યારે બીજા પ્રકારમાં ફોટોગ્રાફિક સર્વેક્ષણનાં પરિણામ રજૂ કરવામાં આવે છે.
આર્થર પી. નૉર્ટનનો ‘નૉર્ટન્સ સ્ટાર ઍટલસ ઍન્ડ રેફરન્સ હૅન્ડબુક’ (1973) અને એલન સાન્ડેજનો ‘ધ હબલ ઍટલસ ઑવ્ ગૅલક્સિસ’ (1961) નામનો નકશાસંગ્રહ ખૂબ ઉપયોગી નીવડ્યો છે. સમગ્ર આકાશને આવરી લેતો સર્વપ્રથમ ફોટોગ્રાફિક ઍટલાસ ‘ધ ફ્રૅન્કલિન એડમ્સ’ (1914) છે. ‘નૅશનલ જ્યૉગ્રાફિક સોસાયટી – પાલોમર ઑબ્ઝર્વેટરી સ્કાય સર્વે’માં માઉન્ટ પાલોમાર ઉપરથી દેખાતા તેજવર્ગ 21 સુધીના ખગોલીય પદાર્થોના લાલ અને વાદળી રંગવિસ્તારમાં લેવામાં આવેલ વર્ણપટના પ્લેટફોટો ઉપરથી, ખૂબ સૂક્ષ્મતાપૂર્વકના નકશાઓ આપેલા છે. આધુનિક ઍટલાસ તરીકે ત્રીજા ‘ઍસ્ટ્રોનોમિશ્ય ગેસેલશાફટ કેટેલૉગ’(AGK 3)માં 18,000 તારકોનાં સ્થાન અને ગતિ દર્શાવતા નકશા પણ ખૂબ ઉપયોગી માલૂમ પડ્યા છે.
પ્ર. દી. અંગ્રેજી