ખગોલીય ગોલક (celestial sphere) : પૃથ્વીપટ પરથી જોતાં દેખાતો આકાશી ગોલક. તેની ઉપર ખગોલીય પિંડ પ્રક્ષેપિત થયેલા છે. તેમાં અવલોકનકારનું સ્થાન કેન્દ્રમાં છે અને પૃથ્વીનું ધરીભ્રમણ પશ્ચિમથી પૂર્વ તરફ થતું હોવાથી ખગોલીય ગોલક પૂર્વથી પશ્ચિમ તરફનું ધરીભ્રમણ કરતો હોય તેમ જણાય છે.

ખગોલીય ગોલક

પૃથ્વીના ઉત્તર અને દક્ષિણ ધ્રુવને જોડતા અક્ષને બંને તરફ લંબાવતાં ગોલકનો ખગોલીય અક્ષ (axis) બને છે અને આ અક્ષ ગોલક્ધો જ્યાં છેદે છે તેમને અનુક્રમે આકાશી ઉત્તર ધ્રુવ (north celestial pole) અને આકાશી દક્ષિણ ધ્રુવ કહે છે. પૃથ્વીના વિષુવવૃત્તતલને લંબાવતાં તે ખગોલીય ગોલકને જ્યાં છેદે છે તે મૂળભૂત ગુરુવૃત્ત(fundamental great circle)ને ખગોલીય કે આકાશી વિષુવવૃત્ત (celestial equata) કહે છે. પૃથ્વીપટ ઉપરના દરેક સ્થળને પોતાનું આગવું ક્ષિતિજતલ હોય છે, જ્યારે પૃથ્વીના વિષુવવૃત્તને આધારે નક્કી થતું આકાશી વિષુવવૃત્ત અલગ નથી હોતું પરંતુ અવલોકનસ્થળના અક્ષાંશ મુજબ ક્ષિતિજ સાથે વિશિષ્ટ કોણ રચે છે. વિષુવવૃત્તની વ્યાખ્યા મુજબ તે, આકાશી ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ બિંદુઓથી એકસરખા અંતરે આવેલું છે.

પૃથ્વીપટ ઉપરથી જોતાં અવલોકનકારના ક્ષિતિજતલને લંબાવતાં આકાશી ગોલકને જ્યાં છેદે તે ગુરુવૃત્તને આકાશી ક્ષિતિજ કહે છે. આ ક્ષિતિજવૃત્તને ઉત્તર અને દક્ષિણ દિશા જ્યાં છેદે તે બિંદુઓને અનુક્રમે ક્ષિતિજ ઉપરનાં ઉત્તર અને દક્ષિણ બિંદુ કહેવામાં આવે છે. અવલોકનકારની ઓળંબો-રેખા(plumb line)ને ઊંચે લંબાવતાં તે આકાશી ગોલકને છેદે તેને ખમધ્ય અથવા શિરોબિંદુ (zenith) અને નીચે લંબાવતાં ખગોલીય ગોલકને છેદે તેને અધોબિંદુ (nadir) કહે છે.

ખગોલીય ઉત્તર ધ્રુવ, ખમધ્ય અને ખગોલીય દક્ષિણ ધ્રુવ બિંદુઓમાંથી પસાર થતા ગોલક ઉપરના ગુરુવૃત્તને ખગોલીય યામ્યોત્તરવૃત્ત (meridian) કહે છે. તેનો ક્ષિતિજ ઉત્તરબિંદુ, ખગોલીય ઉત્તર ધ્રુવ, ખમધ્ય અને ક્ષિતિજ દક્ષિણબિંદુ સુધીનો અર્ધભાગ જ આપણે હંમેશાં જોઈ શકીએ છીએ. જ્યારે ક્ષિતિજ દક્ષિણબિંદુ, ખગોલીય દક્ષિણ ધ્રુવ, અધોબિંદુ અને ક્ષિતિજ ઉત્તરબિંદુ સુધીનો યામ્યોત્તરવૃત્તનો અર્ધભાગ આપણી ક્ષિતિજથી નીચે હોવાથી તે આપણને કદીયે દેખાતો નથી. પૃથ્વી ઉપરના ઉત્તર ગોળાર્ધમાં રહેતા આપણે ખગોલીય ગોલકના ખગોલીય ઉત્તર ધ્રુવની આસપાસના મર્યાદિત વિસ્તારને હંમેશાં ક્ષિતિજથી ઉપર સદા ઉદિત જોઈએ છીએ. અવલોક્ધાસ્થળના પૃથ્વીપટ ઉપરના અક્ષાંશ જેટલા કોણથી ખગોલીય ઉત્તર ધ્રુવની આસપાસ દોરેલું વર્તુળ ક્ષિતિજ ઉત્તરબિંદુને સ્પર્શે છે અને ખગોલીય ગોલકના ઉત્તર ધ્રુવની આસપાસના સદોદિત ક્ષેત્રનો વ્યાપ દર્શાવે છે.

પ્ર. દી. અંગ્રેજી