ખંભાળિયા : જામનગર જિલ્લાનો તાલુકો અને તાલુકામથક. ભૌગોલિક સ્થાન : 22° 12´ ઉ. અ. અને 69° 44´ પૂ. રે. તાલુકાની વસ્તી 2,47,147 (2022) અને શહેરની વસ્તી આશરે 70 હજાર (2022) છે. ખંભાળિયાથી રાજકોટ અને જામનગર ભૂમિમાર્ગે અનુક્રમે 150 અને 60 કિમી. છે, જ્યારે દ્વારકા 85 કિમી. અને ઓખા 95 કિમી. છે. જામનગરથી ખંભાળિયા અને ખંભાળિયાથી સલાયા સુધીનો રેલવેમાર્ગ છે. જામજોધપુર, પોરબંદર અને ભાણવડ જિલ્લા ભૂમિમાર્ગે ખંભાળિયા સાથે જોડાયેલાં છે.
અહીં તાલુકામાં અનાજ ઉપરાંત મગફળી અને કપાસનો મુખ્ય પાક થાય છે. અહીં તેલમિલો આવેલી છે. હાથવણાટનું કાપડ અને હાથીદાંતની ચૂડીઓ બનાવવાનો ગૃહઉદ્યોગ છે. ખંભાળિયા ઘી, કપાસિયા અને મગફળીના વેપારનું મોટું કેન્દ્ર છે. રામનાથ, કામનાથ, આશાપુરા, જડેશ્વર અને કલ્યાણરાયનાં મંદિરો આવેલાં છે. પુષ્ટિમાર્ગના સ્થાપક વલ્લભાચાર્યજી(મહાપ્રભુજી)ની બેઠક છે. મુસલમાનોની અજમેરી પીરની દરગાહ છે. કિલ્લો 300 વર્ષ જેટલો જૂનો છે. શહેર ફરતો કોટ છે.
ઇતિહાસ : જામખંભાળિયા નવાનગર રાજ્યના સ્થાપક જામ રાવળે 1535-37 દરમિયાન વાઢેર જાતિના રજપૂતો પાસેથી જીતી લીધું હતું. ભૂચર મોરીના યુદ્ધ પછી જામ સતાજીની હાર થતાં જામની સત્તા નબળી પડી હતી અને રાજ્યની રાજધાની જામનગરથી ખંભાળિયા ખસેડવી પડી હતી. જામ રાયસિંહના વખતમાં મુસ્લિમ ફોજદારને હરાવતાં જામનગર રાજધાની બન્યું હતું.
ખંભાળિયાના ભાટિયા અને લોહાણા સાહસિક વેપારીઓ છે. સલાયા બંદરમાં તેમનાં વહાણો બંધાતાં હતાં અને ઓગણીસમી સદી દરમિયાન સલાયા અને ખંભાળિયાનો પૂર્વ આફ્રિકાના અને ઈરાની અખાતના દેશો, મસ્કત વગેરે સાથે બહોળો વેપાર હતો. તાલુકામાં જામખંભાળિયા અને સલાયા બે શહેરો છે અને ગામડાંની સંખ્યા 86 છે. સલાયાના વાઘેર અને મુસ્લિમ વહાણવટીઓ જબરા દરિયાખેડુ છે. દાણચોરી માટે સલાયા જગબત્રીસીએ ચડ્યું છે.
શિવપ્રસાદ રાજગોર