ખંડોષ્ઠ અને ખંડતાલુ (cleft lip and palate) : હોઠ અને તાળવામાં ફાડ હોવી તે. તે એક જનીનીય કુરચના (genetic malformation) છે જેમાં હોઠમાં ફાડ હોય છે. ક્યારેક સાથે સાથે કઠણ કે મૃદુ તાળવામાં પણ ફાડ હોય છે. તેનું પ્રમાણ દર 1 હજાર જીવિત જન્મતાં બાળકોમાં એકનું છે. તે છોકરાઓમાં વધુ જોવા મળે છે. ગર્ભમાં ચહેરાની રચના વખતે તેનો નાસિકાપ્રવર્ધ (nasal process) અને ઉપલા જડબાનો પ્રવર્ધ (maxillary process) એકબીજા સાથે જોડાય છે. આ જોડાવાની પ્રક્રિયામાં ખામી રહે તો હોઠમાં ફાડ રહી જવાની ખામી સર્જાય છે. તેવી જ રીતે તાળવું બનાવતા પ્રવર્ધો(palatine processes)નું જોડાણ અધૂરું રહે તો તાળવામાં ફાડ રહી જાય છે. વધુ તીવ્ર ખામી હોય તો પ્રાથમિક અને દ્વૈતીયિક (secondary) તાળવા વચ્ચેના દંતીય પ્રવર્ધ (alveolar process) પર અસર થાય છે.
વિષમ ક્રિયાઓ : હોઠમાંની ફાડને લીધે શિશુ સ્તનની ડીંટડીને હોઠ વડે બરાબર પકડી શકતું નથી અને તેથી તેને ધાવવામાં મુશ્કેલી પડે છે. તાળવામાં ખામી હોય તો મોંમાંનો ખોરાક કે પ્રવાહી નાકમાં જાય છે અને શસ્ત્રક્રિયા કરવામાં આવે ત્યાં સુધી પણ તેને કૃત્રિમ તાળવું પહેરાવવું પડે છે. તાળવાની ખામીને લીધે અવાજ ગૂંગણો થાય છે અને બ, ડ, ક, પ, ટ જેવા ઉચ્ચારો કરતાં તકલીફ પડે છે. દંતીય પ્રવર્ધની ખામી હોય તો ઉપલા જડબાના દાંત હરોળમાં ઊગવાને બદલે અનિયમિત જૂથ બનાવે છે. તેને કારણે નીચલું જડબું સહેજ આગળની તરફ વધેલું લાગે છે. તેને અધોહન્વી અગ્રિમતા (mandibular prognathism) કહે છે. વળી નાક અને ઉપલા શ્વસનમાર્ગમાં મોંનું પ્રવાહી અને જીવાણુઓ પ્રવેશ કરે છે અને ત્યાં વારંવાર ચેપ કરે છે. કાનની ગળામાં ખૂલતી નળીમાં અવરોધ થવાથી મધ્યકર્ણમાં વારંવાર ચેપ લાગે છે અને તેથી ક્યારેક બહેરાશ ઉદભવે છે.
સારવાર : શસ્ત્રક્રિયા મુખ્ય સારવાર છે. શસ્ત્રક્રિયા થાય ત્યાં સુધી હૈયાધારણ આપવા અને યોગ્ય ટેવો શીખવવા તરફ ધ્યાન અપાય છે. 10 અઠવાડિયાંની વય, 10 પાઉન્ડ વજન અને 10 % હીમોગ્લોબિનનું પ્રમાણ હોય તો હોઠની ફાડની શસ્ત્રક્રિયા કરાય છે, જ્યારે તાળવાની ફાડને 12થી 18 અઠવાડિયે સાંધવામાં આવે છે. શસ્ત્રક્રિયા વડે સંધાણ કરીને નાક તથા મોંની ગોઠવણી યોગ્ય રૂપે કરાય છે. દેખાવ, ખોરાક ગળવાની ક્રિયા, અવાજ, દાંતની ગોઠવણી તથા સાંભળવાની ક્રિયા યોગ્ય અને સામાન્ય બને તે માટે પ્લાસ્ટિક સર્જ્યન, ઑર્થોડેન્ટિસ્ટ, સ્પીચ-થેરાપિસ્ટ અને નાક-કાન-ગળાના સર્જ્યનની ટુકડીએ સંયુક્તપણે સારવાર આપવી પડે
છે. પાછળથી રૂઝપેશી (scar) માટે ફરીથી પ્લાસ્ટિક સર્જરીની જરૂર પડે છે.
અજય મુનશી
શિલીન નં. શુક્લ