ખંડવા : ભારતના મધ્યપ્રદેશ રાજ્યનો ખંડવા જિલ્લો જે અગાઉ પૂર્વ નિમાડ તરીકે ઓળખાતો જિલ્લો.

ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા : તે 21 50´ ઉ. અ. અને 76 20´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. જેની પૂર્વે બેતુલ અને હારડા જિલ્લા, દક્ષિણે બુરહાનપુર જિલ્લો, પશ્ચિમે ખરગાંવ અને ઉત્તરે દેવાસ જિલ્લો સીમારૂપે આવેલા છે.આ જિલ્લો સમુદ્રની સપાટીથી સરેરાશ 300 મીટરની ઊંચાઈ ધરાવે છે.

આ જિલ્લો નર્મદા, ખેરખાલી, છોટી તવા નદી અને શીવા નદીના ઓછી ઊંચાઈના ખીણપ્રદેશો આવેલા છે. જિલ્લાની ઉત્તરે નર્મદા નદી, દક્ષિણે સાતપુડા હારમાળા કુદરતી સીમા ધરાવે છે. જ્યારે બુરહાનપુર જિલ્લાની સીમાએ તાપી નદીનો મેદાની વિસ્તાર આવેલો છે. ખંડવા અને બુરહાનપુર જિલ્લાની વચ્ચે આવેલો ઘાટ જે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતને સાંકળે છે. અસીરગઢનો કિલ્લો એક સમયે ‘Key of Deccan’ તરીકે ઓળખાતો હતો. અહીં આવેલાં શિખરો આશરે 900 મીટરની ઊંચાઈ ધરાવે છે. અસિરગઢની પૂર્વમાં અંતરાળ (gap) આવે છે. જેમાં થઈને તાપી નદીએ પોતાનો વહનમાર્ગ ધારણ કર્યો છે.

અહીં ઉનાળામાં સરેરાશ તાપમાન 32 સે. તથા શિયાળામાં તાપમાન 18 થી 24 સે. રહે છે. સરેરાશ વરસાદ 800 મિમી. જેટલો પ્રાપ્ત થાય છે. સામાન્ય રીતે અહીંનું વાતાવરણ સ્વાસ્થ્યપ્રદ રહે છે. ઉનાળો પ્રમાણમાં ગરમ રહે છે.

અર્થતંત્ર : અહીંની જમીન રેગૂર પ્રકારની છે. જે કાળી કપાસની જમીન તરીકે પણ જાણીતી છે. આ જમીનના નિર્માણમાં અહીંનાં ખડકો, ભૂપૃષ્ઠ અને આબોહવાની ભૂમિકા વધુ છે. આ જમીનમાં ભેજ ધારણ કરવાની ક્ષમતા જોવા મળે છે. ભેજ કે વરસાદના અભાવથી જમીનમાં ફાટ કે તિરાડ પણ પડે છે. આ જમીન ફળદ્રૂપ હોવાથી અહીંના લોકોની મુખ્ય પ્રવૃત્તિ ખેતી છે. મોટે ભાગે ઘઉં, જુવાર, કઠોળ, ખાદ્યાન્ન તરીકે તેમજ અળસી, સરસવ, મગફળી તેલીબિયાં તરીકે ઉગાડાય છે. શેરડી, તમાકુ અને શાકભાજીની ખેતી થાય છે. આ જિલ્લાનો 40% વિસ્તાર ગીચ જંગલોથી છવાયેલો છે. આદિવાસી લોકોની આવકનો આધાર અહીં જંગલ-પેદાશો પર રહેલો છે. સાગ, સાલ, ચારોળી વગેરેનાં વૃક્ષોનાં ઇમારતી લાકડાં તેમજ ઔષધિ, ગુંદર, લાખ, ટીમરુના પાન જે જિલ્લાના અર્થતંત્રમાં મહત્ત્વનો ફાળો છે. આ જિલ્લાને 2006માં સૌથી પછાત જિલ્લા તરીકે જાહેર કરવામાં આવેલો છે. પરિણામે ‘Backward Regions Grant Fund Programme’ નેજા હેઠળ કેન્દ્ર સરકાર તરફથી આર્થિક સહાય મળે છે. આ જિલ્લામાં ખનિજો નહિવત્ છે, પરંતુ ખડક ખનનની પ્રવૃત્તિને આધારે ‘ક્વોરી’નો ઉદ્યોગ વિકસ્યો છે.

આ જિલ્લામાંથી રાષ્ટ્રીય ધોરી માર્ગોનો લાભ મળ્યો નથી. પરિવહનનો આધાર રાજ્યના ધોરી માર્ગો ખંડવા–ઇન્દોર, ખંડવા–મુન્ડી–અસ્થા રાજ્ય ધોરી માર્ગ અને ખંડવા–અમરાવડી માર્ગ તેમજ જિલ્લા માર્ગો પર રહેલો છે. ખંડવા મહત્ત્વનું રેલવે જંકશન છે. મુંબઈ–કૉલકાતા બ્રૉડગેજ માર્ગ અહીંથી પસાર થાય છે.

વસ્તી : આ જિલ્લાનો વિસ્તાર 6,206 ચો.કિમી. જ્યારે વસ્તી (2011 મુજબ) 13,10,061 હતી. સેક્સ રેશિયો દર 1000 પુરુષોએ 944 મહિલાઓ છે. સાક્ષરતાનું પ્રમાણ 67.53% છે. 19.80% લોકો શહેરોમાં વસે છે. પછાત જાતિ અને આદિવાસી જાતિનું પ્રમાણ અનુક્રમે 11.95% અને 35.05% છે. અહીં હિન્દુ અને મુસ્લિમ વસ્તી અનુક્રમે 90.25% અને 8.88% છે. આ જિલ્લામાં આશરે અગિયાર બોલી બોલાય છે. જેમાં નિમાડી 40.59%, હિન્દી 33.84%, કોર્કુ 9.70%, ઉર્દૂ 3.20% મુખ્ય છે. તે સિવાય ભીલી, બરેલી, બંજરી, ગોન્ડી, મરાઠી અને ભિલાલી ભાષા બોલાય છે.

આ જિલ્લામાં જોવાલાયક સ્થળોમાં ઓમકારેશ્વર, મંધાતા, સૈલાણી ટાપુ, ખંડવા શહેર, ઇન્દ્રસાગર બંધ, સંગ સીંગાલી ધામ, શ્રી દાદાજી ધુવાનીવાલે ધામ, જૈન મંદિર સિદ્ધવારકુટ અને ખંડવા ફોર્ટ છે. ગોદરાપુર ખાતે હિંદુ મંદિરો પણ આવેલાં છે.

ખંડવા (શહેર) : ખંડવા જિલ્લાનું જિલ્લામથક અને શહેર.

તે 21 83´ ઉ. અ. અને 76 33´ પૂ. રે. પર આવેલું છે. આ શહેરની વસ્તી (2011 મુજબ) 2,00,738 હતી. તે સમુદ્રની સપાટીથી 309 મીટરની ઊંચાઈ ધરાવે છે. આ શહેરમાં હિન્દુ, મુસ્લિમ, જૈન, ક્રિશ્ચિયન, શીખ અને બૌદ્ધ ધર્મના લોકો વસે છે. જેની ટકાવારી અનુક્રમે 67.18%, 29.29%, 1.30%, 0.86%, 0.68%, 0.57% છે. જ્યારે બોલાતી બોલીઓમાં હિન્દી 67.40%, ઉર્દૂ 15.02%, નિમાડી 6.14%, મરાઠી 4.13% સિંધી 3.30% અને ગુજરાતી 1.14% છે. સાક્ષરતાનું પ્રમાણ આશરે 70% છે. પછાત જાતિ અને આદિવાસી જાતિઓની વસ્તી અનુક્રમે 27,340 અને 8,139 છે.

આ શહેર રાજ્ય ધોરી માર્ગો અને જિલ્લા ધોરી માર્ગોનું મહત્ત્વનું કેન્દ્ર છે. જબલપુર–ભુસાવળ વિભાગનું જંકશન છે. હાવરા–પ્રયાગરાજ અને મુંબઈ રેલમાર્ગનું જંકશન છે. નાગચુમ રસ્તે એક હવાઈ પટ્ટી આવેલી છે, પરંતુ તેનો ઉપયોગ જવલ્લે જ થાય છે.

અહીં ચાર કુંડ આવેલા  જેમાં પદમ કુંડ, ભીમ કુંડ, સૂરજ કુંડ અને રામેશ્વર કુંડ છે. દાદા દરબાર, શ્રી વિઠ્ઠલ મંદિર જેની સ્થાપના 1850માં સચ્ચિદાનંદ સ્વામીએ કરી હતી. ગાંગુલી હાઉસ જે ફિલ્મકલાકાર અને ગાયક કિશોરકુમાર અને અશોકકુમારનું જન્મસ્થાન છે. કિશોરકુમારની સમાધિ પણ આવેલી છે. ખંડવામાં જન્મેલ સરુ બ્રિએરલી (Saruo Brierley) કે જેણે પોતાના જીવનચરિત્ર ઉપર બનાવેલી ફિલ્મ ‘Lion’ ખૂબ જાણીતી બની હતી.

ઇતિહાસ : ખંડાવવાન નામ ઉપરથી આ શહેર ખંડવા તરીકે ઓળખાય છે. જેનો અર્થ ‘જંગલ’ થાય છે. નર્મદા અને તેની શાખા નદીઓના નિક્ષેપિત પ્રદેશમાંથી પથ્થરયુગનાં ઓજારો પ્રાપ્ત થયાં છે. ખંડવાથી વાયવ્ય દિશાએ ખડકાળ ટાપુ ઉપર ઓમકાર મહાદેવ આવેલા છે. હાઈહાયા(Haihaya)ના રાજાએ મહિષમાન્તે અહીં વિજય મેળવ્યો હતો જે પછી મહિષમતી તરીકે ઓળખાયો. પૂર્વ નિમાડમાં જ્યારે બૌદ્ધ ધર્મ ફેલાયો હતો ત્યારે ચાંદ પ્રદ્યોતા (Pradyota) મહેસાનાનું પ્રભુત્વ હતું. ઈ. સ. પૂર્વે બીજી સદીથી 15મી સદી અહીં મૌર્ય, શુંગાસ, શતવહાન, કરદામાકાસ અને અભિરાસનું શાસન રહ્યું હતું. ત્યાર બાદ અહીં વકતાકાસ (Vakatakas), ગુપ્તવંશના રાજાઓ, કલચુરિયાસ, વર્ધાનાસ, ચાલુક્ય, રાષ્ટ્રકુયસ, પરમાર અને ફારૂકીનું શાસન હતું. 1818માં મરાઠાઓએ બ્રિટિશરો સામે શરણાગતિ સ્વીકારી હતી. ભારત સ્વતંત્ર થયા પછી મધ્ય પ્રાંતને બદલે ભારતનું રાજ્ય ‘મધ્યપ્રદેશ’ બન્યું.

નીતિન કોઠારી

શિવપ્રસાદ રાજગોર