ક્ષીરગ્રંથીય પેશી (laticiferous tissue) : દૂધ જેવું પ્રવાહી ધરાવતી નલિકાઓયુક્ત પેશી. ક્ષીર સફેદ (આકડામાં), પીળું (દારૂડીમાં), ક્વચિત્ નારંગી કે રાતું પ્રવાહી હોય છે. તેમાં નત્રલ પદાર્થો, શર્કરા, મગદળ આકારના સ્ટાર્ચકણો (dumb-bell shaped starch grains), ઉત્સેચકો, ક્ષારો અને તૈલી દ્રવ્યો આવેલાં હોય છે. તેનું કાર્ય અસ્પષ્ટ છે. તે પોષણ અને પરોપજીવી વનસ્પતિઓમાં રક્ષણના કાર્ય સાથે સંકળાયેલ છે. રબર, અફીણ, પપેઇન, ટેનિન વગેરે અગત્યના પદાર્થો તેમાંથી મેળવાય છે.
તેની વિશાળ નલિકાઓ થોર(Euphorbiaceae), શેતૂર-(Moraceae), બારમાસી(Apocyanaceae) અને અંજીર- (Urticaceae)માં મળે છે. આના કોષો તેના ગર્ભ કે ભ્રૂણમાં નાના હોય છે; પરંતુ તેનું અંકુરણ થતાં કોષો ઊગે, વધે અને શાખિત થઈ આખા છોડમાં પ્રસરે છે. તેથી ઘણા મીટરની લંબાઈ ધારણ કરે છે. આ કોષો કે નલિકાઓ વહન સાથે સંકળાયેલાં નથી હોતાં.
વૃંદા ઠાકર