ક્ષીણતા (atrophy) : સંપ્રાપ્ત (acquired) કારણોસર કોષ, પેશી, અવયવ કે શરીરના કોઈ એક ભાગના કદમાં ઘટાડો થવો તે. જ્યારે મૂળભૂત રીતે જ કોઈ પેશી, અવયવ કે ઉપાંગ વિકસે નહિ તો તેને અવિકસન (aplasia) અથવા અલ્પવિકસન (hypoplasia) કહે છે; પરંતુ મૂળ કદ સામાન્ય હોય અને ત્યાર પછી તેમાં ઘટાડો થાય તો તેને ક્ષીણતા કહે છે. ક્ષીણતાને ઈજા, ચેપ કે કોષનાશથી થતા કદ-ઘટાડાથી અલગ પાડવામાં આવે છે. ક્ષીણતામાં પેશી કે અવયવના એકમરૂપ કોષોની સંખ્યા ઘટે છે. ક્યારેક તેમનું સ્થાન મેદપેશી (fatty tissue) કે તંતુપેશી (fibrous tissue) લે છે અને તેથી અવયવના કદમાં ઘટાડો ન થાય અથવા ઓછો થાય છે. ભ્રૂણ(embryo)ના વિકાસમાં કેટલાક ભાગની ક્ષીણતા આવે છે. આમ દરેક વખતે ક્ષીણતા રોગ કે વિકારસૂચક નથી. તેવી જ રીતે શિશુ અવસ્થામાં વક્ષસ્થગ્રંથિ(thymus)નું કદ ઘટે છે, સગર્ભાવસ્થા પૂરી થયા પછી ગર્ભાશયનું કદ ઘટે છે અને ઋતુસ્રાવસ્તંભન (menopause) પછી સ્તન અને ગર્ભાશયના કદમાં ઘટાડો થાય છે. વૃદ્ધાવસ્થાની પ્રક્રિયામાં શરીરના ઘણા ભાગ ક્ષીણ થાય છે.

ક્ષીણ થતી પેશીમાં છીંકણી રંગનું દ્રવ્ય એકઠું થવાથી તેનો રંગ બદલાય છે. કોષીય ક્ષીણતા ઉદભવે ત્યારે કોષમાંના ઉત્સેચકો (enzymes) કાર્યરત હોય છે એવું મનાય છે. ક્ષીણતા બે પ્રકારની છે : વ્યાપક (generalised) અને સ્થાનિક (local). વ્યાપક ક્ષીણતા ભૂખમરો તથા વૃદ્ધાવસ્થામાં જોવા મળે છે. તેવી જ રીતે મનોવિકારી અરુચિ(anorexia nervosa)ના દર્દીમાં, ક્ષય જેવા લાંબા ગાળાના ચેપ કે કૅન્સરને કારણે, અપપોષણ તથા ચયાપચયી ઝેરની અસરને કારણે પણ વ્યાપક ક્ષીણતા આવે છે. વૃદ્ધાવસ્થામાં મગજની ક્ષીણતાને કારણે તેની કાર્યક્ષમતા ઘટે છે.

સ્થાનિક ચેતા કે નસના વિકારોમાં, દબાણને કારણે, ઝેરી અસરને કારણે, વધુ પડતા કામને કારણે તથા અંત:સ્રાવી અસર હેઠળ સ્થાનિક ક્ષીણતા આવે છે. શરીરનું જે ઉપાંગ કાર્યરત ન હોય (દા.ત., પ્લાસ્ટર લગાવેલો કે લકવાગ્રસ્ત હાથ અથવા પગ) તે અનુપયોગજન્ય ક્ષીણતા(disuse atrophy)ને કારણે પાતળો પડે છે. સતત દબાણને કારણે પણ પેશી ક્ષીણ થાય છે; દા.ત.; પેશાબના સતત ભરાવાથી મૂત્રપિંડશોફ (hydronephrosis) થાય છે અને ત્યારે મૂત્રપિંડનો બાહ્યક (cortex) પાતળો થઈ જાય છે. મૂળ કારણની સારવાર કરવાથી ક્ષીણતા અટકાવી શકાય છે અથવા તેનો ઉપચાર કરી શકાય છે.

શિલીન નં. શુક્લ

શાંતિ પટેલ